Bhavnagar News/ ‘ઘોઘા’ રોપેક્સ પ્રોજેક્ટ, ચલાવનાર ‘બોઘા’

ગુજરાતમાં ભાવનગરમાં ઘોઘા અને દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલો રો-પેક્સ ફેરી પ્રોજેક્ટ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પણ ભ્રષ્ટાચારરૂપી રાહુના ભેટ ચઢી ગયો હોવાનું માનવામાં આવે છે.

Mantavya Vishesh

રાહુ જેમ કોઈની કુંડળીમાં હોય તો તેની સ્થિતિ ખરાબ કરે, તેમ ભ્રષ્ટાચાર પણ રાહુ જેવો જ છે જે પણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો તે પ્રોજેક્ટની સ્થિતિ તે હંમેશા માટે ખરાબ કરી દે છે. આ પ્રોજેક્ટ પછી પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કેમ ન હોય, પણ ભ્રષ્ટાચારરૂપી રાહુ દરેક પ્રોજેક્ટના ગ્રહ બગાડી જાય છે. છેવટે તેનો માર તો કરવાનો જાહેર જનતાને જ પડે છે.

ગુજરાતમાં ભાવનગરમાં ઘોઘા અને દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલો રો-પેક્સ ફેરી પ્રોજેક્ટ ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પણ ભ્રષ્ટાચારરૂપી રાહુના ભેટ ચઢી ગયો હોવાનું માનવામાં આવે છે.

ખંભાતના અખાતનો આ ડ્રીમ પ્રોજેક્ટ ટેકનિકલ નિષ્ફળતા, ગેરવહીવટ અને જાહેર નાણાના દુર્વ્યયની ગાથાનું જીવતુજાગતું ઉદાહરણ છે. રૂ. 400 કરોડ જેટલી માતબર રકમના ખર્ચ છતાં પણ દહેજમાં જેટી પાસે ભારે કાંપ ભરાવવાના લીધે જહાજો માટે ડોક કરવું અશક્ય બન્યું છે. તેના કારણે ફેરી સર્વિસ રો-પેક્સ બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મજાકમાં પણ કહે છે કે ફેરી સર્વિસ રો-પેક્સને ભ્રષ્ટાચારીઓએ પોતાના સિક્સ-પેક બતાવ્યા છે.

આટલો મોટો પ્રોજેક્ટ, પીએમ મોદીની ચાંપતી નજર અને તેમણે મૂકેલા ભાર છતાં પણ આ પ્રોજેક્ટ નિષ્ફળ કઈ રીતે ગયો તેના કારણોની તપાસ સરકારે શરૂ કરી છે. પીએમ મોદીએ પણ આ પ્રોજેક્ટની નિષ્ફળતાની નોંધ લીધી હોવાનું કહેવાય છે.

આ પ્રોજેક્ટમાં દહેજ ખાતે રો-રો ટર્મિનલ્સ બનાવવા માટે રૂ. 150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેના પછી 200 કરોડ રૂપિયાથી વધુ રકમ તો જાળવણી અને ડ્રેજિંગ પાછળ ખર્ચવામાં આવી હતી. તેમા ફેરી સર્વિસ જળવાઈ રહે તે માટે પાણીનું ઊંડાણ જાળવા રાખવા કાંપ અને કાદવ ઉલેચવાની કામગીરીનો પણ સમાવેશ થતો હતો. આટલા જંગી ખર્ચ પછી પણ પ્રોજેક્ટમાં સતત અવરોધો તો આવતા જ રહેતા હતા. સતત કાંપ જમા થવાના લીધે ફેરી જેટી સુધી પહોંચી જ શકતી ન હતી. તેના પરિણામે ફેરી સર્વિસ બંધ થઈ ગઈ હતી. આ ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવાના વારંવાર કરવામાં આવેલા પ્રયત્નો નિષ્ફળતાને વર્યા હતા.

