પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના સરહદી જિલ્લાઓમાં સીએમ ભુપેન્દ્ર પટેલની સૂચનાથી વોર રૂમ એટલે કે કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે. તેમા પણ હાઇ એલર્ટમાં રહેલા ત્રણ જિલ્લા કચ્છ, બનાસકાંઠા અને પાટણને ટોપ પ્રાયોરિટી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત, દ્વારકા અને જામનગરમાં પણ વોર રૂમની રચના કરવામાં આવી છે. આ બંને શહેરોમાં બધી હોસ્પિટલોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બ્લડ ડોનેશન કેમ્પ હાલમાં યોજીને અત્યારથી જ લોહી ભેગું કરવામાં આવી રહ્યું છે. સુરત જેવા શહેરમાં લાઇટ જતી રહે તો પણ જનરેટર ચાલુ થઈ જાય તેવી વ્યવસ્થા અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લાઓમાં 24 કલાક કાર્યાન્વિત રહેનારા કંટ્રોલ રૂમની રચના કરવાની સૂચના પણ સુરકમાં કલેક્ટર કચેરી ખાતે પણ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર રૂમ ખાતેથી સીધો કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કરી શકાશે. સામાન્ય રીતે સૂચનાઓના આદાનપ્રદાનના લેયરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સેતુ હોય છે. પણ આ રીતે યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે પ્રક્રિયા ઝડપી રાખવા માટે રાજ્યના નીચલા સ્તરેથી પણ મળતી કોઈ મહત્વની સૂચના સીધી કેન્દ્રને પહોંચાડવી હોય તો તેના માટે વચ્ચે રાજ્ય સરકારનું એક લેયર ન આવે અને કેન્દ્રને મળે તથા તે તેના પર ત્વરિત કાર્યવાહી કરી શકે તથા માહિતીનું ડુપ્લિકેશન ટળે તે સંજોગોમાં યુદ્ધની સ્થિતિમાં વોરરૂમની રચના કરવામાં આવે છે.
આ વોર રૂમ સાથે ભૂમિદળ, નૌકાદળ અને હવાઇદળ તથા કોસ્ટગાર્ડ, બીએસએફ સીધો સંપર્ક સાધી શકે છે અને સૂચનાઓનું આદાનપ્રદાન કરી શકે છે. શહેરના પોલીસ કમિશ્નર પણ તેની સાથે સીધા જોડાયેલા હોય છે. તેની સાથે તે આ વોર રૂમની માહિતીને લઈને રાજ્ય સરકારને સતત કેન્દ્રએ આપેલી સૂચનાઓને લઈને અપડેટ પણ કરતા રહે છે, જેથી રાજ્ય સરકારને પણ જરૂરી લાગે તો તે સૂચનાનું પાલન બીજે પણ કરાવી શકાય.
હાલમાં સુરક્ષાના ભાગરૂપે મુંદ્રા, જામનગર, હીરાસર (રાજકોટ) એરપોર્ટ બંધ કરાયા છે. તેની સાથે પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવીને રાજ્યના સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. સરહદી જિલ્લા કલેક્ટરોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી હતી. તેમને પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવાની તથા સરકારની રાહ ન જોવાની સૂચના આપવામાં આવી હતી. આ કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે.
યુદ્ધની પરિસ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી છે. ડુમસ, હજીરા અને સુંવાળી દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી છે. તમામ બીચ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીચ પરના નાસ્તાના સ્ટોલધારકોને સૂચના અપાઈ છે. શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો જાણ કરવા સૂચના અપાઈ છે. મરીન અને કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ જારી છે.
દ્વારકામાં પણ સરહદી સુરક્ષા એજન્સીઓ કંટ્રોલ રૂમના સંપર્કમાં છે. માછીમારોને પરત આવવા અને શંકાસ્પદ હિલચાલ દેખાય તો જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા બધી બોટનું સઘન ચેકિંગ શરૂ થઈ ગયું છે. મરીન પોલીસ, મરીન કમાન્ડો, એસઓજી સહિતની ટીમ સતર્ક છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
