MANTAVYA Vishesh/ બરોડા ડેરી: કૌભાંડ કરવામાં મૃતક સભ્યો પણ ન છોડાયા

બરોડા ડેરીમાં આજકાલ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે, તે સવાલ એ છે કે બરોડા ડેરીના મૃતક સભ્યોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડની ‘કળા’ કયો ‘મોરલો’ કરી ગયો કે પછી અનેક ‘મોરલા’એ ભેગા થઈને આ કળા કરી?  હાલમાં તો મૃતક સભ્યોના નામે થયેલા કૌભાંડની ચર્ચા ચારે કોર છે.

Mantavya Vishesh

બરોડા ડેરીમાં આજકાલ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે, તે સવાલ એ છે કે બરોડા ડેરીના મૃતક સભ્યોના નામે 40 લાખ રૂપિયાના કૌભાંડની ‘કળા’ કયો ‘મોરલો’ કરી ગયો કે પછી અનેક ‘મોરલા’એ ભેગા થઈને આ કળા કરી?  હાલમાં તો મૃતક સભ્યોના નામે થયેલા કૌભાંડની ચર્ચા ચારે કોર છે. આ કૌભાંડ અંગે જાણી બરોડા ડેરીના બીજા સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

આ કૌભાંડનો પર્દાફાશ બીજા કોઈએ નહીં પણ વડોદરા ગ્રામ્યના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે મૃતક સભાસદોના નામે 40 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના નામનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ બંધ કરી દેવાય છે, બેન્ક ખાતુ બંધ કરી દેવાય છે. આ સંજોગોમાં હવે મૃતક સભાસદના નામે કૌભાંડ થયું તે મોટો સવાલ છે. તેના નામે દૂધ જમા થયું અને બેન્કમાં તેના નામે રૂપિયા જમા થયા, આ બધું અજબની કારીગરી બતાવે છે. આ બતાવે છે કે કૌભાંડ કરનારા મૃતકને પણ છોડતા નથી. જો કે અહીં રાહત લેવા જેવી વાત એ છે કે કૌભાંડ લાખોમાં હતુ ત્યારે જ તે પકડાયું, નહીં તો મૃતકોને લઈને કરવામાં આવતા કૌભાંડ કરોડોમાં જતાં હોય છે.

બરોડા ડેરી સામે આ કૌભાંડનો આક્ષેપ જો કોઈ સામાન્ય વ્યક્તિએ કર્યો હોત તો માનવામાં પણ આવ્યું ન હત, પરંતુ આ આરોપ વડોદરા ગ્રામીણના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરતાં તેની નોંધ લેવાની ફરજ પડી છે. તેના લીધે વડોદરા જિલ્લા રજિસ્ટ્રારે આ ઘટનાની સુધ લેવી હતી અને તેના પછી તપાસના આદેશ આપ્યા છે.

કેતન ઇનામદારે ફક્ત કંઈ પત્રકાર પરિષદ યોજીને ધડાકો કર્યો નથી, તેમણે આ અંગેનો પત્રો બરોડા ડેરીના સીએમડીના લખ્યો છે, સહકાર મંત્રીને લખ્યો છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ તેના અંગે જણાવ્યું છે. કુલ નવ જગ્યાએ તેમણે આ પ્રકારના કૌભાંડ અંગે રજૂઆત કરી છે ત્યારે આ વાત પ્રકાશમાં આવી છે. તેની સાથે તેમણે આ મુદ્દે કડક અને ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કેતન ઇનામદારના પત્રમાં બરોડા ડેરીમાં ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહીં મૃત્યુ પામેલા સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી ઉપાડી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કેતના ઇનામદારના આક્ષેપ મુજબ ભૂરીબેન પરમાર, કાલુભાઈ પરમાર, ઉદાભાઈ ચૌહાણ, અનુપભાઈ પરમાર અને ભીખાભાઈ પરમાર ડેસર તાલુકામાં આવેલી મેરાકુવા દૂધમંડળીમાં સભ્ય હતા. આખુ કૌભાંડ તેમના મૃત્યુ પછી પણ તેમના નામના બેન્ક ખાતામાં રકમ જમા કરાવીને ઉપાડીને કરવામાં આવ્યું છે.

કેતન ઇનામદારે આ અંગે કરેલી પોલીસ અરજીમાં જણાવ્યું હતું કે મેરાકુવા ગામની દૂધમંડળીમાં ગેરરીતિ થઈ છે. આ અંગેની રજૂઆત ધારાસભ્યને થતાં મેં એટલે કે કેતન ઇનામદારે લેટરપેડ પર જરૂરી વિગતો અને પુરાવા સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર તથા અન્ય ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે.

મૃતકોના નામે ચેક કઈ રીતે ફાટ્યા અને કઈ રીતે તેમના ખાતા ઓપરેટ થયા તથા તેમાથી રકમ ઉપડી તે અંગે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ડેરીએ ચેરમેન અને મંત્રીને એકાઉન્ટ હેન્ડલ કરવાની સત્તા આપી છે. તેથી ચેરમેન, મંત્રી અને ઓપરેટરે ભેગા મળીને કૌભાંડ કર્યુ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ કેસમાં બેન્કની અને બેન્કના કર્મચારીની કોઈ ભૂમિકા નથી તેમ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું.

કેતન ઇનામદારે આ કૌભાંડ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે મૃતક ભૂરીબેન પરમારના મોતને ત્રણ વર્ષ થઈ ગયા હતા. તેમના મૃત્યુ પછી પણ તેમના નામે દૂધ જમા કરાવવાની અને અત્યાર સુધીમાં નવ લાખથી પણ વધુ રકમ ઉપડી ગયાની એન્ટ્રી પણ બોલે છે અને તેમના સંતાન તથા કુટુંબને આ વાતની ખબર જ નથી. આ જ રીતે અન્ય મૃતક બાલુભાઈનું અવસાન 2023માં થયુ હતુ અને તેને પણ બે વર્ષ થઈ ગયા છે. તેમના નામે પણ આ જ રીતે દૂધ જમા કરાવવામાં આવ્યું હતું અને બેન્ક ખાતામાંથી ચાર લાખની રકમ ઉપડી ગઈ હતી. જ્યારે અન્ય એક મૃતક ઉદાભાઈનું મૃત્યુ તો છેક 2019માં થયું હતું, આમ છતાં પણ તેમના નામે દૂધ જમા પણ બોલ્યુ અને પાંચ વર્ષમાં લગભગ વીસ લાખની રકમ તેમના બેન્ક ખાતામાંથી ઉપડી ગઈ. આમ મૃતકોના નામે મર્યા પછી પણ વ્યવહાર ચાલું છે.

આમ મૃતકોએ કદાચ જીવતા જેટલું દૂધ જમા નહીં કરાવ્યું હોય અને રૂપિયા નહીં મેળવ્યા હોય તેટલા તેમના મૃત્યુ પછી મળી રહ્યા છે. કૌભાંડીઓ જાણે મૃતકો દૂઝણી ગાય બની ગયા છે. આવું એક ડેરીમાં બન્યું તેના કારણે હવે બીજી ડેરીઓ પણ શંકાના ઘેરામાં ચોક્કસ આવશે. આ તો વિધાનસભ્યએ પોતે રસ લઈને કૌભાંડની રજૂઆત કરી તેના પછી તપાસની કવાયત શરૂ થઈ છે. સામાન્ય લોકોની વાત તો તંત્રના કાન પર ક્યાંથી પડે. હવે આ મલાઈ ખાનારાઓ સામે કેવી તવાઈ આવે છે તે આખુ બરોડા જોશે, જો તવાઈ નહીં આવે તો આગામી દિવસોમાં બીજી કેટલીય ડેરીઓમાં આ પ્રકારની ‘મલાઈ’ ખાનારા એટલા બધા ફૂટી નીકળશે, જેનો ‘હાર્ટ એટેક’ તંત્રને આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી