IAS Shalini Duhan: સનદી અધિકારી તરીકેની લગભગ દાયકાની કારકિર્દીમાં કોઈપણ કાળો ડાઘ પડવા દીધા વગર કામગીરીના આધારે ઊંચો મુકામ હાંસલ કરનારા અધિકારી હોય તો તે શાલિની દુહાન છે. હરિયાણવી અધિકારી જ્યારે ધાણીછાપ ગુજરાતી બોલીને ખખડાવે છે ત્યારે કોઈના માટે માનવું અઘરું છે કે તે ગુજરાતી નથી. પાણીપતમાં જન્મેલા આ અધિકારીનો સ્વભાવ ભલભલાને પાણી પીવડાવે તેવો છે. વહીવટી કડકાઈ અને શિસ્તપાલનના મુદ્દે શાલિની કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં માનતા નથી.

સાચી જનસેવાની ઓળખ : IAS Shalini Duhan
શાલિની દુહાન હાલમાં ગાંધીનગરમાં ડીડીઓ (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગાંધીનગરનો આટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેમા તેમની ભૂમિકા મહત્વની રહેશે તેમ માનવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગર બંનેનો ટવીન સિટી તરીકે વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેમની ભૂમિકા મહત્વની નીવડશે તેમ માનવામાં આવે છે. આ સિવાય તે ગાંધીનગરમાં કમિશ્નર ઓફ સ્કૂલ્સમાં પણ પોસ્ટિંગ મેળવી ચૂક્યા છે.

ભાઈબહેન બંને સરકારી અધિકારી
કોઈ એક જ કુટુંબમાં ભાઈબહેન બંને સરકારી અધિકારી બને તેવું ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ હરિયાણાના પાણીપત (Haryana Panipat)ના વતની આઇએએસ ઓફિસર શાલિની દુહાન (IAS Shalini Duhan)ના કિસ્સામાં કંઇક બીજુ જ લખાયુ હતુ. શાલિની દુહાન પોતે IAS અને તેમના ભાઈ આલેખ દુહાન IRS બન્યા છે.

જનસેવાના સંસ્કારમાં ઉછરેલી
એક સામાન્ય કોન્સ્ટેબલ પિતા અને હેડ માસ્ટર માતાની પુત્રી શાલિની દુહાન (IAS Shalini Duhan) જ્યારે કારકિર્દીના ત્રિભેટે હતી ત્યારે તેમની પાસે બાયોમેડિકલમાં ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ પણ હતો. તે આ વિકલ્પ અપનાવીને લખલૂટ રૂપિયામાં આળોટી શક્યા હોત, પરંતુ અહીં જ માબાપના જનસેવાના સંસ્કાર કામે આવ્યા. શાલિની દુહાને મેડિકલનો મોહ પડતો મૂકીને સનદી અધિકારી બનીને પ્રજાની સેવા કરવાનો નિર્ણય લીધો. આજે તેમને તેમના નિર્ણય બદલ ખેદ નથી પણ આનંદ છે.

કોર્પોરેટથી પરે કર્તવ્ય: IAS Shalini Duhan
પ્રજાના પ્રશ્નોને વાચા આપવી જ નહી, પરંતુ આ પ્રજાની સાથે રહીને તેમની સમસ્યાઓ સમજવી અને સતતત તેના ઉકેલની દિશામાં મથવું તે જ સાચા સનદી અધિકારીનો ધર્મ છે એમ તે માને છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટ નોકરીમાં કીર્તિ અને કલદાર તો મળી ગયા હોત, પરંતુ સનદી અધિકારી તરીકે લોકોના પ્રશ્નો ઉકેલીને જે આત્મસંતોષની લાગણી મળે છે તે ન મળી હોત. સમાજ માટે આપણા તરફથી પ્રદાન અપાયાનો અહેસાસ જેવો તેવો નથી.

અતિક્રમણ વિરોધી ઝુંબેશની પ્રણેતા
આજે સરકારે જે અતિક્રમણ હટાવો ઝુંબેશ રાજ્યના દરેક શહેરમાં આદરી છે, તેના પ્રણેતા શાલિની દુહાન (IAS Shalini Duhan) છે. તેઓએ જ્યાં પણ ફરજ બજાવી જો તેમને કામ સોંપવામાં આવ્યું તો તેમણે ત્યાંથી અતિક્રમણ ચોક્કસ હટાવ્યું છે. તે અતિક્રમણને ફક્ત લોકોના મુક્ત આવાગમન પર જ નહીં પણ સરકારી મિલકતો પરનો પણ બોજ માને છે. તેમણે અતિક્રમણ હટાવવા માટે કરેલી કાર્યવાહી એટલી જડબેસલાક છે કે આજે પણ કોઈ ચૂં કે ચા કરી શકે તેમ નથી.

કોરોના કાળની કર્તવ્યનિષ્ઠા
સનદી અધિકારી તરીકે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation in Ahmedabad)માં આરોગ્ય અને વહીવટી વિભાગમાં ડેપ્યુટી કમિશ્નર (Deputy Commissioner)ની સેવા આપી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે શહેરમાં વોર્ડ દીઠ પ્રાથમિક ઉપચાર કેન્દ્રોના અપનાવેલા અભિગમના કારણે લોકોને નાની-નાની બીમારીઓ માટે હવે સ્થાનિક સ્તરે જ મહદ અંશે વિનામૂલ્યે ઉપચાર મળી જાય છે. જનસેવા માટે તે જનસંવાદને અત્યંત જરૂરી માને છે. ફિલ્ડ વિઝિટ કરી લોકોની તકલીફોની અને વહીવટી તકલીફોની જાત તપાસ કેળવે છે. કોરોના કાળ દરમિયાન તેમનો ડોક્ટર તરીકેનો અભ્યાસ તેમને પ્રજાલક્ષી કામગીરીમાં ઘણો ઉપયોગી નીવડ્યો હતો.

આ પણ વાંચો:નવી ટેકનોલોજી-વ્યૂહરચનાઓથી પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનું અશોક ચૌધરીનું ધ્યેય
આ પણ વાંચો:લગ્ન, માતૃત્વ અને કારકિર્દી સહિતના અનેક ઘોડાઓ પર સવાર IAS ઓફિસર પુષ્પલતા યાદવ
આ પણ વાંચો:સ્થાનિકો સાથે સ્થાનિક થઈ જતાં નવા યુગના IAS અધિકારી શિવાની ગોયલ
