એક વ્યક્તિ અનેક સ્વરૂપ. આ વાત પોરબંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય ભૂરાભાઈ જાડેજાના પત્ની અને રાણાવાવ-કુતિયાણા વિધાનસભાના વિધાનસભ્ય કાંધલ જાડેજાના કારી હિરલબાને બરોબર લાગુ પડે છે. હિરલબા જાણીતા રાજકીય આગેવાન છે અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે. આ તેમનું એક સ્વરૂપ છે. પણ આ જ હિરલબા સામે અપહરણ, ખંડણી, વ્યાજખોરી, ધાકધમકી, છેતરપિંડી, બનાવટ અને રૂપિયા પડાવી લેવાના તેમના પર અનેક આરોપ છે. તેમાં હવે વધુ એક આરોપ ઉમેરાયો છે. તેમને સાઇબર ફ્રોડના પણ ક્વીન કહેવી પડે તેવી સ્થિતિ છે. તેમનું બીજું સ્વરૂપ છે. હરિ તને કયા નામે લખવી કંકોતરીની જેમ હવે હિરલબા કયા કૌભાંડમાં નથી તેવો સવાલ ઊભો થાય છે.
થોડા સમય પહેલાં ઇઝરાયેલથી એક મહિલાએ તેમની સામે સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલા વિડીયોના લીધે અપહરણ કમ ખંડણીનો કેસ તેમની સામે દાખલ થયેલો છે. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ચાલતા સર્ચ ઓપરેશનમાં સૂરજ પેલેસ ખાતેથી લગભગ 150 જેટલા દસ્તાવેજો હાથ લાગ્યા છે.
તેમના પર હવે જુદા-જુદા રાજ્યોમાં થયેલા સાઇબર ફ્રોડની રકમ પોરબંદરના શંકાસ્પદ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો ગુનો નોંધાયો છે. હાલમાં તો આવા પાંચ ખાતાઓમાંથી લગભગ 36 લાખની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો છે કે આ પાંચેય ખાતાધારકને ખબર પણ નથી કે તેમના નામે ખાતા ખુલી ગયા છે.
સાઇબર ફ્રોડની ગૂંચ જેમ-જેમ ઉકેલાતી જાય છે તેમ-તેમ પોલીસને વધુને વધુ ચોંકવા લાગી છે. હિરલબાએ 14 ખાતા એકસાથે ખોલાવ્યા હતા અને તેમાથી પાંચ ખાતા સાઇબર ફ્રોડ માટે આપ્યા હતા. આના લીધે સ્થિતિ એવી છે કે બેન્કના મેનેજરને પણ ખબર નથી કે આ ખાતા શેના માટે ખોલાવાયા છે. આ પાંચ ખાતામાં અલગ-અલગ રાજ્યોમાંથી રકમ શંકાસ્પદ રીતે ટ્રાન્સફર થઈ હતી. જુદા-જુદા પ્રદેશોમાંથી ટ્રાન્સફર થયેલી સાઇબર ફ્રોડની રકમ ચાર કરોડ જેટલી હોવાનું મનાય છે.
કોટક બેન્કના મેનેજર ચેતન ખાણધરનું પોલીસે નિવેદન લેતા જણાવાયું હતું કે તેઓ 29મે 2024ના રોજ હિરલબાના બોલાવવા પર તેમના ઘરે ગયા હતા. તેમણે ત્યાં પાંચ લોકોના દસ્તાવેજના આધારે તેમના ખાતા ખોલ્યા હતા. હિરલબા પોતે આ ખાતાનો ટ્રેક રાખતા હતા અને તેમા કેટલા રૂપિયા આવ્યા અને કેટલા ફ્રીઝ થયા તે પૂછતા હતા. પોરબંદરનું સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આ કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
સાઇબર ફ્રોડના કેસમાં પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસે હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, મોહન વાજા અને ડ્રાઇવર રાજુ મેર સામે કેસ નોંધ્યો છે. આમ હિરલબા સામે હવે સાઇબર ફ્રોડનો કેસ પણ નોંધાયો છે. પોલીસને લાગે છે કે હજી પણ આ કેસમાં ઘણા ફણગા ફટી શકે છે.
પોલીસને પણ લાગ્યું છે કે હિરલબા જાડેજાનો કેસ ફક્ત એક કેસ જ નથીં તે જાણે કોઈ ઊંડી રમત છે. આ કેસમાં હિરલબાની ગેંગ સાથે તેમનો સાગરિત હિતેશ ઓડેદરા પણ ગાઢ રીતે જોડાયેલો છે. પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહના નેજા હેઠળ હિરલબા કેસની કાર્યવાહી હવે તલસ્પર્શી ધોરણે ચાલી રહી છે. તેમા હવે હિરલબા જાડેજાએ ખરીદેલી લગભગ 150 જેટલી પ્રોપર્ટીના મૂળ માલિકોની ખરાઈ પોલીસ જાતે જઈને કરવાની છે. તેની સાથે આ પ્રોપર્ટી કોઈની ધાકધમકી વગર એક સીધા સાદાસોદાથી ખરીદાઈ છે કે ફ્રોડ કરીને કે બનાવટી દસ્તાવેજો દ્વારા ખરીદાઈ છે કે બેનામી વ્યવહારો વડે ખરીદવામાં આવી છે તેને ચકાસવામાં આવનાર છે. તેમણે સાઇબર ફ્રોડના રૂપિયામાંથી કેટલી મિલકતોની ખરીદી કરી તેની પણ ચકાસણી કરવામાં આવનારી છે.
આ જોતાં હિરલબા પ્રતિષ્ઠિત નહીં પણ અઠંગ ખેલાડી નીકળે તેમ માનવામાં આવે છે. પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહે છેક ઇઝરાયેલથી મહિલાએ સોશિયલ મીડિયા પર નોંધાવેલી ફરિયાદના આધારે હિરલબાની ધરપકડ કરી શરૂ કરેલી કાર્યવાહી હવે નવું જ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમની પાસેથી મળેલા મહત્ત્વના દસ્તાવેજો, કોરા ચેક પર સહી, પ્રોમિસરી નોટ, બેનામી વ્યવહારો બધુ બતાવી રહ્યા છે કે તેમના હાથમાં ફક્ત હિરલબા નહીં પણ મોટું નાણાકીય કૌભાંડ છે. આ બધુ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસને સૂરજ પેલેસ પર પાડેલા દરોડામાં જાણે મોટો ખજાનો જ હાથ લાગ્યો છે તેમ કહી શકાય. તેમા કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો, અજાણ્યા ખાતા અને જુદી-જુદી મિલકતોના દસ્તાવેજોની પણ વિગતો મળી આવી છે. આના કારણે હવે આ ફક્ત સામાન્ય પોલીસ તપાસ ન બની રહેતા તેની સાથે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ ગમે ત્યારે જોડાય તેવી સંભાવના વધુ પ્રબળ બની છે.
કોર્ટે હિરલબા જાડેજાને બે દિવસના અને હિતેશ ઓડેદરાને ચાર દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. જો કે કેસનો વ્યાપ જોતાં પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. રિમાન્ડ મળવાની સાથે પોલીસે આરોપીઓને તેની સ્પેશ્યલ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હિરલબાને છાતીમાં અચાનક જ દુઃખાવો ઉપડ્યો હતો. તેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં તેમના ચેકઅપ દરમિયાન તેમને હૃદયની બીમારી જણાઈ આવી હતી. તેના લીધે તેમને વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. હાલમાં તે રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે.
આ આખા પ્રકરણમાં તપાસ દરમિયાન એક પછી એક ચિઠ્ઠી ખોલતા અનેક લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા અનેક પ્રોપર્ટી એજન્ટ્સ, દલાલો અને વ્યાજખોરોને પોલીસે બોલાવ્યા હતા. પોલીસને જણાવવામાં આવ્યું છે કે હિરલબાએ મદદના બહાને કેટલાય લોકો પાસેથી કોરા ચેકોમાં સહીઓ કરાવી લીધી છે. તેઓની મિલકતો તેમના નામે કરાવી લીધી છે. આ ઉપરાંત સામાન્ય લોકોને ઊંચા વ્યાજે કપાત પર લોન આપી હતી. આવી રીતે હિરલબાએ અનેક લોકોને તેમની જાળમાં ફસાવીને કેટલીય મિલકતો કબ્જે કરી હતી.
હજી કંઈ આટલેથી જ પૂરુ થતું નથી. થોડા સમય પહેલાં જ કર્ણાટક પોલીસે પોરબંદરમાં ધામા નાખ્યા હતા. તેણે બેનામી વ્યવહારોના સંદર્ભમાં પોરબંદરમાં ધામા નાખ્યા હતા. કર્ણાટક પોલીસે પોરબંદરમાં સિટી ડિવિઝન પોલીસમથકે હિરલબા અને હિતેશ ઓડેદરાના નિવેદનની નોંધ કરી હતી. તે સમયે પણ તેમનું નામ 300 કરોડ રૂપિયાના બેનામી ખાતાઓમાં ખૂલ્યું હતું. હવે જો આ બધી જ કડીઓને જોડવામાં આવે તો જબરદસ્ત નાણાકીય કૌભાંડ અને હવાલા રેકેટની સંભાવના નકારી શકાતી નથી. તેની સાથે અગાઉના ગુનાઓ તો ખરા જ. આમ સામાન્ય ગુનાઓ સાથે શરૂ થયેલો હિરલબાનો કેસ જાણે કોઈ નાણાકીય કૌભાંડને અને મોટા સાઇબર ફ્રોડને ઉજાગર કરે તેમ માનવામાં આવે છે.
પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધી મળેલા પુરાવાઓ, દસ્તાવેજો, બેન્ક સ્ટેટમેન્ટ અને ફોન રેકોર્ડના આધારે એવું જ લાગી રહ્યું છે કે આ તો જાણે કોઈ મોટા કાવતરાની શરૂઆત છે. હજી પણ વધુ ખાતા હોય તેમ પોલીસ માની રહી છે. તેની સાથે વધુ લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. તેથી પોલીસ અને સાઇબર ક્રાઇમ વિભાગ સંયુક્ત રીતે આ તપાસ કરી રહ્યા છે.
આ જોતાં તો હિરલબા પોરબંદરના ગોડમધર સંતોકબાને પણ પણ પાછળ પાડી જાય તેમ માનવામાં આવે છે. સંતોકબા તો ફક્ત ગોડમધર જ હતા, પણ હિરલબા તો તેનાથી પણ આગળ વધી ગયા હોવાનું મનાય છે. તે કદાચ સૌરાષ્ટ્રના બધા કૌભાંડનો ‘ક્વીન’ તરીકે બહાર આવે તો આશ્ચર્ય નહીં થાય.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