ઘોઘા-દહેજ રોપેક્સ ફેરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરશે તેમ માનવામાં આવતું હતું. તેના અભાવના લીધે લોકોએ 300 કિ.મી.ની લાંબી મુસાફરી કરવી પડતી હતી અને જો ફેરી સર્વિસ યોગ્ય રીતે ચાલે તો આ મુસાફરી ફક્ત 31 કિ.મી.ની જ રહેતી હતી. 2017માં પીએમ મોદીએ ખૂબ જ ધૂમધામથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી આ સેવાનું ઉદઘાટન કર્યુ હતું. તેઓ ઇચ્છતા હતા કે સૌરાષ્ટ્રના લોકોને સીધી દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની કનેક્ટિવિટી મળે. તેઓએ છેક અમદાવાદ સુધીનો ફોગટફેરો ખાવો ન પડે.

આ પ્રોજેક્ટને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. જો કે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો તેના પછી તેને લગતા ટેકનિકલ અને પર્યાવરણલક્ષી પડકારો સામે આવવા લાગ્યા હતા. અહીં સૌથી મોટી બાબત દહેજ જેટી નજીક કાંપ થઈ જતો હતો તે હતી.

ખંભાતનો અખાત તેની ઊંચી ભરતી અને ઝડપથી વહેતા પાણી માટે જાણીતો છે. તેના કારણે કાદવ અને કાંપ ત્યાં મોટાપાયા પર થાય છે. આ સમસ્યાથી જીએમબી સુપેરે પરિચિત હોવા છતાં પણ તેણે કોઈપણ જાતના ઉકેલ વગર ફેરી રૂટ શરૂ કરાવી દીધો હતો. તેણે કમસેકમ ટેકનિકલ તપાસ પણ કરી ન હતી. જો તેણે પહેલેથી જ તેને લગતી ટેકનિકલ ક્ષમતા ચકાસી હોત તો કદાચ પ્રોજેક્ટ પાછળ આંધળ થયું ન હોત, પરંતુ કોઈનું માને તે ગુજરાત મેરીટાઇમ બોર્ડ શેનું.

ગુજરાત મેરીટાઇમ બોર્ડની નિષ્ફળતાથી અકળાયેલી કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે તેની પાસેથી આ પ્રોજેક્ટ લઈને દીનદયાળ પોર્ટ ઓથોરિટીને ટ્રાન્સફર કર્યો હતો.  તેના પગલે ત્રીજી નવેમ્બર 2020ના રોજ રાઇટ ઓફ યુઝ (આરઓયુ) કરાર કરવામાં આવ્યા હતા.  આ કરારમાં ફક્ત ઘોઘા અને દહેજ ટર્મિનલ જ નહીં, પણ હજીરા ખાતેની જમીન પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

તેના પછી દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કાયમી રો-રો ટર્મિનલ સફળતાપૂર્વક બનાવ્યું હતું.  દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ દહેજ ટર્મિનલ મેરીટાઇમ બોર્ડને પરત સોંપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેણે ખાસ રસ તેમા દાખવ્યો નથી.

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે જેટ્ટીઓ પાસે જમા થતો કાંપ કાઢવાનો કોન્ટ્રાક્ટ જેને સોંપવામાં આવ્યો હતો તે તેમા નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત આ ફેરી સર્વિસના બિનકાર્યક્ષમ વહીવટે પણ તેને બંધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આશ્ચર્યની વાત એ છે કે કાંપ જમા થશે તો ફેરી સર્વિસ ચાલી જ નહીં શકે તેવી ખબર હોવા છતાં પણ તંત્ર એજન્સી પાસેથી યોગ્ય કામગીરી કરાવી શક્યું ન હતું. તેની સાથે રોપેક્સ ફેરી સર્વિસ પણ વચ્ચે વારંવાર બંધ પડવા માંડતા તેને ટો કરવાની ફરજ પડી હતી. આ બધા બનાવોના પગલે પછી રો-પેક્સ સર્વિસ જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને ભોગ ચઢી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી