પહેલાં તો જૈનનું નામ પડે એટલે ગામનો નગરશેઠ, શ્રેષ્ઠી, દાતાર જેવા ઉપાલંભો વડે સન્માન થતું. દરેક ગામમાં પાંચથી દસ જૈન હોય તો તે આખા ગામનું નાક કહેવાતા. ગામનો દરેક માણસ તકલીફમાં આવે ત્યારે તેમના આંગણે આવીને ઊભો રહેતો અને ખાલી હાથે ન જતા, જૈનોને ગામમાં અનેરા માનસન્માન મળતા હતા. ગામનો કોઈપણ સભારંભ તેમની હાજરી વગર અધૂરો ગણાતો, દરેક સમાજ તેમના અભિપ્રાયને સન્માન આપતો હતો. તેઓના મોઢે નીકળતી વાત જાણે તે સમયે અલિખિત નિયમ બની જતી હતી. તેમના એક-એક શબ્દ પર વિશ્વાસની મહોર લાગેલી હતી. ગામમાં આવી પ્રતિષ્ઠા ધરાવતો જૈન સમાજ શહેરમાં આવીને એક સામાન્ય દુકાનદારની શ્રેણીમાં આવી ગયો છે, શહેરમાં તેનું કોઈ સન્માન નથી. તે પણ બીજા લોકોની જેમ રોજીરોટી કમાતો સામાન્ય દુકાનદાર બની ગયો છે, આ શબ્દો છે જાણીતા જૈન ઉદ્યોગપતિ મથુર સવાણીના.
તેમના શબ્દો જૈન સમાજની સ્થિતિનો પણ સ્પષ્ટ ચિતાર પૂરો પાડે છે. આજે દરેક ગામનું ઘરેણું કહેવો તો અને શ્રેષ્ઠી તથા નગરશેઠનું ઉપનામ ધરાવતો જૈન સમાજ શહેરમાં કોઈપણ પ્રકારની પ્રતિષ્ઠા વગરનું જીવન જીવે છે. શહેરમાં તેની સ્થિતિ જાણે એક સામાન્ય દુકાનદાર છે. મથુર સવાણીએ જણાવ્યું હતું કે જૈનોની આ સ્થિતિ અને દુર્દશા જોઈને મારું હૈયુ રડી ઉઠે છે. જૈનોએ જાણે ગામ શુ છોડ્યુ, તેમની ઇજ્જત પણ જાણે તેની સાથે જ છૂટી ગઈ. જૈનોએ પોતાની પુત્રીઓને પરણાવવા માટે ગામ છોડવા પડ્યા, કારણ કે ગામમાં રહેતી યુવતીના લગ્ન થતા ન હતા, કારણ કે તે ગમે તેટલી ભણેલી હોય પરંતુ ગામની હોવાના કારણે તેના લગ્ન થતા ન હતા. તેના કારણે જૈનો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં વસવાટ કરવા લાગ્યા. આ સિવાય તે રાજ્યની પણ બહાર મુંબઈ અને દિલ્હી જેવા સ્થળોએ પણ ગયા.
જો કે આ સ્થળાંતરની ઘણી ઊંચી કિંમત તેમણે ચૂકવી છે. તેઓએ ગામમાં તેમને જે માનપાન અને સન્માન મળતું હતું તે ભૂલી જવું પડ્યું છે. શહેરમાં તો કોણ કોને ઓળખે તેવી સ્થિતિ છે. આના કારણે તેમણે શહેરમાં એક નાની સરખી દુકાનના માલિક તરીકે જીવન વ્યતીત કરવું પડ્યુ છે. ગામના મેળાવડાઓ છોડવા પડ્યા છે, ગામના લોકો જોડે થતી નિયમિત બેઠકો છોડવી પડી છે. ગામના સારાનરસા પ્રસંગોમાં હાજરીનો પણ ત્યાગ કરવો પડ્યો છે. તેના પગલે તેમનું સન્માન પણ ગયું છે, મળતો આદરસત્કાર જાણે ઇતિહાસ બની ગયો છે. જૈનો જાણે શહેરોમાં આવીને કોઈ મોટા ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં તો તેમની કોઈ સુધ લેનાર નથી, તેમને કોઈ માનપાન આપનાર નથી. તે શહેરમાં રહે કે જાય તેનાથી કોઈને ફેર પડતો નથી. આમ જે શહેરમાં રહેવા માટે અને પુત્રીના કે પુત્રના લગ્ન કરવા માટે આવ્યા હતા ત્યાં તેમના અસ્તિત્વ સુદ્ધાની પણ નોંધ લેવામાં આવતી નથી. શહેર સતત દોડતું રહે છે અને ત્યાં વસવાટ કરનારાઓને દોડતું રાખે છે. તેથી જૈનોની સ્થિતિ પણ શહેરમાં દોડતાં બીજા લોકો જેવી જ થઈ ગઈ છે. તેના કારણે જૈનો અને બીજા લોકો વચ્ચે કોઈ ફરક જ રહ્યો નથી.
