સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-ટુ ફિલ્મના પ્રીમિયર વખતે બેકાબૂ ભીડના લીધે તેની જ પ્રશંસક મહિલાનું મોત થતાં તેનો વિવાદ ચગ્યો છે. હવે આને લઈને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અલ્લુ અર્જુનની એક પુષ્પા-ટુ થિયેટરમાં ચાલે છે એટલે કે રીલમાં ચાલે છે, જ્યારે બીજી ‘પુષ્પા’ થિયેટરની બહાર રીયલ લાઇફમાં શરૂ થઈ ગઈ છે.

બંનેમાં મેઇન કેરેક્ટર અલ્લુ અર્જુન જ છે, પરંતુ બાકીના બધા કેરેક્ટર બદલાઈ ગયા છે. થિયેટરની બહાર ચાલતી પુષ્પામાં અલ્લુ અર્જુન ભલે મેઇન કેરેક્ટર હોય, પરંતુ ‘પુષ્પા’ કોણ અને ‘ફાયર’ કોણ હજી સુધી તે નક્કી થયું નથી. થિયેટરની અંદર ચાલતી પુષ્પામાં ભરપૂર મસાલો છે તો થિયેટરની બહાર ચાલતી પુષ્પા પણ અંદરની પુષ્પાથી કંઈ કમ નથી. આમ તેલંગણાની પ્રજાની સાથે દેશના લોકો પણ રીલ અને રીયલ લાઇફ ‘પુષ્પા’નો આનંદ માણી રહ્યા છે.

થિયેટરમાં ચાલતી પુષ્પાના સ્ક્રીનિંગના લીધે એક પ્રશંસક મહિલાનું મોત થયું તે બાબતે તેલંગણામાં રીતસરની રાજકીય ગરમી પકડવા લાગી છે. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે તેલંગણાના સીએમ રેવંથા રેડ્ડી આ મામલમાં કૂદી પડ્યા છે. તેમણે પોલીસની કામગીરીનો બચાવ કરીને સમગ્ર પ્રકરણ માટે અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે અલ્લુ અર્જુનને સંવેદનહીન ગણાવ્યો હતો. તેની સાથે જણાવ્યું હતું કે અલ્લુ અર્જુને પોલીસની ચેતવણીની સદંતર અવગણના કરી હતી, જો તેણે પોલીસની ચેતવણી માની હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.
સામાન્ય રીતે રાજ્યમાં ગમે તેટલી મોટી ઘટના થાય ત્યારે પણ મોઢું બંધ રાખતા સીએમ રેવંતા રેડ્ડી અલ્લુના મામલે કૂદી પડ્યા તેના કારણે આ એક અકસ્માતની ઘટનાએ આખો રાજકીય રંગ લઈ લીધો છે. તેલંગણામાં બધા જાણે છે કે અલ્લુ અર્જુન કોંગ્રેસના જાણીતા આગેવાનનો જમાઈ છે. હવે કોંગ્રેસના આ આગેવાનની સાથે રેવંથા રેડ્ડીના સંબંધો સારા નથી, તેના પરિણામે જ્યાં પણ તક મળે ત્યારે તેઓ એકબીજા પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. તેથી રેવંથા રેડ્ડી પાસે અલ્લુ અર્જુન જેવા સુપરસ્ટારના સ્વરૂપમાં કોંગ્રેસના તે આગેવાનની નબળી કડી આવી ગઈ છે. તેથી હવે તેઓ અલ્લુ અર્જુનના બહાને તેને લક્ષ્યાંક બનાવ્યા કરે છે.
આપણે ત્યાં પોલીસ કોઈ ચમરબંધી સામે પગલાં લે ત્યારે પોલીસને પણ પીઠ પાછળ કોઈ ચમરબંધીનું સમર્થન હોય ત્યારે જ પગલાં લઈ શકે છે. આવું જ અલ્લુ અર્જુનના કેસનું છે. પોલીસને રેવંથા રેડ્ડી સરકારનું સમર્થન છે. અલ્લુ અર્જુન પાછળ તેલંગણા સરકાર એવી પડી ગઈ છે કે તેના સસરા ચંદ્રશેખર રેડ્ડીએ મેદાનમાં ઉતરવું પડ્યુ છે અને તેમણે આ મુદ્દે કોંગ્રેસની પ્રદેશપ્રમુખ દીપદાસા મુન્શાને હૈદરાબાદમાં ગાંધીભવન ખાતે મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે દીપદાસા તેમને મળી જ નહીં.

અલ્લુ અર્જુનની લોકપ્રિયતા હવે ફક્ત તેલંગણા કે સાઉથ પૂરતી જ મર્યાદિત રહી નથી. પુષ્પા-1ના પગલે-પગલે તેની લોકપ્રિયતા રાજ્યોની સરહદો વટાવીને આખા દેશમાં પહોંચી ગઈ છે. તેમા પણ પુષ્પા-ટુને પણ જબરદસ્ત પ્રતિસાદ મળતા અલ્લુ અર્જુન હવે નેશનલ સ્ટાર બની ગયો છે. સાઉથમાં તે રિવાજ છે કે કોઈપણ કલાકારનું કદ વધે એટલે પછી તે રાજકારણમાં ઝંપલાવે છે અને તેની લોકપ્રિયતા રાજકારણમાં કેશ કરે છે. એનટીઆરથી લઈને જયલલિતા, રજનીકાંત, કમલાહસન અને છેલ્લે પવન કલ્યાણ પણ આ યાદીમાં છેલ્લે જોડાયેલું નામ છે.

અલ્લુ અર્જુનની અપાર લોકપ્રિયતાથી ભય લાગ્યો તો તે સીએમ રેવંથા રેડ્ડીને લાગ્યો છે. તેમને અલ્લુ અર્જુનના સ્વરૂપમાં ભાવિ હરીફ દેખાઈ રહ્યો છે. દુશ્મનને ઉગતો જ ડામવો તે ન્યાયે તેમણે આખા મામલાને રાજકીય રંગ આપ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે ઉઠાવેલા મુદ્દા બધી જ રીતે યોગ્ય છે, કોઈને પણ કાયદો ભંગ કરવાની છૂટ નથી, પછી તે ભલેને ગમે તેવો સુપરસ્ટાર કેમ ન હોય. કોઈ સુપરસ્ટાર હોય તો શું થયું, તે પોલીસની ચેતવણીઓને ઘોળીને કેવી રીતે પી જઈ શકે, શું તેની કાયદા પ્રત્યે અને તેના પ્રશંસકો પ્રત્યે કોઈ જવાબદારી નથી. પણ અહીં મૂળ સવાલ એ છે કે તેઓ આ બધા જ કાયદાનો અમલ અલ્લુ અર્જુન પર જ કેમ કરાવવા માંગે છે. 
શું રેવંથા રેડ્ડી અલ્લુ અર્જુનની રાજ્યની સરહદો વટાવીને મળેલી લોકપ્રિયતા પર લગામ નાખવા માંગે છે. તેઓ અલ્લુ અર્જુનને ‘ઝુકેગા નહીં સાલા’થી ‘સાલા જરૂર ઝુકેગા’ કરવા માંગે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે આ બધા નિયમો બીજી કોઈ સેલિબ્રિટીને લાગુ પાડ્યા નથી. હવે તે અલ્લુ અર્જુન સામે આ રીતે કેસ કરીને કયા પ્રકારના રાજકીય રોટલા શેકવા માંગે છે, તેની પાછળ રેવંથા રેડ્ડીની કોઈ ચૂંટણીલક્ષી ગણતરી છે. રેવંથા રેડ્ડી અલ્લુ અર્જુનના ખભે બંદૂક મૂકીને ચંદ્રશેખર રેડ્ડીને કદ પ્રમાણે વેતરી નાખવાની પેરવીમાં છે.

હરીફને ઉગતા જ પહેલા જ ડામી દેવો તે ન્યાયે રેવંથા રેડ્ડી અલ્લુ અર્જુન પાછળ બરોબર લાગી ગયા છે. તેથી મહિલાનું મોત તો બહાનું છે, પણ મહિલાના મોતના બહાને તેમનું મુખ્ય કામ અલ્લુ અર્જુન પર લગામ કસવાનું છે અને તેની પોઝિશનમાં પંચર પાડતા જવાનું છે, આમ થિયેટરમાં ચાલતી પુષ્પા તો કદાચ મહિના પછી ઉતરી જશે, પરંતુ થિયેટર બહાર ચાલતી ‘પુષ્પા-ટુ’માં હજી પણ જબરદસ્ત ‘ફાયર’ આગામી સમયમાં જોવા મળી શકે છે.
