ચાણક્યનું સૂત્ર હતું ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર સર્જન ઉસકી ગોદ મેં ખીલતે હૈ.’ આ વાતને આજના સમયમાં હવે શિક્ષકો તો નહીં પણ તેમના સંતાનો જરૂર સાચી પાડી રહ્યા છે, પણ તે બીજા અલગ જ સંદર્ભમાં સાચી પાડી રહ્યા છે.
રાજ્યના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના છાણી ગામમાં રહેતા આચાર્યના પુત્રએ કરેલા કૌભાંડનો થયેલો પર્દાફાશ બતાવે છે કે પિતા સ્કૂલમાં તો પુત્ર કૌભાંડમાં ‘આચાર્ય’ નીકળ્યો. આ કૌભાંડ પાછુ ગુજરાત પૂરતુ જ સીમિત નથી, તેના છેડા બીજા રાજ્ય સુધી તેની તપાસના તાર લંબાયા છે.

છાણી ગામના આ અનોખા કૌભાંડી જિગરકુમારના પિતા ચુનીભાઈ જિલ્લાની એક સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. હવે જીગર સ્કૂલમાં તો આચાર્ય ન બની શક્યો, પરંતુ તેણે કૌભાંડમાં આચાર્ય બનવાની નિપુણતા મેળવી લીધી.
તેણે ભણવામાં નબળા હોય, માંડ-માંડ પાસ થતાં હોય કે ફેલ થવાની સંભાવના પૂરેપૂરી હોય તેવા વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો. તે આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને કહેતો કે મારા પિતા સ્કૂલમાં આચાર્ય છે હું તમને બોર્ડની પરીક્ષામાં બેઠા વગર પાસ કરાવી દઈશ. આવું સાંભળીને નબળા તો ઠીક પણ ભલભલા સબળા વિદ્યાર્થી કે મોઢામાં પણ લાળ ટપક્યા વગર ન રહે, પાસ થવાની મહેનત કોણ કરે.

નબળા વિદ્યાર્થીઓની સંખ્યા સ્વાભાવિક રીતે વધારે હોવાથી જીગરને ત્યાં તો લાઇન લાગી ગઈ. પરીક્ષા આપ્યા વગર પાસ થવું કોને ન ગમે. દરેક જણ તેની ગરજ મુજબ રૂપિયા આપતું હતું, 15-25 હજારથી શરૂ થતો આ આંકડો લાખ રૂપિયા સુધી પહોંચતો હતો., નબળા વિદ્યાર્થીમાં જેવી જેની ગરજ તે મુજબ તે રૂપિયા ચૂકવતા હતા.
જિગરના કૌભાંડની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેના ‘શિકાર’ કે ‘બકરા’ને તે જૂનાગઢમાં કેશોદ ખાતે લાઇફ એજ્યુકેશન એકેડેમી ખાતે ચાલતા પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા અપાવીને ફર્સ્ટ ડિવિઝનમાં સારાં માર્કથી પાસ કરાવી દેતા હતા. તેના પછી તેઓ સારા માર્કે 10મું અને 12મું પાસ થયા હોય તેવી તમિલનાડુ રાજ્ય પરીક્ષા બોર્ડની માર્કશીટ આપી દેવામાં આવતી હતી. આમ અહીં ક્યાંય ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની માર્કશીટ અપાતી ન હતી. તેથી કૌભાંડીઓ તે વાત પર મુસ્તાક હતા કે ગુજરાતના કોઈ બોર્ડની માર્કશીટ જ નથી તો પછી તેમની સામે ફરિયાદ કે તપાસ ક્યાંથી થવાની.

પણ કહેવાય છે કે કે વ્યક્તિનું પાપ છાપરે ચઢીને પોકારે. આ રીતે રૂપિયા લેનારામાંથી કોકને અંધારામાં રાખ્યા હતા અને તેને તમિલનાડુના બોર્ડની માર્કશીટથી સંતોષ ન થતાં વાત આખી બહાર આવી હતી. તેના પછી હવે જિગરે આ રીતે ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું માનવામાં આવે છે. હવે આ બધા લોકો પણ બહાર આવે તેમ માનવામાં આવે છે. હવે આવા તો તેણે કેટલાય લોકો પાસેથી રૂપિયા સેરવ્યા હતા. આ કૌભાંડની રકમ જિગર કોઈ ગૌરવ ચૌધરી નામના વ્યક્તિને ઓનલાઇન ટ્રાન્સફર કરતો હતો.
આ આખી બાબત બતાવે છે કે આ કૌભાંડમાં જિગર તો ફક્ત એક પ્યાદું જ હોઈ શકે છે, જો તેમા ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવે તો તેના તાર ફક્ત તમિલનાડુ નહીં અનેક રાજ્યો સુધી જોડાયેલા નીકળી શકે છે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે ગુજરાતમાં રહેતા આ જિગરને એવી તે કઈ કડી મળી ગઈ છે કે તે તમિલનાડુના શિક્ષણ બોર્ડની પરીક્ષાની માર્કશીટ પૂરી પાડી શકે છે.

આ સવાલનો જવાબ ગુજરાતમાંથી તો શોધવાનો છે, પરંતુ તમિલનાડુમાં પણ આ કૌભાંડની તપાસ તેટલી જ જરૂરી છે જેટલી ગુજરાતમાં છે. તમિલનાડુના શિક્ષણ બોર્ડમાં કોણ એવી વ્યક્તિ છે જે જિગરને ત્યાંના દસમા અને બારમા ધોરણની સારા માર્કસવાળી માર્કશીટ પૂરી પાડી રહી છે. આ વ્યક્તિએ છેક જિગર સુધી તાણાવાણા એવા તે કેવી રીતે મેળવ્યા કે છેક દક્ષિણની માર્કશીટ પશ્ચિમમાં મળતી થઈ ગઈ.
અહીં ચકાસણી એ પણ કરવાની છે કે તમિલનાડુની માર્કશીટના બદલામાં ક્યાંક તમિલનાડુમાં ગુજરાત બોર્ડની માર્કશીટ તો પૂરી પાડવામાં આવી રહી નથીને. આવું ક્યાંક ક્રોસ સેટિંગ તો નથીને તેની તપાસ પણ જરૂરી થઈ પડે છે.
ગુજરાતમાં બોગસ માર્કશીટો બનાવી આપવી તે પ્રકારના કૌભાંડ વારંવાર આવતા રહે છે. તેમા ક્યાં તો આખી માર્કશીટ બોગસ હોય છે, આ સિવાય માર્ક વધારી આપવાની લાલચ આપવામાં આવતી હોય છે. હવે કદાચ ગુજરાતમાં હવે માર્કશીટ કૌભાંડમાં નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અમલમાં આવી છે, જે પહેલી વખત આંતરરાજ્ય ધોરણે અમલમાં આવી રહી છે. આમ જોઈએ તો ક્યાં ગુજરાત અને ક્યાં તમિલનાડુ, છતાં પણ છેક તમિલનાડુની 10મા અને 12મા ધોરણની માર્ક શીટ ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે.
આમ ભાષા જુદી, વલણ જુદું પણ કૌભાંડોમાં બધા એક એવી વાત છે. આ જોતાં કટાક્ષમાં કહી શકાય કે ભવિષ્યમાં ‘વન નેશન, વન માર્કશીટ’ની પરિકલ્પના આકાર પામે તો તેના મૂળમાં આ કૌભાંડીઓ જ હશે. આગામી દિવસમાં આ કૌભાંડમાં કોઈ નવો જ ફણગો ફૂટે કે રહસ્યોદઘાટન થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