એક સમયે સમાજના આધારસ્તંભ મનાતા જૈન આજે સમાજનો હિસ્સો તો જવા દો, પરંતુ આજે તો જૈન સમાજમાં દેખાતા પણ ન હોય તેવી સ્થિતિ છે. કોઈ કાર્યક્રમમાં ક્યાંય જૈનો દેખાતા નથી, તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંય જૈનોનું સન્માન થતું હોય કે તેમને સન્માનપૂર્વક બોલાવતા હોય તેવો એક કાર્યક્રમ બતાવો. આજે તો એક સોસાયટીમાં રહેતા જૈનને પણ ગામમાં મળતું હતું તેવું સન્માન મળતું નથી. આજનો જૈન સમાજ સન્માન અને પ્રતિષ્ઠાવિહોણો થઈ ગયો છે. આ માટે જૈન સમાજે પોતે આત્મખોજ કરવાની જરૂર છે.
આજે ગામડામાં નગરશેઠો તરીકે જાણીતા મોટાભાગના શેઠો શહેરમાં ખાલી એક નાની દુકાનના માલિક છે. કોઈની પાસે ક્રોકરીની દુકાન છે તો કોઈની પાસે પ્લાસ્ટિકની દુકાન છે તો કોઈની પાસે ભંગારની દુકાન છે, કોઈ થોડો સમૃદ્ધ હોય તો તેની પાસે સોના-ચાંદીની દુકાન હશે, બસ એક નાની દુકાન અને દુકાનદાર જ કહેવાય છે જૈન. શહેરમાં ગયેલા આ બધા જૈનોએ તેમની સામાજિક પ્રતિષ્ઠા, માનમરતબો અને મોભો ગુમાવી દીધો છે.
આમ ક્યાં એકબાજુએ આખા ગામમાં પડતો બોલ ઝીલાય અને બીજી બાજુએ ક્યાં શહેરમાં એક ખૂણામાં આવેલા એક કોમ્પ્લેક્સમાં આવેલી એક નાની દુકાનના માલિક, બસ તે પોતાનો ધંધો રોજગાર કર્યા કરે, ક્યાંય કોઈ મોભો નહીં, સન્માન નહીં, શહેરોમાં વસતા આ જૈનોને તેમની સોસાયટીમાં પણ ચાર-પાંચ કરતાં વધુ લોકો ઓળખતા નથી.
મથુર સવાણીના નિવેદને જૈન સમાજમાં પણ મોટાપાયા પર ચકચાર જગાવી છે. જાણે કોઈએ દુઃખતી રગ દબાવી દીધી હોય તેવું જાણે લાગી રહ્યું છે. તેઓની લાગણી હતી કે ગામડામાં રહીશું તો દીકરીઓના લગ્ન જ નહીં થાય, શહેરમાં રહેવું જ પડશે. આ જ કારણે ગામડામાંથી શહેરોમાં જૈનોનું સ્થળાંતર થયું. આજે ગામડામાં ક્યાંય જૈન જોવા મળતા નથી. તેના કારણે એક સમયે જૈનોની મદદ પર જ નભતા વર્ગ માટે ઉપર આભ તથા નીચે ધરતી જેવી સ્થિતિ બની છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં થતાં વિવાદમાં જૈનો લવાદ બનીને વિવિધ સમાજોની વચ્ચે એક સેતુ અને સંવાદનુ કામ કરતા હતા. આ સ્થિતિ આજે જોવા મળતી નથી, તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ સ્થિતિ વધુ બગડી છે. વિવિધ સમાજો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.
સમાજોને જોડીને કડી બનતા જૈનોના વિદાયના પગલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ વર્ગ સંઘર્ષ તીવ્ર બન્યો હોવાનું પણ માનવામાં આવે છે. આ બંને પક્ષને માર પડ્યો છે, જૈનોએ શહેરમાં જઈ પ્રતિષ્ઠા ગુમાવી છે તો ગ્રામીણ વિસ્તારોએ તેમનો આધારસ્તંભ, સમાજોને જોડતી કડી સમાન આગેવાનો, નગરપતિઓ તથા શ્રેષ્ઠીઓ ગુમાવ્યા છે. ફટકો બનેને પડ્યો છે. હવે સમસ્યા સમજમાં આવ્યા પછી આનો ઉપાય વિચારવાની દિશામાં પણ આગેકૂચ કરવી જોઈએ.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો
