MANTAVYA Vishesh/ પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપનારાઓની ચિંતા ન કરોઃ હર્ષ સંઘવી

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક તડાફડીએ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના તંત્ર પર પ્રહારો કર્યા હતા અને પટ્ટા ઉતરી જશે તેવી ચીમકી આપી હતી.

Mantavya Vishesh

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક તડાફડીએ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના તંત્ર પર પ્રહારો કર્યા હતા અને પટ્ટા ઉતરી જશે તેવી ચીમકી આપી હતી. તેની સામે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર પર પ્રહારો કરનારા જિજ્ઞેશ મેવાણી પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વાહવાહી માટે બધા સ્ટંટ કરે છે. ફક્ત કે એક કે બે લોકોના કારણે આખા તંત્રને બદનામ કરે છે.

હાલમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે આ દરમિયાન થરાદમાં શિવનગર ખાતે  કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એસપી કચેરીએ પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં બેઠેલી બહેનોની સભામાં જ જણાવ્યું હતું કે થરાદમાં દારૂનો ધંધો બંધ નહીં થાય તો પટ્ટા પોલીસના ઉતરશે, મારા નહી. થરાદમાં હવે દારૂનો ધંધો થવો ન જોઈએ. મારી બહેનોનું ચાંલ્લો છીનવાય તેવું કોઈ કામ હું નહીં થવા દઉં. થરાદના શિવનગર પર મારી ચાંપતી નજર રહેશે. હવે જોઉં છું કે અહીં દારૂ કેવી રીતે લોકોને અપાય છે.

જિજ્ઞેશ મેવાણીએ દાવો કર્યો હતો કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી તડાકા મારતા કહે છે કે રાજ્યમાં દારૂ ક્યાંય વેચાતો હોય તો તેની મને જાણ કરો, હું તેની સામે કાર્યવાહી કરીશ. લો આ થરાદના શિવનગરમાં દારૂનું વેચાણ થાય છે. મારી બહેનોના ચાલ્લાં ઉજડી જાય છે, ગૃહમંત્રી શું કરી શક્યા, કશું જ નહી. પણ વડગામનો ધારાસભ્ય ડંફાસ નહી મારે. તે સીધો જ પોલીસ કચેરીઓ તેનો મોરચો જ લઈ જશે. આખા શિવનગરમાં દારૂ જ્યાં વેચાતો હશે ત્યાં પોલીસ પાસે રેડ પડાવીશું, નહીં થાય તો તેમના પટ્ટા ઉતરશે મારા નહી. પોલીસ કામગીરી નહી કરે તો જનતા રેડ કરશે. દારૂના અડ્ડાને લઈને કોઈ માહિતી પોલીસને પૂરી પાડે તો તેણે કોઈ સવાલ કરવાના નહીં. જો દારૂને બંધ કરવા સામે કોઈ આડે આવશે તો પછી તે છે અને વડગામનો ધારાસભ્ય અહીં બેઠો છે, એમ જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.

જિજ્ઞેશ મેવાણીના શાબ્દિક પ્રહારો સામે હર્ષ સંઘવી પણ કંઈ ચૂપ બેસી રહ્યા ન હતા. તેમણે પોલીસના જ સમારંભમાં જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે કેટલાય લોકો પાસે મોટી-મોટી ડિગ્રીઓ હોય છે, પણ ક્યાં કેવી રીતે વર્તવું અને શું કરવું તેના માટેના સંસ્કાર હોતા નથી. તેમને પોતાની વાત સરખી રીતે કહેતા પણ આવડતું નથી. તેઓને લોકોના પ્રશ્નો રજૂ કરતાં પણ આવડતું નથી. તેઓને બસ ફક્ત સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવી છે, તેમને કશું નક્કર કરવું નથી. બસ સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા ચીમકીઓ આપવી છે.

તેમણે પોલીસને સાવધ કરતા જણાવ્યું હતું કે આવા તત્વો તમને કહેશે કે તમારા પટ્ટા ઉતરાવી નાખીશ, તમારુ આમ કરી નાખીશુ, તેમ કરી નાખીશું, તમે તો નોકરિયાત છો, શું કરશો, ધારાસભ્યના પાવર સામે તમારી તાકાત શું છે, આવી જ બધી ધમકીઓને લઈને તમે નિશ્ચિત રહેજો, આ બધાની સામે હું તમારા માટે તમારી ઢાલ બનીને ઊભો છું. તેનો જવાબ આપતા મને આવડે છે. તમારે બસ તમારું જે પણ કામ છે તે નિષ્ઠાપૂર્વક બજાવવાનું છે. આવા લોકોની વાતોમાં આવવાનું નથી. તેમને વશ થવાનું નથી. આવા લોકો એકાદ કર્મચારીના કારણે બધા જ સરકારી વિભાગોને લક્ષ્યાંક બનાવશે. ફક્ત સોશિયલ મીડિયામાં તેમનું નામ મોટું કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરી છૂટશે.

પોલીસની કામગીરીમાં મને શ્રદ્ધા છે, નિષ્ઠાવાન લોકોએ અરાજકતાવાદી તત્વોથી અને ફક્ત સોશિયલ મીડિયામાં રીલ ફરતી કરવા માટે જ કામ કરનારા તત્વોથી ડરવાની જરૂર નથી. આવા લોકો સરકારી કચેરીઓમાં હલ્લો બોલાવે છે. આવા લોકો એકાદના કારણે આખા સરકારી વિભાગને નઠારા તંત્ર તરીકે ચીતરે છે. તમારી નોકરી જશે તેવી ધમકીઓ આપ્યા કરે છે, આવા તત્વોની સામે કશું જ કરવાની જરૂર નથી. બસ સરકારી કર્મચારીઓએ પોતાનું જે કામ છે તે નિષ્ઠાપૂર્વક કરતા રહેવાનું છે, તેના કારણે પાછીપાની કરવાની જરૂર નથી કે કામથી અળગા થવાની કે નિરાશ થવાની પણ જરૂર નથી. બસ ખંતપૂર્વક જે કરો છો તે કરવાનું છે.

આમ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીના પ્રહારોને રાજ્યના સુરક્ષા તંત્ર એટલે કે પોલીસના સન્માનનો મુદ્દો બનાવી દીધો છે. તેમણે પોલીસની નિષ્ઠાને લઈને મેવાણી સામે મક્કમતાથી તંત્રનો પક્ષ રજૂ કર્યો છે અને સંભળાવ્યું હતું કે અમુક લોકોની ભૂલથી બધાને એક જ લાકડીએ હાથે હાંકી ન શકાય. હવે એક કે બે કે અમુક પોલીસના કારણે કોઈ આખા પોલીસ તંત્ર સામે આંગળી ચીંધશે તો તેને હર્ષ સંઘવી નહીં ચલાવી લે. આવું કરનારાને હર્ષ સંઘવીનો વળતો જવાબ મળશે જ. પોલીસની કામગીરી સામે આંગળી ચીંધનારાઓનું હું ફક્ત એટલું કહીશ કે એક કે બે દિવસ પોલીસની જેમ કામ કરીને બતાવે. લોકોએ પોતે જે હોદ્દા પર ચૂંટ્યા છે તેની કામગીરી પણ બરોબર ન નીભાવનારાઓ બીજાની કામગીરી સામે આંગળી ચીંધે તે ક્યાંનો ન્યાય છે.

તેમણે જણાવ્યું હતું કે ડિગ્રીઓ ગમે તેટલી હોય, તેનાથી શું ફેર પડે છે. તે ડિગ્રીઓને દીપાવતા સંસ્કાર હોવા જોઈએ. તે ન હોય તો પછી આ ડિગ્રીઓનો પણ કોઈ ફરક પડતો નથી. સરકારી તંત્ર સાથે કામ પાર પાડવાની પણ જનનેતાની એક પદ્ધતિ હોય છે, સરકારી વિભાગોની અંદર જઈને હલ્લો બોલાવવાથી કોઈ કામ થતાં નથી. તંત્રને અપશબ્દો કહેવાથી પણ કામ થતાં નથી. જ્યાં પણ તકલીફ હોય ત્યાં રજૂઆત કરવાની હોય છે અને પછી કામ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી શકાય. આમ જિજ્ઞેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચેના સામસામા શાબ્દિક પ્રહારોએ રાજકીય વાતાવરણમાં ગરમી લાવી દીધી છે. આગામી દિવસોમાં આ વાત આગળ વધે તો આશ્ચર્ય નહી થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા

આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો