હમણા થોડા સમય પહેલાં જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં થઈ રહેલા લગ્ન નોંધણી કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્યમાં રીતસર ગેરકાયદે લગ્નોનો મોટો વેપલો ચાલે છે. માફિયાઓ ખાસ કરીને 18થી વધુ વયની પણ 21થી ઓછી વયની યુવતીઓને ફસાવે છે.
તેઓ આ રીતે ફસાવવામાં આવેલી યુવતીઓનો ઉપયોગ જુદી-જુદી રીતે કરે છે. તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે, તે ધર્માંતરણનો ભોગ બને છે, લવજેહાદનો ભોગ બને છે, તેની પાસે લુંટેરી દુલ્હન તરીકે કામ કરાવવામાં આવે છે, તેનો ઉપયોગ પિતાની સંપત્તિમાંથી રૂપિયા પડાવવા માટે પણ સાસરિયાવાળા કરે છે. આ ઉપરાંત મુગ્ધાવસ્થામાં કરેલા લગ્ન લાંબા સમય ટકતા નથી. આકર્ષણ ઓસરતા લગ્નજીવન વાસ્તવિકતા સાથે ટકરાતા તે છૂટાછેડામાં પરિણમે છે. તેના લીધે છૂટાછેડાના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના ઉકેલ તરીકે તેમણે યુવતીઓની લગ્ન વય મર્યાદા હાલના 18થી વધારીને 21 કરવામાં આવે તેવી માંગ પણ સીએમ ભુપેન્દ્ર પટેલ સમક્ષ કરી હતી.
હવે ગોપાલ ઇટાલિયાએ જ કહેલી વાતનું જાણે રીતસર પ્રતિબિંબ પાડતો હોય તેવો બનાવ બન્યો છે. બનાસકાંઠાના રીતસરના આ પ્રકારના ષડયંત્ર કે લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 પ્રેમલગ્ન નોંધાયા છે. આ લગ્નોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ચકાસણીમાં જાણવા મળ્યું છે કે આ બધા લગ્નોમાં એક જ પંડિત છે અને એક જ મંદિર છે. હવે એક સોસાયટીમાં કે એક ગામમાં થતાં લગ્નોમાં પણ એક પંડિત હોતા નથી. દરેક સમાજના ગોર જુદાં-જુદાં હોય છે. આ સંજોગોમાં 133 પ્રેમલગ્ન એક જ પંડિત એક જ મંદિરમાં કરાવે તે ક્યાંથી શક્ય બને તે મોટો સવાલ છે.
આ વાતનો વિવાદ સર્જાતા તાલુકા વિકાસ અધિકારી (TDO)એ તપાસનો આદેશ આપવાની ફરજ પડી છે. પંચાયતના રેકોર્ડની તપાસ કરતાં તે વાતનો પર્દાફાશ થયો હતો કે સમૌ ગામમાં 2020 અને 2021ના વર્ષમાં કુલ 159 લગ્નની નોંધણી થઈ હતી. તેમા એકલા 2021માં જ 133 લગ્ન નોંધાયા હતા. એક નાના ગામમાં આટલા મોટાપાયા પર લગ્નની નોંધણીનો આંકડો સ્વાભાવિક રીતે વધુ પડતો લાગે જ. તેના લીધે શંકા થવી પણ સ્વાભાવિક છે.
તેના પગલે વધુ તપાસ કરવામાં આવતા આગળ તે વાતનો પણ પર્દાફાશ થયો હતો કે 2021માં સમૌ ગામના તલાટીની બદલી થઈ હતી. તેના પછી આ પ્રકારના લગ્ન નોંધણીનો આંકડો રહસ્યમયી રીતે એકદમ ઘટીને સામાન્ય થઈ ગયો હતો. તેના પરથી ગોપાલ ઇટાલિયાના તે આક્ષેપને બળ મળ્યું છે કે ખોટી રીતે થતી લગ્ન નોંધણીમાં તલાટીઓ સામેલ છે. મોટાભાગના લગ્નોમાં ભગવાનપુરાના જોગમાયા મંદિરનું સ્થળ બતાવવામાં આવ્યું છે.
તેનાથી વિપરીત ગ્રામજનોનો દાવો છે કે જોગમાયા મંદિરમાં આટલા બધા લગ્નો ક્યારેય થયા જ નથી. એકબાજુએ આટલા બધા લગ્નોની નોંધણી કરાઈ છે, જ્યારે બીજી બાજુએ સ્થાનિકોએ આ મંદિરમાં આટલા લગ્નો ક્યારેય જોયાં નથી. આના પગલે ગ્રામજનોના નિવેદન લેવામાં આવતા ખબર પડી હતી કે આ લગ્ન નોંધણી જ ખોટી છે. આમ લગ્ન નોંધણીનું કૌભાંડ બહાર આવતા જિલ્લા વિકાસ અધિકારીએ સ્વપ્નીલ ખરેએ તપાસના આદેશ આપ્યા છે.
આ લગ્ન કરાવનારા પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઈ શાસ્ત્રીનું નામ બોલાય છે. હવે આ શાસ્ત્રીજીને પણ ખબર નથી કે તેમણે પોતે આટલા બધા લગ્નો કરાવેલા છે. આમ લગ્નો થયેલા છે, પરંતુ બધુ કાગળ પર છે. કાગળ પર બધુ એકદમ પરફેક્ટ દેખાય છે, પરંતુ વાસ્તવમાં આ બધુ પોલું છે આ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસના બીજા ફણગા ફૂટી શકે તેમ છે. હવે એક જ સ્થળે એક જ મંદિર અને એક મહારાજ આટલા લગ્નો એક વર્ષમાં કઈ રીતે કરાવે. કોઈ આ જોઈને જ સમજી જાય કે આ બધું જ બનાવટી છે.
હવે આ બનાવટી લગ્ન નોંધણીનો ઉપયોગ શું વિદેશમાં વિઝા ક્લિયરન્સ મેળવવા માટે થાય છે. ઘણા લોકોઆ રીતે બનાવટી પ્રમાણપત્ર મેળવી લઈને વિદેશ જવા માટે પીઆર મેળવવા તેનો ઉપયોગ કરતાં હોવાની સંભાવના નકારી શકાતી નથી. હવે પોલીસ તપાસ જ બતાવશે કે આટલા ખોટા લગ્નોના પ્રમાણપત્ર દ્વારા કયા પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કઈ સરકારી યોજનાનો લાભ મેળવાયો છે. એક કૌભાંડની મદદથી કયું બીજું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ લગ્ન નોંધણી કૌભાંડ કૌભાંડની નવા જ પ્રકારની કાર્યશૈલીથી વાકેફ કરાવી શકે છે.આમ રાજ્યમાં કૌભાંડોનો સિલસિલો ચાલ્યો છે તેમા પેપરલીક, મનરેગા, લાંચકાંડ, પછી હવે લગ્ન નોંધણી કૌભાંડમાં નવો ફણગો ફૂટી શકે તેમ છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
