ભારતમાં 2016માં રિલાયન્સે 4G લોન્ચ કર્યુ હતુ. તે સમયે રિલાયન્સે લોકોને પહેલાં તો એકથી દોઢ વર્ષ સુધી લોકોને 4જી મફતમાં આપ્યું હતું. આના કારણે લોકોએ મોટાપાયા પર 4જી ફોન ખરીદ્યા હતા અને જબરદસ્ત ડેટા યુઝ કર્યો હતો. રિલાયન્સે આ એકથી દોઢ વર્ષ સુધી મફતમાં આપેલી 4જી સર્વિસની જ કમાલ હતી કે ભારત એક સમયે ડેટા યુસેજમાં છેક 40માં નંબરે હતુ, તેના પગલે ભારત આજે ડેટા યુસેજમાં મહિને પ્રતિ યુઝર 32 જીબી ડેટા સાથે વિશ્વમાં પ્રથમ નંબરે છે અને 5જીના કારણે ભારતમાં 2030 સુધીમાં માસિક ડેટા યુઝર 62 જીબી સુધી પહોંચી જાય તો આશ્ચર્ય નહીં થાય. તેમા પણ હાલમાં 5જી યુઝર્સમાં ડેટા માસિક ડેટા વપરાશ તો 40 જીબીએ પહોંચી જ ગયો છે.
2030 સુધીમાં ભારતમાં 5જી યુઝર્સનો આંકડો 90 કરોડને વટાવી જાય તેમ માનવામાં આવે છે. જ્યારે મોબાઇલ યુઝર્સનો આંકડો 120 કરોડ થઈ જાય તેમ મનાય છે. બસ ભારતીયોના વધતા જતા આ ડેટા યુસેજને જોઈને જ વિશ્વની અગ્રણી AI કંપનીઓ ભારત પર મહેરબાન થઈ છે. તેમની નજર ભારતીયોના ડેટા યુસેજ પર અને ભારતમાં ઝડપથી વૃદ્ધિ પામતા 5જીના માર્કેટ પર છે. તેના કારણે તેઓ ભારત પર દાવ લગાવવા તૈયાર છે. તેના કારણે ગૂગલ, ફેસબૂક, એમેઝોન જેવી કંપનીઓએ ભારતમાં મફત AI સબસ્ક્રિપ્શન્સ આપવા મોબાઇલ ફોન ઓપરેટરો સાથે કરાર કર્યા છે.
વિશ્વમાં સૌથી વધુ ડેટાટ્રાફિક ભારતમાં છે અને તેનું કારણ છે ભારતમાં વિશ્વમાં સૌથી સસ્તો ડેટા છે. દેશમાં ઓનલાઇન પર રહેતી અડધી વસ્તી 25થી નીચેની વયની છે. તેઓ બધું જ ઓનલાઇન પ્રીફર કરે છે. આ પેઢી સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ભારત વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. આ દેશમાં યુવા વસ્તી ટેકનોસેવી છે. તેથી AI કંપનીઓને આકડે મોટુ મધ દેખાયું છે. તેથી તે હાલમાં જે મફતમાં સબસ્ક્રિપ્શન છે, તેને તેઓ ખર્ચ નહીં પણ રોકાણ ગણે છે. આ AI કંપનીઓ ભારતના કરોડો યુવાન યુઝર્સને તેમની સાથે જોડવા સક્રિય બની ગઈ છે. તેઓ આ રીતે કરોડો લોકોને તેમની સાથે જોડીને તેમના AI મોડેલને વધુને વધુ સારા બનાવવા આતુર છે. આ માટે આગામી દિવસોમાં ભારતમાં ડેટા સેન્ટરો પણ સ્થાપવામાં આવનાર છે.
કંપનીઓનું માનવું છે કે જેટલા વધુને વધુ ભારતીયો તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરશે, તેટલા વધુ પ્રમાણમાં તેમને આંકડા મળશે અને તેઓ તેમના AI મોડેલ્સને વધુ સારા બનાવી શકશે. તેના કારણે તેમના AI મોડેલ્સ પણ વધુ સારી રીતે પણ કામ કરવા સક્ષમ બનશે.
ટેકનોલોજી નિષ્ણાતોનો દાવો છે કે હાલમાં AI કંપનીઓ દ્વારા કરવામાં આવતી ઓફરને તેમની ઉદારતા સમજવાની જરા પણ ભૂલ કરવી જોઈએ નહીં. આ કંપનીઓ ભારતના ડિજિટલ ભવિષ્ય માટે ઘણું વિચારીને રોકાણ કરી રહી છે. કંપનીઓ ભારતીયોને જનરેટિવ AI ની લત પાડવા માંગે છે. તેઓ ભારતીયોને તેના આદી બનાવવા માંગે છે, જેમ રિલાયન્સે ભારતીયોને 4જી વડે ઇન્ટરનેટની લત લગાડી તે જ રીતે હવે AI કંપનીઓ પણ ભારતીયોને નવી લત તરફ લઈ જવા માંગે છે. તેના પછી તેઓ રૂપિયા વસૂલી શકે છે. અગાઉ ઘણી કંપનીઓ આ વ્યૂહરચનાનો સફળતાપૂર્વક અમલ કરી ચૂકી છે.
ભારત વિશાળ બજાર તો છે જ, તેની સાથે કંપનીઓને યુઝરના ડેટાનો વિવિધ રીતે ઉપયોગ કરવાની પણ છૂટ મળે છે, જે બીજા બજારોમાં મળતી નથી. ચીન જેવા બજારોમાં વિદેશી કંપનીઓને આ પ્રકારની છૂટ છે જ નહીં. તેની સામે ભારત એકદમ ખુલ્લુ અને સ્પર્ધાત્મક બજાર પૂરું પાડે છે. આના કારણ ટેકનોલોજી કંપનીઓને ભારતમાં વ્યાપક તક દેખાઈ રહી છે. તેથી જ તે ભારતીયોને AI ની લત પાડવામાં લાગેલી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીયો મફતમાં વસ્તુ લેવા માટે હંમેશા પોતાનો ડેટા આપવા માટે તૈયાર હોય છે. આ વસ્તુ તેઓ આગળ પણ ચાલુ રાખશે. AI કંપનીઓ માટે આ ચોક્કસપણે ફાયદાનો સોદો છે, પરંતુ ભારતીય યુઝર્સના દ્રષ્ટિકોણથી જોઈએ તો અહીં ડેટાની પ્રાઇવસીનો સવાલ ઉદભવે છે. કેટલાય દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટેના આકરા કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. પણ ભારતમાં AI કંપનીઓને નિયમનતંત્રને આધીન લાવવા માટે કોઈ કાયદો નથી. તેથી અહીં તેઓને તો હાલમાં મોકળું બજાર મળી ગયું છે. ભવિષ્યમાં કાયદો આવે તો આશ્ચર્ય નહીં થાય, પરંતુ હાલમાં તો તેમને આખુ બજાર ધરી દેવાયું છે તેમ કહીએ તો પણ ચાલે. જો કે ભારતમાં ડિજિટલ, મીડિયા અને પ્રાઇવસીને લઈને વ્યાપક ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ (ડીપીડીપી) અમલમાં મૂકવામાં આવ્યો છે. તેના કારણે પર્સનલ ડેટા પ્રોટેકશનને મજબૂતી મળી શકે છે. આ બધું જોતાં રિલાયન્સ 2016માં ઇન્ટરનેટની ક્રાંતિ લાવ્યું હતું તે જ રીતે દાયકા પછી ભારતમાં 2026માં AI ક્રાંતિ આવે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
