MANTAVYA Vishesh/ સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

જૂની હિન્દી ફિલ્મનું ગીત છે ‘દે દી હમે આઝાદી તુને બિના ખડગ ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’, આ હકીકત છે. પણ હવે કમાલ સાબરમતીના સંત નહીં, પણ સાબરમતીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી જતા માફિયા કરે છે.

Mantavya Vishesh

જૂની હિન્દી ફિલ્મનું ગીત છે ‘દે દી હમે આઝાદી તુને બિના ખડગ ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’, આ હકીકત છે. પણ હવે કમાલ સાબરમતીના સંત નહીં, પણ સાબરમતીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી જતા માફિયા કરે છે. સાબરમતી નદીમાંથી ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે 75 ટકા રેતી ઉસેટી ગયા છે. આના લીધે સરકારને રોયલ્ટીમાં જબરદસ્ત ફટકો પડ્યો છે. સબ ભૂમિ ગોપાલ કીના ન્યાયે રેત ખનન માફિયાઓએ સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રેતખનન કરવામાં કશું બાકી રાખ્યું નથી. આ આક્ષેપ બીજા કોઈએ નહીં ભાજપના જ ભૂતપૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે કર્યો છે.

ભૂતપૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડનો દાવો છે કે પ્રાંતિજના વાઘપુર, પીલુદ્રા, સાંપડ, સાદોલીયા પાસે આવેલી સાબરમતી નદીમાં પરમિટ વગર ખોદકામ થાય છે. નદીમાં નાવડીઓ મૂકીને ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આમ બેરોકટોક રીતે રેતી કાઢવામાં આવી રહી છે, જાણે કોઈ ધણીધોરી જ નથી અને કોઈ પૂછનાર જ નથી તેવી સ્થિતિનું સર્જન થયું છે.  આના કારણે નદીમાં રેતી જ રહી નથી, આટલું ઓછું હોય તેમ રેતી ભરેલા ડમ્પરો ખેતીને નુકસાન કરે છે.

આ ડમ્પરો ફક્ત નદીમાંથી રેતી જ ઉસેટતા નથી, તેઓ આ દરમિયાન નજીકના ખેતરોને પણ નુકસાન પહોંચાડે છે. આ ડમ્પરોએ કેટલાય ખેડૂતોની ખેતી ધૂળધાણી કરી દીધી છે. ખેડૂતોએ ડમ્પરોના લીધે છતાં ખેતરે રોવાનો વખત આવ્યો છે. આ ડમ્પરોના લીધે કેટલાય ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ છે. આ પાછી કુદરતી આફત ન હોવાથી ખેડૂતોને તેનું કોઈ વળતર પણ મળતું નથી. વીમા યોજનાવાળા વીમો લે છે, પણ આ પ્રકારના નુકસાન સામે વળતર આપતા નથી અને આપે તો પણ કેટલાય ઠાગાઠૈયા કરીને આપે છે તથા પૂરેપૂરું વળતર તો ક્યારેય આપતા નથી. કેટલાય ખેતરોમાં ધૂળોના ઢગલાં જોવા મળે છે.

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ રોડ પર રોજના 200થી વધુ ડમ્પરો બેરોકટોક અને બેફામ દોડે છે. તાજેતરમાં આ રીતે બેફામ દોડતા ડમ્પરે બે યુવકોનો જીવ પણ લઈ લીધો હતો. આ ડમ્પરો સામે ફક્ત અકસ્માત મોતનો જ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાણ અને ખનીજ વિભાગ આ રેત માફિયાઓ પાસેથી રીતસરના હપ્તા લે છે. બહુ ઉહાપોહ થાય તો ખાણખનીજ વિભાગ નામની રેડ પાડે છે અને એક કે બે ડમ્પરો જપ્ત કરીને કાર્યવાહી કરી હોવાનું બતાવી દઈ સંતોષ માને છે. પણ ક્યારેય સર્વગ્રાહી ધોરણે કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે ગેરકાયદે રેતખનનનું અને ડમ્પરોનું સામ્રાજ્ય ચાલું જ રહે છે. આ ડમ્પરોના લીધે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા છે. આ રસ્તાઓ રિપેર કરાવવાની જવાબદારી તંત્રની છે તે પણ તંત્ર કરતું નથી. તેના કારણે ગ્રામીણ વિસ્તારોને ભારે હાલાકી પડે છે. આ સ્થિતિમાં ચોમાસુ આવે ત્યારે તો સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. આ રસ્તા જવાલાયક રહેતા નથી.

