સ્કીમ અને સ્કેમ જાણે બંને એકબીજાના પર્યાય બની ગયા છે. જ્યાં સ્કીમ હોય ત્યાં આપોઆપ પછી સ્કેમ જ નીકળે છે. સરકારની દરેક યોજના દરેક સ્કીમમાં વહેલાં કે મોડાં સ્કેમનું કોઈને કોઈ ભોપાળું નીકળે છે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) સરકારે ગરીબ લાભાર્થીઓ માટે આ યોજના શરૂ કરી છે, પરંતુ અહીં પણ કૌભાંડીઓએ પોતાની આગવી છાપ છોડી છે. આવું કૌભાંડ કોઈ એક સ્થળે કે એક જિલ્લા પૂરતું મર્યાદિત રહેતું હોય તેવું નથી, પણ દરેક જિલ્લામાં કૌભાંડીઓ વસેલા છે.
નર્મદા જિલ્લામાં RTE હેઠળ આવકના બનાવટી દાખલા કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડનો વ્યાપ જોઈએ તો એમ જ લાગે કે બધે સ્કેમ જ સ્કેમ છે, સ્કીમ ક્યાંય નથી, જિલ્લા શિક્ષણ સમિતિએ 29 અરજીઓ રદ કરતાં જ આ કૌભાંડના અંતનો આરંભ થયો હતો. આ કૌભાંડના વ્યાપ અને પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને SPએ SITની રચના કરી હતી. SITએ આ કૌભાંડના મુખ્ય કાવતરાબાજ દર્પણ પટેલને પકડવાનું અભિયાન આદર્યુ છે. RTE કૌભાંડમાં તેના સહિત પાંચ આરોપીઓ ફરાર છે.
રેશનિંગની દુકાન ધરાવતો ભાજપના કાર્યકર દર્પણ પટેલે RTEમાં ક્યાંકથી કૌભાંડ કરવાનો પણ રાઇટ્સ મેળવી લીધો છે. તેણે મહિલા હેલ્થ વર્કરને વાર્ષિક 18,000ની આવકનો દાખલો પણ કાઢી આપ્યો હતો. આ સિવાય નાંદોદ તાલુકાના ભદામ ગામમાં તલાટી અને સરપંચ પણ RTE કૌભાંડમાં સામેલ હોવાની વાત પ્રકાશમાં આવી છે. તેઓએ આવકના અનેક ખોટા દાખલા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના હેઠળ કેટલાય લોકોએ RTE હેઠળ અરજી કરી છે.
SITના વડા અને ACP લોકેશ યાદવે જણાવ્યું હતું કે RTE કૌભાંડની વિગતો સામે આવી છે. કેટલાક શંકાસ્પદોના આવકોના પ્રમાણપત્રોની પણ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં તો આ કૌભાંડમાં પાંચ જણના જ નામ પ્રકાશમાં આવ્યા છે અને તેમને પકડવાની કાર્યવાહી ચાલું છે.
RTE અરજીમાં ધાર્યા કરતાં વધારે અરજીઓનો ખડકલો જોતાં ગાંધીનગરના સત્તાધીશો ચોંકી ગયા હતા. તેમને લાગ્યું કે આ આંકડો હોવો જોઈએ તેના કરતાં વધારે છે. તેના પગલે તેમણે દાખલાઓની ખરાઈ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમા એક પછી એક દાખલા બનાવટી નીકળતા હવે બાબતની જિલ્લા સ્તરે ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ચકાસણી દરમિયાન આવકના દાખલાઓ પરના ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા હતા. તેને સ્કેન કરવામાં આવતા ખબર પડી હતી કે સુંદરપુરા ગ્રામ પંચાયતની સિસ્ટમમાં જનરેટ થયા હતા. હવે અહીં પણ એક ટ્વિસ્ટ છે. કહેવાય છે કે કોઈપણ કૌભાંડી રાજકીય પીઠબળ હેઠળ કૌભાંડ કરતો નથી અને આ વાત આ કૌભાંડમાં પણ સાચી નીકળે છે.
RTE કૌભાંડનો આરોપી દર્પણ પટેલ રાજકીય વગ ધરાવે છે, ત્યારે તો તે આ હિંમત કરી શક્યો. તેના કાકા દિનેશલાલ રાજપીપળા APMCના ચેરમેન છે. તેઓ નર્મદા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ સામે નજીકના સંબંધ ધરાવે છે. આ ઉપરાંત દર્પણ પટેલ પોતે ભાજપના મોટા રાજકીય માથાઓ સાથે પણ સંબંધ ધરાવતો હોવાનું કહેવાય છે. તેથી આગામી દિવસોમાં તેના આ કૌભાંડમાંથી છટકી જવાથી લઈને છૂટી જવાની બધી વ્યવસ્થા થઈ જશે અને કૌભાંડનો ગાળિયો બીજાના ગળે ભેરવી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે.
RTE કૌભાંડમાં હાલમાં થયેલી કાર્યવાહીમાં જોઈએ તો નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ આરોપી દર્પણ પટેલ સામે પગલાં લેતા તેની સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કર્યો છે. તેની સાથે રેશનકાર્ડ ધારકો હેરાન ન થાય ત્યારે નજીકની રેશનિંગની દુકાનેથી અનાજ મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કૌભાંડમાં એક મહિલા હેલ્થ વર્કરની વાત સામે આવી છે. તેની માસિક આવક 20,000 રૂપિયા છે. તેણે RTEનો લાભ લેવા વાર્ષિક આવક 18,000 રૂપિયાથી ઓછી હોવાનો દાખલો કઢાવી આપ્યો છે. જ્યારે તેની વાર્ષિક આવક અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાની વચ્ચે છે. તેના પરિવારમાં એક નાનું બાળક છે અને પતિને ખેતમજૂરી કરતો દર્શાવાયો છે. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ પણ તેની સામે આકરાં પગલાં લે તેમ માનવામાં આવે છે.
વહેતી ગંગામાં સૌ હાથ ધોવે તેમ આ મહિલા હેલ્થ વર્કર જ નહીં સારી વાર્ષિક આવક ધરાવતા ખેડૂતોએ પણ RTE હેઠળ અરજી માટે આવકના બનાવટી દાખલા કઢાવ્યા છે. આ કૌભાંડને લઈને નાંદોદ તાલુકાના ગામકુવા, ભદામ, ભચરવાડા, બોરિદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. તાળી કંઈ એકલા હાથે વાગતી નથી તેમ કૌભાંડ પણ કોઈ સરકારી કર્મચારીઓની મિલીભગત વગર કરી શકતું નથી. તેથી બીજા કૌભાંડની જેમ આ કૌભાંડમાં પણ સરકારી કર્મચારીઓની સંડોવણીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
RTE કૌભાંડના સંદર્ભમાં જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવેએ પણ જણાવ્યું હતું કે અમને આ વાતની જાણકારી વિવિધ માધ્યમોથી મળી હતી. તેના પગલે અમે RTE અરજીઓનું મોટાપાયા પર ચકાસણી અભિયાન પણ હાથ ધર્યુ હતુ. હજારો અરજીઓમાં અમને માંડ 29 અરજીઓ જ અયોગ્ય લાગતા અમે તેને દૂર કરી હતી. DYSP પટેલે જણાવ્યું હતું કે આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાં દર્પણ પટેલ ઉપરાંત રાહુલ પ્રજાપતિ, અનિલ રોહિત, દક્ષા બારીયા, કલ્પના અનિલભાઈ વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં તેમની ધરપકડ કરીશું. હવે જોવાનું એ છે કે કૌભાંડીની રાજકીય વગ જોતાં આગામી દિવસોમાં આ કાર્યવાહી કયો રંગ લાવે છે. શું આરોપીની ધરપકડ થશે અને તેને સજા થશે કે પછી તેનું ફીડલું વાળીને તેને ફાઇલોમાં બંધ કરી દેવાશે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
