ભાજપને ત્રણતક મળી તેમાં પાંચ મુખ્યમંત્રી બદલાયા, કોંગ્રેસના નારાયણદત્ત તિવારી સિવાય કોઈ મુખઅયમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી
દેશમાં જેને દેવભૂમિ કહેવામાં આવે છે. બદ્રીનાથ કેદારનાથ અને હરદ્વાર જેવા પવિત્ર તીર્થધામો જ્યાં આવેલા છે અને દહેરાદૂન જેવું જેનું આકર્ષક પ્રવાસધામ પણ છે અને જે પ્રદેશ પર કુદરતી આફતોનો વરસાદ પણ વારા ફરતી વરસતો રહે છે. અને જ્યાંની પ્રજા પણ પોતાની અભૂતપૂર્વ ખૂમારીના કારણે બેઠી પણ થઈ જાય છે તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે ભાજપના મોવડી મંડળના કહેવાથી રાજીનામું આપ્યું છે. ૨૦૧૭માં રચાયેલી ચાર વર્ષ જૂની ભાજપની સરકારમાં નેતૃત્વ પરિવર્તન કરવાની મોવડી મંડળને ફરજ પડી છે. છેલ્લા બે સપ્તાહથી ઉત્તરાખંડની અસંતુષ્ઠ ધારાસભ્યોની રજૂઆતો ચાલુ હતી. અમુક આવા ધારાસભ્યો દિલ્હીમાં ધામાનાખીને બેઠા હતા. ભાજપના મોવડી મંડળે છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને નિરિક્ષક બનાવી મોકલ્યા અને તેમણે આવીને ધારાસભ્યો અને આગેવાનોની મુલાકાત કરીને જે રિપોર્ટ તૈયાર કર્યો તેના આધારે ત્રિવેન્દ્ર રાવતને પણ દિલ્હી બોલાવ્યા ભાજપના મોવડીઓએ ત્રિવેન્દ્ર રાવતે રાજીનામું આપવા સૂચના આપી અને તરત તેમણે ૯મીએ દહેરાદુન આવી રાજીનામું આપી દીધું. જાે કે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજીનામું મોવડી મંડળની ઈચ્છાથી આપે છે. મોવડી મંડળ બીજાને તક આપવા માગે છે.

ઉત્તરાખંડમાં અસંતુષ્ઠ ધારાસભ્યોની છેલ્લા માસથી એવી ફરિયાદ હતી કે મુખ્યમંત્રી તેમને વિશ્વાસમાં લીધા વગર વહિવટી નિર્ણયો લે છે. ત્રિવેન્દ્ર રાવતની કાર્યશૈલી ૨૦૨૨માં એટલે કે એક વર્ષ બાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના નાવને ડુબાડી શકે છે. ભાજપના મોવડી મંડળને આ વાત ગળે ઉતરી ગઈ અને ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તનનો તખ્તો ગોઠવાઈ ગયો. આમ આ દેવભૂમિ પર વારંવાર નેતૃત્વ પરિવર્તનની પરંપરા જળવાઈ ગઈ અને ઉત્તરાખંડના ૨૦ વર્ષના શાસન કાળમાં ૧૦માં મુખ્યમંત્રી નીમવાનો ઈતિહાસ સર્જાઈ ગયો. કોઈપણ રાજ્ય માટે આ સારી વાત નથી.

કેન્દ્રમાં અટલબિહારી વાજપાયીની આગેવાની હેઠળ ભાજપ (એનડીએ)ની સરકાર હતી ત્યારે ૨૦૦૦માં ત્રણ નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ તેમજ બિહારના વિભાજન દ્વારા ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું છતીશગઢ અને ઝારખંડમાં એકાદ અપવાદને બાદ કરતાં ચૂંટાયેલી સરકારો જ પોતાની મુદત પુરી કરવામાં સફળ થઈ છે. છતીશગઢમાં રમણસિંહ તો સતત ત્રણ વખત જીતવામાં સફળ રહ્યા છે. તેવે સમયે ઉત્તરાખંડમાં કોંગ્રેસના નારાયણદત્ત તિવારી એક જ એવા મુખ્યમંત્રી છે જે પોતાની મુદત પૂરી કરવામાં સફળ થયા છે.

( નીત્યાનંદ સ્વામી)
ઉત્તરાખંડના પ્રથમ મુખ્યમંત્રી નીત્યાનંદ સ્વામી હતા તો તેમના ટૂંકા સમયના શાસનકાળ બાદ ભગતસિંઘ કોશિયારી મુખ્યમંત્રી બન્યા. આમ પ્રથમ સત્રમાં બે મુખ્યમંત્રી બદલાયા ત્યારબાદ ઉત્તરાખંડમાં કોંગ્રેસનું શાસન આવ્યું અને કોંગ્રેસના પીઢ નેતા નારાયણ દત્ત તિવારી મુખ્યમંત્રી બન્યા તેઓ એક જ એવા નેતા છે કે જેમણે, પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો ત્યારબાદ ફરી ભાજપ સત્તાપર આવ્યો અને ભુવનચંદ્ર મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ દોઢ વર્ષના ટૂંકાગાળામાં રમેશ પોખરીમાલ અને ફરી પાછી ભુવનચંદ્ર ખંડુરીને મુખ્યમંત્રી બનવાની તક મળી. આમ ભાજપને ત્યાં નેતાગીરીનું રોટેશન નક્કી કર્યું હોય તેમ ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. ત્યારબાદ ૨૦૧૨માં ત્યાં કોંગ્રેસનું શાસન આવ્યું અને ઉત્તરપ્રદેશ અને દેશના બાહોશ નેતા અને પ્રખર વક્તા ગણાતા હેમવતીનંદન બહુગુણાના પુત્ર વિજય બહુગુણાને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ તે વખતે ઉત્તરાખંડનાં હિમપ્રપાત પૂરનું જે પ્રલયતાંડવ ખેલાયું તેમાં નબળી કામગીરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના આધારે કેન્દ્રમાં મનમોહન સરકારમાં પ્રધાનપદુ ભોગવતા હરીશ રાવતને ઉતરાખંડનું સુકાન સોંપાયું નારાજ થયેલા વિજયબહુગુણા અને તેના ૧૪ સાથી ધારાસભ્યોએ પક્ષાંતર કરી ભાજપનું શરણું લીધું.

(ત્રિવેન્દ્ર રાવત )
રાવતે પોતાની ચૂંટણી સુધીની મુદત તો પૂરી કરી પરંતુ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તાપર આવ્યો અને અનેક દાવાઓ વચ્ચે ત્રિવેન્દ્ર રાવત મુખ્યમંત્રી બન્યા. ત્રણ વર્ષ સુધી તો બધુ બરાબર ચાલ્યું પરંતુ એક વર્ષ પહેલા ત્યાં અસંતોષની ચીનગારી પ્રગટી અને પછી તો વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું. ગ્લેશીયર હોનારત બાદ આ અસંતોષ ઉગ્ર બન્યો અને હવે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા. જેમ ૨૦૧૬માં ગુજરાતમાં ચૂંટણીના નવ માસ પહેલા આનંદીબેન પટેલે પોતાની ઉંમરનું બહાનું કાઢી રાજીનામું આપ્યું હતું (ભલે મૂળ કારણના પાટીદાર અનામત આંદોલન અને તેના લીધે સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો થયેલો ઘોર પરાજય હતું) તે અલગવાત છે. આનંદીબેન હાલ ઉત્તરાખંડનો જે રાજ્યમાંથી જન્મ થયો છે તે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું રાજ્યપાલ પદ સંભાળે છે) તે જ રીતે ધારાસભ્યોની રજૂઆતોને પ્રાધાન્ય આપી અથવા તો ઉત્તરાખંડના અસંતુષ્ઠ નેતાઓના મનની વાત સાંભળીને ભાજપના નેતાોએ ચૂંટણીના એક વર્ષ પહેલા ઉતરાખંડમાં ભાજપની નૈયાને ડુબતી બચાવવા માટે નેતૃત્વ પરિવર્તનનું પગલું ભરવાની ફરજ પડી છે કે ત્યાંના સ્થાનિક ધારાસભ્યોએ નેતૃત્વ પરિવર્તન માટે ફરજ પાડી છે.

આમ ઉત્તરાખંડની સ્થાપના પછીના ૨૦ વર્ષના સમયગાળામાં ઉત્તરાખંડના નવ મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા છે. કોંગ્રેસના એક મુખ્યમંત્રી સિવાય બાકીના કોઈ મુખ્યમંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. કોંગ્રસને તેને ૨૦૧૨માં મળેલીબીજીતક સમયે ચૂંટણીના દોઢ બે વર્ષ પહેલા વિજય બહુગુણાને બદલવા પડ્યા હતા. જ્યારે ભાજપના તો એક પણ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. ૨૦૦૦ના સમયગાળામાં મળેલી પ્રથમ તકમાં ભાજપને બે મુખ્યમંત્રીનું તબક્કાવાર રોટેશન કરવું પડ્યું હતું જ્યારે ભાજપને બીજીવાર તક મલી ત્યારે તો પાંચ વર્ષમાં ભાજપના મોવડીઓને ત્રણ વખત નેતૃત્વ પરિવર્તન કરવું પડ્યું હતું. તેમાંય ભુવન ખંડુરીને તો બીજીવાર મુખ્યમંત્રી બનાવવાની તક આપવી પડી હતી. હવે ૨૦૧૭માં કોંગ્રેસની કારમી હાર બાદ રચાયેલી સરકારના સુકાની બનેલા ત્રિવેન્દ્ર રાવત પણ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી અને હવે ચૂંટણીનું છેલ્લું વર્ષ નવા મુખ્યમંત્રીને હવાલે કરવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
હવે નવા મુખ્યમંત્રીને ઉતરાખંડમાં ૨૦૨૧માં અંતમાં કે ૨૦૨૨ના પ્રારંભકાળમાં યોજાનારી ચૂંટણીની વૈતરણી પાર કરાવવાની જવાબદારી સંભાળવાની છે. વારંવાર મઉખ્યમંત્રીઓ બદલવા પડે તે કોઈ પણ પક્ષ માટે સારી નિશાની તો ન જ કહેવાય. ભારતમાં ઘણા રાજ્યો એવા છે કે જ્યાં ૨૬ વર્ષ એક જ મુખ્યમંત્રીએ રાજ કર્યું છે. મોટા ભાગના રાજ્યોમાં કમસે કમ ચૂંટણી સુધી તો એક જ મુખ્યમંત્રી રાજ કરે છે. ઉત્તરપ્રદેશમાં પણ બે – બે નાયબ મુખ્યમંત્રીઓને સાથે રાખી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની તોતીંગ બહુમતીવાળી ભાજપ સરકાર પોતાનો કાર્યકાલ પૂરો કરશે તેવું અત્યારે તો લાગે છે. આ સંજાેગો વચ્ચે દેવભૂમિ ગણાતું ઉતરાખંડ જાણે કે રાજકીય અસ્થિરતાનું હબ બની ગયું હોય તેમ ત્યાં વારંવાર મુખ્યમંત્રી બદલવા પડે તેવી સ્થિતિનું નિર્મઆમ થયું હતું અને તે પ્રણાલિ આ વખતે પણ ચાલુ રહી છે. કોંગ્રેસને તો તેને મળેલી બે તકમાં માત્ર એક જ મુખ્યમંત્રી વિજય બહુગુણા પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. જ્યારે ભાજપથી તો ત્રણ તક મળી. તેમાં છઠ્ઠીવાર મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. શીસ્તબધ્ધ અને મજબૂત સંગઠનવાળા ગણાતા પક્ષ માટે માર્ગ વિચારવા કે મનોમંથન કરવા જેવી સ્થિતિ તો છે જ તેની નોંધ લીધા વગર ચાલવાનું નથી.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