દીપસિંહ રાઠોડ 2014થી 2024 એમ બે ટર્મ સાંસદ તરીકે રહ્યા હતા. આ ઉપરાંત તે પ્રાંતિજ અને તલોદના ધારાસભ્ય તરીકે પણ બે ટર્મ રહ્યા હતા. રેતખનનને લઈને લોકોની રજૂઆતથી તે ફરીથી મેદાનમાં ઉતર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં રેતખનનને લઈને તંત્રના પગલાં પણ રેતી જેવા જ છે. કોઈપણ પ્રકારની એવી કાર્યવાહી થઈ નથી કે રેતખનન બંધ થાય, રેતખનન માફિયા તંત્રથી ડરીને રેતખનન કરવાનું બંધ કરી દે તેવું કશું થયું નથી. અહીં તંત્રથી ડરવાની વાત તો દૂર રહી પણ જાણે બંને વચ્ચેની મિલીભગતથી કામ ચાલતું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે. તેના કારણે સ્થાનિકો તોબા તોબા પોકારી ગયા છે.

આ રેતખનન માફિયાઓના કારણે સરકારને અત્યાર સુધી રોયલ્ટીમાં જે જંગી નુકસાન ગયું છે તેની ભરપાઈ કોણ કરશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. નદીમાંથી રેતી માટે સરકારની પરમિટ લેવી પડે છે. અહીં આવી કોઈપણ પ્રકારની પરમિટ લેવામાં આવી નથી, હવે જો રેતખનન માફિયાઓ સરકારની કોઈ પરમિટ લીધી નથી, તેને લગતી જોગવાઈઓનું પાલન કર્યું નથી તો પછી આ કામગીરી કઈ રીતે ચાલી શકે. ખાણખનીજ વિભાગની બેદરકારીના લીધે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાના થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરી આપશે. સરકારી તિજોરીને નુકસાન જાય તેની સીધી અસર સરકારના ગરીબ કલ્યાણ કાર્યક્રમો પર પડતી હોય છે. સીધો કાપ પણ તેના પર જ આવે છે.

રેતખનન માફિયાઓ તો તેમની રીતે કામ કરે, પણ તંત્ર પણ એકદમ બેદરકાર છે. તંત્રને પોતે સરકારી તિજોરીના નુકસાનની પડી નથી તો પછી બીજા કોને પડી હોય. શું થોડા ઘણા હપ્તા માટે ખાણખનીજ વિભાગના કર્મચારીઓ સરકારી તિજોરીને મોટો ફટકો મારવા તૈયાર થઈ જાય છે. સરકારના પારદર્શક વહીવટના અથાક પ્રયત્નો છતાં સરકારી કર્મચારીઓની લાંચ લેવાની મનોવૃત્તિ પર લગામ લગાવી શકાઈ નથી. આના કારણે જ રેતખનન માફિયા જેવા અનેક માફિયા બેફામ રીતે ફૂલેફાલે છે. બાકી તંત્ર જો આંખ લાલ કરે તો કોઈ માફિયાની તાકાત નથી કે આ રીતે ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતી લે. આ તો સાબરમતી નદીની વાત છે, રાજ્યમાં આવી કેટલીય નદી છે. શું તંત્ર ત્યાં પણ આ જ પ્રકારે વર્તે છે એવો સવાલ તેમણે પૂછ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠાવાસીઓના નસીબમાં આવા કૌભાંડીઓ અને લાંચરુશ્વતવાળા કર્મચારીઓ જ લખાયા છે. તંત્રની નબળી કામગીરીના કારણે રેતખનન માફિયાઓના કારણે સાબરકાંઠાને તો ખોટ જ જાય છે. આ દિશામાં જો પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પોતાની જ સરકાર સામે તેઓ આંદોલન કરશે તેવી ચેતવણી તેમણે આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી