MANTAVYA Vishesh/ વીમા કંપની સાથે ફ્રોડ કરનારનો હવે પોલીસ ઉતારશે ‘વીમો’

વીમા કંપનીઓ ક્લેમ રદ કરવા માટે કુખ્યાત છે, પણ શું કરે તેમનો પણ છૂટકો નથી. તેમની સાથે ફ્રોડ પણ એટલા કરવામાં આવે છે. રાજકોટમાં આવો જ એક કિસ્સો આવ્યો છે. તેમા વીમા કંપની સાથે સારવારનો બોગસ ક્લેમ બનાવીને 40 લાખ રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો, પણ વીમા કંપનીના અધિકારીઓની જાગૃતિના કારણે આ ક્લેમ પાસ થયો ન હતો.

Mantavya Vishesh

વીમા કંપનીઓ ક્લેમ રદ કરવા માટે કુખ્યાત છે, પણ શું કરે તેમનો પણ છૂટકો નથી. તેમની સાથે ફ્રોડ પણ એટલા કરવામાં આવે છે. રાજકોટમાં આવો જ એક કિસ્સો આવ્યો છે. તેમા વીમા કંપની સાથે સારવારનો બોગસ ક્લેમ બનાવીને 40 લાખ રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો, પણ વીમા કંપનીના અધિકારીઓની જાગૃતિના કારણે આ ક્લેમ પાસ થયો ન હતો.

રાજકોટના માધાપર ચોકડી પાસે કેવલમ કિંગ્ડમ વોરા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મયુર કરસનભાઈ છુંછર નામના યુવકે વીમા કંપની પાસેથી 40 લાખ રૂપિયાનો બનાવટી ક્લેમ પાસ કરાવવા માટે અજીબ કારસો રચ્યો હતો. મયુરે તેને પેરેલિસિસની અસર હોવાનું જણાવીને તે સમર્પણ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તેણે તેના આ ફ્રોડના આયોજનમાં હાઇટેક ફિઝિયોથેરપી સેન્ટરના ફિઝિયોથેરપિસ્ટ ડો. અંકિત કાથરાણીને પણ સામેલ કર્યા હતા.

તેણે પેરેલિસિસની અસરની સારવારના અને નિદાનના કાગળો વીમા કંપનીમાં રજૂ કર્યા હતા. આ માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના નામે ખોટા MRI રિપોર્ટ બનાવડાવ્યા હતા, હા ખોટા MRI રિપોર્ટ. ફક્ત અઢી હજાર રૂપિયા આપો તો તમને આવા ઇમેજિંગ સેન્ટરો ખોટા MRI રિપોર્ટ પણ બનાવી દે છે તેવું પણ આ કૌભાંડમાં ખૂલ્યું હતું. આ બધાના આધારે વીમા કંપની આઇસીઆઈસીઆઇ લોમ્બાર્ડમાં મયૂરે બોગસ ક્લેમ રજૂ કર્યો હતો.

વીમા કંપનીના કાગળોનું થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેકશનમાં જ સમર્પણ હોસ્પિટલના બે ડોક્ટરોના જુદા-જુદા અભિપ્રાયના કારણે રિપોર્ટને લઈને શંકાના વમળો સર્જાયા હતા. આમ ડોક્ટરોના વિરોધાભાસી અભિપ્રાય ઉપરાંત લેબોરેટરીના રિપોર્ટનો સમય, સહયોગ ઇમેજિંગના MRI રિપોર્ટમાં રેડિયોલોજિસ્ટની નામ વગરની સહી હોવાનો પણ ભંડાફોડ થયો હતો.

આના પગલે થર્ડ પાર્ટી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિતના સ્ટાફે તપાસ માટે રાજકોટમાં ધામા નાખ્યા હતા. અમદાવાદની થર્ડ પાર્ટી એજન્સી ફિનિક્સ ઇન્શ્યોરન્સ એજન્સીના સ્થાપક ડો. રશ્મિકાંત પટેલે છેવટે આ ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે ગાંધીગ્રામ પોલીસે આખો કાંડ રચનાર મયૂર છુંછાર, ફિઝિયોથેરપિસ્ટ ડો. અંકિત કાથરાણી સામે ગુનો નોંધી અટકાયત કરી છે.

તેઓએ જણાવ્યું હતું કે અમે મયૂરને ચા બનાવતા પકડી પાડતા તે રીતસરનો સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે તેને વીમાના કાગળો ડો. અંકિતે બનાવી આપ્યા હતા. ડો. અંકિત ત્યાં પહોંચતા તેણે જણાવ્યું હતું કે આ ક્લેમ વિથડ્રો કરી મામલાની પતાવટ કરો, અમારે રૂપિયા જોઈતા નથી. આ તો મયૂરના માથે દેવું થઈ ગયું હતું એટલે તે ઉતારવા કારસો રચ્યો હતો અને તેમા મેં મદદ કરી હતી.

 

મયૂરના કિસ્સામાં ડોક્ટરોના વિરોધાભાસી અભિપ્રાયોએ પણ ડોક્ટરોની પોલ ખોલી દીધી છે. સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકીએ મયૂરને ડાબી બાજુએ પેરેલિસિસ થયો હોવાનું તેના કેસ પેપરમાં લખ્યું હતું. જ્યારે મયૂરે ક્લેમ મૂક્યો તેમા તે જ હોસ્પિટલના ડોક્ટર મનોજ સિડાના કન્સલ્ટન્ટ પેપરમાં જમણી બાજુએ પેરેલિસિસ થયો હોવાનું જણાવાયું હતું. જ્યારે સહયોગ ઇમેજિંગ સેન્ટરના એમઆરઆઇ રિપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઈ જતાં સ્ટ્રોકની અસર હોવાનું જણાવાયું હતું. આશ્ચર્યની વાત એ હતી કે રિપોર્ટ રેડિયોલોજિસ્ટની સહી જ નથી. સહયોગ ઇમેજિંગે જણાવ્યું હતું કે આ રિપોર્ટ અમારો છે જ નહીં, અમારા રેકોર્ડમાં પણ ક્યાંય નથી. આ પ્રકારની વિસંવાદિતાના પગલે થર્ડ પાર્ટી એજન્સીની શંકા વધુ પ્રબળ બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં 40 લાખનો ક્લેમ પાસ થયા પછી ડો. અંકિતને રૂ. 10 લાખ આપવામાં આવનારા હતા.નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા બદલ પાંચ હજાર રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી કરી છે.

પોલીસ તપાસમાં તે વાતનો પર્દાફાશ થયો છે કે અંકિતે હોસ્પિટલની ખોટી ફાઇલો અને દસ્તાવેજો બનાવ્યા હતા. તેમા સમર્પણ હોસ્પિટલના કર્મચારી ભાવિક માંકડે મદદ કરી હતી. આ કૌભાંડમાં એવું પણ જાણવા મળ્યું હતું કે રાત્રે ડોક્ટર ઘરે જાય પછી ભાવિક મયૂરને ઘરે મોકલી દેતો હતો. તેના પછી સવારે ડોક્ટર આવે તે પહેલાં મયૂર હોસ્પિટલ આવી જતો હતો. સહયોગ ઇમેજિંગમાં કામ કરતાં અન્ય આરોપી હિતેશ રાઠોડે અઢી હજાર રૂપિયામાં નકલી એમઆરઆઈ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો.

આમ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની તલસ્પર્શી ચકાસણીએ વીમા કંપનીને નુકસાનમાં ઉતરતા બચાવી લીધી હતી. આવા બોગસ ક્લેમ કરનારાઓના કારણે ઘણી વખત સાચા ક્લેમ કરનારાઓ પણ દંડાઈ જાય છે. આ કેસમાં સમર્પણ હોસ્પિટલનો ડો. અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું જાહેર થયું છે. જ્યારે સહ આરોપી મયૂર છુંછર છે. પોલીસ હજી પણ આ ઘટનાની તપાસ કરી રહી છે અને હોસ્પિટલના બીજા કોઈ કર્મચારી પણ તેમા સંડોવાયેલા છે કે નહી તે જોઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !