MANTAVYA Vishesh/ ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં જ ભ્રષ્ટાચારને મળ્યો ‘ટેકો’

ખેડૂતો હાલમાં કમોસમી વરસાદના માર સહન કરી રહ્યા છે ત્યારે સરકાર તેમને રાહત પેકેજ આપવાની સાથે-સાથે ટેકાના ભાવ આપીને તેમની દરેક રીતે હિતૈષી બનવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આ સંજોગોમાં પણ કૌભાંડીઓ કટકી કરવાની તક જતી કરવા તૈયાર નથી. તેઓને ખેડૂતોના આંસુઓમાંથી પણ રૂપિયા બનાવવા છે.

Mantavya Vishesh

ખેડૂતો હાલમાં કમોસમી વરસાદના માર સહન કરી રહ્યા છે ત્યારે સરકાર તેમને રાહત પેકેજ આપવાની સાથે-સાથે ટેકાના ભાવ આપીને તેમની દરેક રીતે હિતૈષી બનવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આ સંજોગોમાં પણ કૌભાંડીઓ કટકી કરવાની તક જતી કરવા તૈયાર નથી. તેઓને ખેડૂતોના આંસુઓમાંથી પણ રૂપિયા બનાવવા છે. આ કૌભાંડીઓએ ખેડૂતના હિતને આગળ ધરીને રૂપિયા કમાઈ લેવા છે.

આમ કૌભાંડીઓને ખેડૂતના નામે ચરી ખાવું છે, પણ ખેડૂતને ત્યાંનો ત્યાં જ રાખવો છે. સરકાર કૌભાંડ કરવાની એક રીત બંધ કરે અને તેના પર ધોંસ વધારે ત્યાં સુધીમાં તો તેઓ બીજી અનેક રીતે શોધી કાઢે છે. હવે ગુજરાતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ત્યારે ખેડૂત પાસેથી ખરીદવામાં આવતી જણસોની મજૂરી અને પરિવહનના દરો ઊંચા બતાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડિયાએ કર્યો છે.

ડોડિયા ફક્ત આક્ષેપ કરીને બેસી જ રહ્યા નથી, તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલને આ કૌભાંડ અંગેની વિગતવાર રજૂઆત કરતો પત્ર પણ લખ્યો છે. તેમણે સીએમને લખેલા આ પત્રમાં કૌભાંડને કેવી રીતે આકાર આપવામાં આવે છે તે પણ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદવા રાજ્ય સરકારે નાફેડ અને ગુજકોમાસોલ જેવી એજન્સીઓને સત્તા આપી છે. તેઓની જવાબદારી ખેડૂતોની જણસોને ટેકાના ભાવે ખરીદીને ગોડાઉન સુધી પહોંચાડવાની છે. તેના પછી નાફેડ અને ગુજકોમાસોલ જેવી મોટી સંસ્થાઓ જિલ્લા અને તાલુકા કક્ષાની મંડળીઓ અને સંઘોની ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદવા માટે પસંદગી કરે છે. તેની સાથે કરાર પણ કરે છે.

તેના પછી આ જિલ્લા અને તાલુકા કક્ષાની મંડળીઓ અને સંઘો ખેડૂતોની પાસેથી રાજ્ય સરકારે નક્કી કરેલી ખેતપેદાશ ખરીદે છે. તેઓની જોડે ખેડૂતો પાસેથી લીધેલી ખેતપેદાશનું વજન કરીને, ગુણીમાં સીલિંગ કરીને અને પ્રમાણપત્ર જોડી દઈને વાહનોમાં તેને ભરવાના અને ઉતરાવવાના મજૂરીના દર પણ નક્કી કરવામાં આવે છે. હવે આખી રમત જ અહીં શરૂ થાય છે. કોઈને પણ થાય છે કે આ સંજોગોમાં હવે કૌભાંડની સંભાવના ક્યાં રહે છે. હવે અહીં મજૂરીનો દર ગુણી દીઠ 40થી 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ દરે સ્થાનિક એજન્સીને ચૂકવણી કરવામાં આવી રહી છે.

તેની સામે બીજા માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો ગુણી દીઠ મજૂરીના દર મંડળીઓ માટે નક્કી કરવામાં આવેલા દર કરતાં દસ ગણા ઓછા છે. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં જ જોઈએ તો મગફળીનો તોલ કરાય તો 35 કિલોગ્રામની ગુણીનો મજૂરીભાવ 7.50થી રૂપિયા ભાવ ચઢાવવાનો છે અને ઉતારવાનો 50 પૈસા અને આખી ગાડી ઉતારાય તો આ રીતે બહુ-બહુ તો 14 રૂપિયા સુધીનો ભાવ ગુણી દીઠ જાય. તેની સામે અહીં તો ભાવ જ અંદાજે 50થી 40 રૂપિયા કરી દઈને ભ્રષ્ટાચાર કરવાની ધરાર છૂટ આપી દેવામાં આવી છે.

બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસના આ આગેવાનનું કહેવું એમ હતું કે આ રીતે 15કે 18 રૂપિયા ઉપરનો દર જાય તો તે રકમ કોઈ મળતિયાના ખિસ્સામાં જ જવાની છે. આના કરતાં વધારે દર મંજૂર થાય તો નફો નહીં પણ નફાખોરી છે.તેનાથી છેલ્લો ફટકો તો સરકારને જ પડવાનો છે. આ બધી એજન્સીઓને શું મજૂરો પર એટલો બધો પ્રેમ ઉભેરાઈ આવ્યો છે કે તેઓ તેને એક ગુણી ઉપાડવાનો 40થી 50 રૂપિયા ચૂકવી શકે તેમ છે. બધા જાણે છે કે મજૂરને તો મળવાનું છે તેટલું જ મળવાનું છે.

તેમનું કહેવું છે કે આ રીતે દર મંજૂર કરીને જિલ્લા અને સંઘોને સીધો ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દેવામાં આવી છે. આમ કૌભાંડીઓએ નવો કીમિયો શોધી કાઢયો છે, ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરી શકતા નથી, બારદાનમાં પણ કૌભાંડ કરી શકતા નથી તો પઙી ખેતપેદાશોને ગોડાઉન સુધી પહોંચાડવાને લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવે.

ડોડિયાએ ઉમેર્યું હતું કે મગફળીના ખરીદ કેન્દ્ર ગોડાઉનની નજીક હોવા છતાં પણ 10 કિલોમીટર કરતાં પણ વધુ અંતર બતાવીને વધારે રકમ સરકાર પાસેથી વસૂલવામાં આવે છે. આમ ક્યાંયથી તો રૂપિયા ઉસેટવા જ તે નિયમ કૌભાંડીઓએ બનાવી રાખ્યો છે. જ્યારે અહીં તો મજૂરીથી લઈને ભાડું વસૂલવા સુધી કૌભાંડ કરવાનો ખુલ્લો દોર જ આપી દેવાયો છે. તેના પગલે જિલ્લા સંઘો, જિલ્લા મંડળીઓ શું કામ બેફામ વસૂલાત ન કરે. શું તંત્રએ જિલ્લા મંડળીઓને રાજી રાખવા માટે આ પ્રકારે ઊંચો ભાવ રાખીને કૌભાંડ કરવા દેવાની છૂટ આપી દીધી છે, આ તો તમતમારે જેમ ફાવે એમ લૂંટો, અમે બેઠા છીએ તેમ જણાઈ રહ્યુ છે.

આશ્ચર્યની વાત એ છે કે આવી વાત તંત્રના નજરમાં કેમ નથી આવી તે મોટો સવાલ છે. મજૂરીના જેટલા ઊંચા દર નક્કી થયા છે તો તેટલી જ રકમ મજૂરોને ચૂકવાય તેના પર ભાર મૂકવો જરૂરી છે. પણ શું તંત્ર તેવું કરશે ખરું કે તેના પર પાછું નજર રાખવા માટે બીજું તંત્ર નીમવું પડશે તે સવાલ ઉઠે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા