MANTAVYA Vishesh/ વાઘોડિયા બોડીબામણીનું ખેતર સમજનારાઓએ ધર્મેન્દ્રસિંહનો સામનો કરવો પડશે

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને માથાભારે વ્યક્તિ તરીકેનું ઉપનામ ધરાવતા મધુ શ્રીવાસ્તવને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષમાંથી ટિકિટ મળી ન હતી. તેથી તે અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને હારી પણ ગયા હતા. હવે તેમણે અલગ જ રાજકીય ઇનિંગ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આના માટે તેઓ રાજકીય પક્ષની સ્થાપના કરવાના છે.

Mantavya Vishesh

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને માથાભારે વ્યક્તિ તરીકેનું ઉપનામ ધરાવતા મધુ શ્રીવાસ્તવને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષમાંથી ટિકિટ મળી ન હતી. તેથી તે અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને હારી પણ ગયા હતા. હવે તેમણે અલગ જ રાજકીય ઇનિંગ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આના માટે તેઓ રાજકીય પક્ષની સ્થાપના કરવાના છે. આ માટેની ઔપચારિકતાઓ પૂરી કરવા તેમણે કલેક્ટર કચેરીની મુલાકાત પણ લીધી હતી અને નવો રાજકીય પક્ષ રચવાની જાહેરાત પણ કરી હતી.

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વર્તમાન શાસન ભ્રષ્ટ બની ગયું છે,  ભ્રષ્ટાચારના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. મારે ભ્રષ્ટાચાર સામે અભિયાન જગાવવાનું છે અને આ અભિયાનમાં હું બને તેટલા યુવાનોને જોતરીશ. આમ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી તો હાલમાં સક્રિય છે અને આ સિવાય એનસીપી પણ છે. તેના પછી વધુ એક રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવી રહ્યો છે, જેનો હેતુ ભ્રષ્ટાચાર હટાવવાનો છે.

આની સામે વડોદરા જિલ્લાના વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વાઘોડિયા કંઈ બોડીબામણીનું ખેતર નથી કે ગમે તે આવે અને ચરી જાય. ઉલ્લેખનીય છે કે અગાઉ મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના જ ધારાસભ્ય હતા. તેમણે મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વગર તેમને ટાંકીને જ વાત કરી હતી. તેમણે વાઘોડિયામાં દિવાળી પછી ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં કાર્યકરોને ચેતવ્યા હતા અને જણાવ્યું હતું કે વાઘોડિયાની ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરનારાઓને ખુલ્લા પાડો. સોશિયલ મીડિયા પર આપણી સામે ભ્રામક પ્રચાર કરનારાઓને ખુલ્લા પાડો.

તેમણે ઉમેર્યુ હતું કે વાઘોડિયામાં વિરોધીઓ પ્રહાર કરશે તો હું પણ ઇંટનો જવાબ પથ્થરથી આપીશ. મારા પર પ્રહાર કરનારા અને અમારા પક્ષ પર પ્રહાર કરનારા વિરોધીઓએ પછી અમારા વળતા પ્રહાર માટે પણ તૈયાર રહેવું પડશે. પક્ષમાં ફક્ત હોદ્દા માટે આવતાં લોકોનું કોઈ કામ નથી, પક્ષમાં ટિકિટ ન મળે એટલે પક્ષ છોડી જનારાઓનું પણ કંઈ કામ નથી.

પક્ષનો કાર્યક્રમ તો સ્નેહમિલનનો હતો, પરંતુ તેમા વાઘોડિયાના ધારાસભ્યનો નવતર અને આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીમાં ડિપોઝિટ પણ જાળવી ન શકનારા લોકો હવે વાઘોડિયાની જનતાની સેવા કરવા માટે અચાનક દોડ્યા આવવા તૈયાર થઈ ગયા છે. હવે તેમને શું કંઈ વાઘોડિયાની જનતા પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે. તેઓની ખરેખર સેવા કરવાની દાનત હોત તો ચૂંટણી પૂરી થયા પછી પણ સેવા કરવાની જરૂર હતી. તે સમયે મેદાન છોડીને કેમ તેઓ ભાગી ગયા હતા.

આમ મેદાન છોડીને ભાગી જનારા લોકોને અચાનક જ સેવાનો ચસ્કો ક્યાંથી ઉપડ્યો. ચૂંટણી નજીક આવતા આ બધા લોકો ભાદરવાના ભીંડાની જેમ ફૂટી નીકળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે, તેના કારણે હવે તેમને સેવાનો આ ચસકો ઉપડ્યો છે,પણ પક્ષના કાર્યકરોએ આ પ્રકારે ગેરમાર્ગે દોનારા તત્વોથી ચેતતા રહેવાનું છે અને લોકોને પણ ભ્રામક પ્રચારથી બચાવવાના છે. વાઘોડિયાની ભોળી પ્રજાને આવા અનિષ્ઠ તત્વોથી બચાવવાની જવાબદારી હવે મારા અને તમારા શિરે છે.

આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવવાની છે, ત્યારે પ્રજાને ભરમાવનારા તત્વોને કાર્યકરો કોઈપણ રીતે મોકળું મેદાન ન આપે તેવી તેમણે હાકલ કરી હતી. નઠારા તત્વો વાઘોડિયાની પ્રજાને ન કનડે તે જોવાની જવાબદારી મારા સહિત આખા સંગઠનના શિરે છે. વાઘોડિયા કોઈની જાગીર નથી તે ગમે તેવા લોકો આવીને તેમની ધોરાજી હાંકવા માંડે, વાઘોડિયાની માલિક વાઘોડિયાની પ્રજા છે અને વાઘોડિયામાં ચાલશે તો વાઘોડિયાની પ્રજાની જ મરજી ચાલશે.

તેમણે કાર્યકરોને હાકલ કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાઘોડિયામાં થયેલા વિકાસનો કામોનો ચિઠ્ઠો પ્રજાના દ્વાર-દ્વાર સુધી પહોંચાડો. બીજા કોઈ આડીઅવળી વાત કરે તે પહેલાં લોકોને જ એટલા માહિતગાર કરો કે બીજાની વાત તેમના પર અસર ન કરે. લોકોને માહિતીથી સજ્જ બનાવો, પછી લોકો જ આવા નઠારા તત્વોને જવાબ આપશે.

આમ વાઘોડિયામાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના જંગનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મધુશ્રીવાસ્તવ વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એક સમયે હતો જ્યારે મધુ શ્રીવાસ્તવ અને વાઘોડિયા એકબીજાનો પર્યાય ગણાતા હતા.

ભાજપમાં છેવટે કોઈપણ પ્રકારનું રાજકીય ભવિષ્ય ન જોતાં મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જ નવા રાજકીય પક્ષની સ્થાપનાની વાત કરી છે. તે પોતે પણ ઇતિહાસ જાણે છે કે ગુજરાતમાં આ પ્રકારના પક્ષોનું રાજકીય અસ્તિત્વ ખાસ રહ્યું નથી. ચીમનભાઈ પટેલથી માંડીને શંકરસિંહ વાઘેલા જેવાએ સ્થાપેલા સ્થાનિક રાજકીય પક્ષ છેવટે યોગ્ય પ્રજાકીય જોડાણ અને કાર્યક્રમો તથા દિશાસંચારના અભાવે સાવ કાગળ પર જ રહ્યા છે. આમ છતાં પણ મધુ શ્રીવાસ્તવે રાજકીય પક્ષ ઊભો કરવાનું જોખમ લીધું છે.

તેઓ પોતે પણ ચૂંટણી હારી જ ગયા હતા, આમ છતાં તેમને પ્રજાની સત્તાવિરોધી લહેર પર કદાચ વધારે વિશ્વાસ લાગે છે. હવે જો તેઓ આના પર જ આધાર રાખતા હોય તો તેમણે બિહારનું પરિણામ પણ જોઈ લેવું રહ્યુ. દર વખતે રાજકીય ગણતરીઓ સાચી જ પડે તેવું નથી. 2022માં તેમને ટિકિટ મળશે તેવી ગણતરી પણ તેમની ખોટી પડી, તેના પછી અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીતવાની ગણતરી પણ ખોટી પડી. આ પરાજયે તે પુરવાર કર્યુ કે ભાજપના સંગઠન સિવાય તે પોતે એકલા હાથે ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવતા નથી. હવે તેમનો રાજકીય પક્ષ ગુજરાતના રાજકારણમાં કેવું કાઠું કાઢે છે તેના પર આખા ગુજરાતની તો નહીં પણ કમસેકમ વાઘોડિયાની પ્રજાની તો નજર જરૂર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા