પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી છે અને આના કારણે એક સમયે યુદ્ધ જેવા વાતાવરણની સ્થિતિ છે. આ પ્રસંગે જામનગર જિલ્લાના હાલારના માજી સૈનિક મંડળના સૈનિકોએ પોતાના યુદ્ધના અનુભવોનું વર્ણન કર્યુ હતુ. જામનગરના આ ભારતીય યોદ્ધાઓ 1965 અને 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યા હતા. શૌર્યની વાત આવે ત્યારે જામનગરવાસીઓ ક્યારેય પાછા પડતા નથી. આ વાતનો જીવતો જાગતો પુરાવો હાલાર માજી સૈનિક મંડળ છે.
હાલમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે માજી સૈનિકોના અનુભવોથી જાણવા મળશે કે યુદ્ધની પરિસ્થિતિમાં કેવું વાતાવરણ હોય છે. તેમણે ખાસ વાત જણાવી હતી કે યુદ્ધના સમયગાળા દરમિયાન સરકારી સૂચનાનું પાલન કરવું જરૂરી છે. જો પાલન કરવામાં ન આવ્યું તો જીવનું જોખમ સર્જાઈ શકે છે.
હાલારના માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 1971ના યુદ્ધ વખતે હું ભારતીય લશ્કરમાં હતો. તે સમયે જામનગર પર હુમલો થાય તેવી સંભાવના હતી. આના કારણે આખા જામનગરમાં બ્લેકઆઉટ હતું. હું પણ જામનગરના લશ્કરી મથક પર જ હતો. અમારે તે સમયે દિવસે ભોજન બનાવી લેવુ પડતું હતું અને રાત્રિના સમયે એકદમ નીરવ શાંતિ રાખવી પડતી હતી. લશ્કરી મથકમાં કોઈ ચહલપહલ થવા દેવામાં આવતી ન હતી. અમે મથકની જોડે ટ્રેન્ચ એટલે કે ખાડી પણ બનાવી રાખી હતી, જેથી જરા પણ શંકા જેવું લાગે તો અમારે આ ખાડીમાં જતાં રહેવાનું હતું. આ બ્લેકઆઉટના કારણે ફાયદો એટલો થયો કે જામનગર શહેર પર પાકિસ્તાનના પ્લેન તો બોમ્બમારા આવ્યા, પરંતુ અંધારામાં ન તેમને શહેર કે લશ્કરી મથક દેખાયા એટલે સરમત ગામ નજીકની ખાડીમાં બોમ્બ નાખીને જતાં રહ્યા. તેમને એમ હતું કે અમે શહેર પર બોમ્બ નાખ્યો છે, પરંતુ બોમ્બ વાસ્તવમાં ખાડીમાં પડ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય લશ્કર જ્યારે પણ આ પ્રકારની ગૌરવવંતી સિદ્ધિઓ મેળવે છે ત્યારે અમે તેની ઉજવણી કરીએ છીએ. આ રીતે અમારું માજી સૈનિક મંડળ પણ ભેગું થાય છે અને લશ્કરને અભિનંદન પાઠવીએ છીએ. તેની સાથે અમે સામાન્ય પ્રજામાં પણ દેશપ્રેમની ભાવના સતત વહેતી રહે તે માટે અમારું મંડળ અમારા કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે.
આવા જ બીજા સૈનિક ભલુભાઈ ઉનડકટે પણ યુદ્ધના સંસ્મરણ વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ તો 1965 અને 1971 બંને યુદ્ધનો હિસ્સો રહી ચૂક્યા હતા. તે 1962માં ભારતીય હવાઈદળમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે 1965ના યુદ્ધ વખતે અમારું આસામમાં પોસ્ટિંગ હતુ. તે સમયે ભારતના હંટર વિમાનો અને પાકિસ્તાનના વિમાનો વચ્ચે જબરદસ્ત ડોગફાઇટ થઈ હતી. અમને દોઢથી બે વર્ષની આકરી લશ્કરી તાલીમ હતી અને અમે તે સમયે બરોબર સૂચનાનું પાલન કરતાં હતાં. આ યુદ્ધની સ્થિતિ દરમિયાન અમે હવાઇમથક નજીક જ ખાડી ખોદી રાખી હતી અને રાત્રિના સમયે આ ખાડીમાં જતાં રહેતા હતા. આ રીતે યુદ્ધા સમયે ચુસ્ત સરકારી સૂચનાનું પાલન કર્યુ હતુ. હવાઇદળે પાક.ના આક્રમમણનો બરોબરનો જવાબ આપ્યો હતો.
આ જ રીતે 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું હતું અને બાંગ્લાદેશનું સર્જન થયું હતું. 1971ના યુદ્ધ સમયે અમારું કાનપુરમાં પોસ્ટિંગ હતું. તે સમયે અમે ફક્ત ચાર પુરી અને બટાટાનું શાક ખાઈને દિવસો પસાર કર્યા હતા. આ સમયે લશ્કરની કાર્યવાહીમાં ભાગ લઈને અમે બાંગ્લાદેશના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયે પણ કોઈ રસોઈ બનાવવામાં આવતી ન હતી. આ સિવાય જે પણ રસોઈ બનાવવામાં આવે તે દિવસે જ બનાવી લેવી પડતી હતી. રાત્રે સંપૂર્ણ બ્લેકઆઉટ રહેતો હતો. તે સમયે લોકોને બચવા માટે જમીનમાં બંકર બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત 1999ના કારગિલ યુદ્ધમાં જામનગરના રમેશ જોગલ શહીદ થઈ ગયા હતા. ભારતના આ સપૂતોની યુદ્ધગાથાઓ આજે પણ આપણને રોમાંચિત કરે છે. સૈનિકો તો યુદ્ધમાં લડવા માટે તૈયાર જ હોય છે, પણ તેની સાથે-સાથે સામાન્ય નાગરિકોએ પણ યુદ્ધને લગતી બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. તેઓએ આ પ્રકારની પરિસ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવનારી સૂચનાઓ અને મોકડ્રિલનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી

