- ભાજપની પ્રદેશ બેઠક અને સંઘની સમન્વય બેઠક મળવા જઈ રહી છે
- રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મુદ્દો અગ્રતા પર
@સોનલ અનડકટ, અમદાવાદ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદમાં આવી ચુક્યા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે. સંઘ અને ભાજપ એમ બન્નેના સુપ્રીમો ગુજરાતમાં છે ત્યારે આ બન્ને ની ગુજરાતમાં હાજરી સૂચક માનવામાં આવી રહી છે.
સંઘના વડા મોહન ભાગવત રવિવારે અમદાવાદમાં આગમન કરી ચુક્યા છે અને 5થી 7 જાન્યુઆરી દરમિયાન મળનારી સંઘની સમન્વય બેઠક તેમની અધ્યક્ષતામાં મળશે. સામાન્ય રીતે સંઘની બેઠકમાં થતી ચર્ચા બહાર આવતી નથી પણ સૌ જાણે છે તેમ રામ મંદિર નિર્માણમાં સંઘની મુખ્ય ભૂમિકા છે અને આ માટે રામ મંદિર નિધી સમર્પણનું ખાસ અભિયાન પણ ચાલી રહ્યું છે.

15 જાન્યુઆરી,2021ના મકરસંક્રાંતિ થી 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સુધી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ 4 લાખ ગામડાઓમાં ફરી રામ મંદિર નિર્માણ માટે લોકફાળો ઉઘરાવશે અને ફાળો લઈને સામે પહોંચ પણ આપશે. આ અભિયાન ના અમલ અને સંકલન મુદ્દે સમન્વય બેઠકમાં ખાસ ચર્ચા કરાશે. સાથે જ વર્તમાન પ્રશ્નો જેવાકે ખેડૂત આંદોલન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદાઓ પર પણ સમન્વય બેઠકમાં ચર્ચા થશે.
આ બેઠકમાં સંઘની ભગિની સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, કિસાન મોરચો સહિતની 39 સંસ્થાઓના પ્રમુખ અને મહામંત્રી હાજર રહેશે. સમન્વય બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મહામંત્રી બી. એલ. સંતોષ પણ ખાસ હાજર રહેશે. ઉવારસદ ખાતે આ બેઠક ત્રણ દિવસ માટે મળશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહામંત્રી આજે બપોરે અમદાવાદ આવીને સીધા જ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કક્ષા ની ભાજપની બેઠક માં ભાગ લેવા જશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ખાસ હાજર રહેશે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ફેબ્રુઆરી માં જાહેર થઈ જાય તેવી સંભાવના વચ્ચે ભાજપ અને સંઘની આ બન્ને બેઠકો સૂચક મનાય રહી છે.
પ્રદેશ ભાજપની બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ની પસંદગી થી માંડીને પ્રદેશ ભાજપ સંગઠન ના નવા માળખા સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે. સાથેજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુ દલસાનિયા ને બંગાળમાં લઈ જવા મુદ્દે પણ બન્ને બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જો ભીખુભાઇ બંગાળ જાય તો પ્રદેશ માં સંગઠન મંત્રી કોણ? તે મુદ્દે અનેક અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. સંઘની બેઠકમાં દરેક વખત ની જેમ ભાજપમાં જુના વફાદારોની કદર નહિ થતી હોવાની ફરીયાદ નો સુર પણ ઉઠી શકે છે. ચર્ચાના મુદ્દા તો અનેક છે પણ હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રામ મંદિર નિર્માણની દિશામાં સંઘ અને ભાજપ વધુ ભાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
