છેલ્લાં કેટલાય સમયથી બિહારમાં SIR (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદારયાદી સુધારણાનો મુદ્દો બહુ ગવાયેલો રહ્યો. ચૂંટણીપંચે વિવાદોની વચ્ચે બિહારના કુલ મતદારોમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા હોય તેવા, બે-બે સરનામાવાળા, શંકાસ્પદ, ભારતીય નાગરિક જ ન હોય તેવા લોકોના એમ થઈને 69 લાખ નામની બાદબાકી કરી અને કોઈને પણ તેની સામે શંકા હોય કે તેની સામે વાંધો હોય તો તેને રજૂ કરવાની પણ છૂટ આપવામાં આવી હતી.
હવે ચૂંટણીપંચ બિહારની સફળતા પછી આ પ્રકારની મતદારયાદી સુધારણા આખા દેશમાં કરવાનું છે. દેશમાં ગુજરાત સહિત કુલ 12 રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. દેશમાં કુલ 51 કરોડ તો ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી આ પ્રક્રિયા હેઠળ કરવામાં આવનારી છે.
ચૂંટણીપંચે જ જણાવ્યું છે કે અમે કરીએ છીએ તેમા નવું કશું નથી. અગાઉ આઠ વખત આ પ્રકારની પ્રક્રિયા થઈ ચૂકી છે. છેલ્લે તે 2002-03માં થઈ હતી. મતદારયાદી સુધારણા તે સ્વતંત્રતા પછી નવમી વખત શરૂ કરવામાં આવેલી ઝુંબેશ છે. તેમા નવા મતદારો ઉમેરાય છે, જ્યારે મૃત્યુ પામેલા, સરનામુ બદલનારા, સ્થળાંતર કરનારા અને બે-બે સરનામા ધરાવનારાઓને દૂર કરાય છે.
ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી
ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી 50 હજારથી પણ વધારે મતદાન કેન્દ્રોના અધિકારીઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવનારી છે. તેમના ઉપર હજારથી પણ વધારે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ હશે અને 33 જિલ્લા મતદાર અધિકારી આ પ્રક્રિયા પાર પાડશે.
ચકાસણીની પ્રક્રિયા
ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી માટે 27મી ઓક્ટોબરે મતદારયાદીના આધારે તપાસ ફોર્મ છપાશે. તેના પછી BLO ઘેર-ઘેર જઈને તેનું વિતરણ કરશે. તેમા તમારી જન્મતારીખ હશે, આધાર નંબર હશે, મોબાઇલ નંબર, માતાપિતા અને જીવનસાથીના નામ તથા EPIC નંબર ભરવાની જરૂર પડશે.
જરૂરી દસ્તાવેજો
પ્રારંભમાં તો એક જ ફોર્મ ભરવાનું રહેશે. તમારા દસ્તાવેજો અગાઉના દસ્તાવેજો સાથે મેળ ખાતા હોય તો બીજા કશાની જરૂર પડશે નહીં. હવે જો તમારા નામમાં છેલ્લી મતદારયાદીમાંથી કશું ખૂટતું હોય તો મતદાન અધિકારીને સૂચના મોકલાશે. તેના પગલે તમારો પાસપોર્ટ, આધાર, દસમા ધોરણની માર્કશીટ, પેન્શનર ઓળખ કાર્ડ, સરકારી વિભાગે જારી કરેલું ઓળખપત્ર, જન્મનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણનું સર્ટિફિકેટ, વન અધિકાર સર્ટિફિકેટ, જાતિગત પ્રમાણપત્ર, નેશનલ રજિસ્ટર સિટિઝનમાં નામ, કુટુંબ રજિસ્ટરમાં નામ, જમીન કે મકાન ફાળવણીપત્ર, આધાર કાર્ડ જેવા પ્રમાણપત્રમાંથી ગમે તે એક આપવાનું રહેશે.
ચૂંટણી અધિકારી કેટલી વખત આવશે
ગુજરાતમાં મંતદારયાદી સુધારણા કાર્યક્રમમાં BLO દરેક ઘરની ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે. આનાથી વધારે વખત તો તે મુલાકાત જ નહીં લે.
નામ કાઢી નંખાય તો શું
જો નવમી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદારયાદીમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવે તો તે એક મહિના સુધી અપીલ કરી શકો છો. જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કે ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકો છો. તેના સંદર્ભના પુરાવા પણ આપી શકો છો.
હેલ્પલાઇન
તમારે આના માટે 1950 પર સંપર્ક સાધવો રહ્યો. આ ઉપરાંત તમારા વિસ્તારના BLO કે જિલ્લા ચૂંટણી કચેરીનો સંપર્ક સાધવો પડશે.
કવાયતનો હેતુ
કોઈને પણ થાય કે ચૂંટણીપંચ આટલી મોટી કવાયત હાથ ધરી રહ્યું છે, તેની પાછળનો હેતુ શું છે. તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે 1951થી 2004 સુધીમાં આઠ SIR આવી ચૂક્યા છે. છેલ્લા 21 વર્ષથી મતદાર યાદીમાં કોઈ સુધારો થયો નથી. આ દરમિયાન કેટલાય લોકોના મૃત્યુ થયા હોવા છતાં તેમના નામ છે, કેટલાય લોકોએ સ્થળાંતર કર્યુ હોય તો પણ તેમના નામ છે, ઘણાના નામ બે-બે સ્થળે ચાલે છે. આ ઉપરાંત આ યાદીમાં કેટલાય નામ વિદેશી નાગરિકોના છે. તેમા પણ કેટલાક સ્થળોએ તો વિદેશી નાગરિકોના નામ પણ તેમા સામેલ હતા. આ નામ પણ દૂર કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું હતું કે દરેક લાયક મતદાર મતદાનથી વંચિત ન રહે તે ધ્યાનમાં રખાશે અને કોઈપણ ગેરલાયક કે અયોગ્ય મતદાર મત ન આપી જાય તે પણ ધ્યાનમાં રખાશે. ગુજરાતમાં આ સુધારણાની 2027માં યોજનારી વિધાનસભા ચૂંટણી પર પણ પડનારી અસર જોવી મહત્વની હશે. તેના પહેલાં જ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ ફેરફાર કયા પ્રકારની અસર લઈને આવે છે તે જોવાનું રહેશે. આમાં સૌથી મોટી શાંતિ એ છે કે પોતાના રજિસ્ટર સ્થળે નહીં અને બીજે રહેતાં લોકો તેમા ઓનલાઇન ફોર્મ પણ ભરી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો છે કે બિહારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જાણે લોકો તેની રાહ જોતા હતા. તેથી જ હવે આ પગલું આખા દેશમાં ભરવામાં આવનાર છે. ગુજરાતનો પણ તેમાં સમાવેશ થશે. તેના આધારે રાજ્યમાં રહેતા ગેરકાયદે વસાહતીઓને કમસેકમ મતદાન કરી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આ પ્રક્રિયામાં આવા ગેરકાયદે વસાહતીઓની પણ યાદીમાંથી ઉડાવી દેવામાં આવશે તેમ મનાય છે. તેથી આ પ્રક્રિયા સાતમી ફેબ્રુઆરીના રોજ પૂરી થશે તેના પગલે આખી મતદારયાદી સ્વચ્છ થઈ ગઈ તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નહીં હોય.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
