MANTAVYA Vishesh/ ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

તાજેતરમાં જ એક વિડીયો વાઇરલ થયો હતો તેમા સ્પષ્ટ દેખાતું હતું કે 108નો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો હોવા છતાં પણ આગળનો કારચાલક તેને સાઇડ આપતો ન હતો. આ વાઇરલ વિડીયોએ અમદાવાદની વાસ્તવિકતા પ્રદર્શિત કરી દીધી હતી.

Mantavya Vishesh

તાજેતરમાં જ એક વિડીયો વાઇરલ થયો હતો તેમા સ્પષ્ટ દેખાતું હતું કે 108નો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો હોવા છતાં પણ આગળનો કારચાલક તેને સાઇડ આપતો ન હતો. આ વાઇરલ વિડીયોએ અમદાવાદની વાસ્તવિકતા પ્રદર્શિત કરી દીધી હતી.

108ને અમદાવાદની જ નહીં આખા ગુજરાતની લાઇફલાઇન માનવામાં આવે છે. 108 કોઈને લઈને જતી હોય તો તેનો સીધો અર્થ એમ થાય કે કોઈ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યુ છે. આવા સમયે પણ અમદાવાદના રસ્તાઓ પર એવા નઠારા તત્વોની ફોજ ઉતરી છે જે 108ને પણ સાઇડ આપતી નથી. રસ્તા પર કરોડો રૂપિયાની વૈભવી કારોમાં ફરનારાઓને 108 દ્વારા લઈ જવામાં આવતા દર્દીના જીવનનું કોઈ મૂલ્ય નથી, કારણ કે તેઓ જાણે છે કે 108માં તેમનું કોઈ સગું નથી અને બીજાનો જીવ જાય તો તેમને કેટલા ટકા.

આ સ્થિતિ કંઈ એકાદ વાઇરલ થયેલા વિડીયોની નથી, પણ આખા અમદાવાદની છે. અમદાવાદના દરેક વિસ્તારમાં નઠારા તત્વોની ફોજ જોવા મળશે. આ નવરીધૂપ પ્રજાતિને વાસ્તવમાં જીવનનું મૂલ્ય શું હોય છે તેની ખબર જ નથી હોતી, કારણ કે બાપાની કમાણી પર જોર કાઠનારા આ નઠારા તત્વોને 108માં જવાના દિવસો આવ્યા હોતા નથી.

આ નઠારા તત્વોના લીધે અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં 108ને હોસ્પિટલ પહોંચવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આવા તત્વોના લીધે કેટલાય લોકોએ 108માં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અંતિમ શ્વાસ લઈ લીધો હશે તેનો આંકડો સુદ્ધા પણ ઉપલબ્ધ નથી.

આજે ટ્રાફિકમાં ફસાયેલી 108ને જોવી સામાન્ય બાબત બની ગઈ છે. તેમા પણ સવારના અને સાંજના પિક અવર્સમાં તો પૂછવું જ શું રહ્યુ. પછી તો જાણે દર્દી પહેલા હોસ્પિટલ પહોંચશે કે યમદૂતો પહેલા દર્દી સુધી પહોંચશે તેવી સ્થિતિ સર્જાય છે.

એક સમય હતો જ્યારે 108ને પસાર થતાં જોઈને તરત જ બધા વાહન સાઇડ કરી આપતા હતા, પણ અમદાવાદને હવે નઠારા તત્વોએ રીતસરનું બાનમાં લઈ લીધું છે અને તેનો ભોગ હવે 108 પણ બની છે. આજે સ્થિતિ એ છે કે આ લોકો રીતસર 108ને રસ્તો આપતા નથી. કેટલાય હોર્ન વગાડવા છતાં તેને આગળ જવા દેતા નથી, પાછા ઉપરથી તેઓ કોઈના જીવનની ઠઠ્ઠા મશ્કરી કરે છે.

આવા તત્વોને બીજાના જીવનનું કોઈ મૂલ્ય નથી, કારણ કે આ તત્વો પોતે સાવ મૂલ્યવિહીન છે. 108 પર કોલ આવે છે ત્યારે તે કોલ આવ્યાના 30 જ સેકન્ડમાં ઉપડી જાય છે. તેની પાસે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની ટીમ અને આવશ્યક મેડિકલ કિટ તથા ડોક્ટર અને નર્સ પણ હોય છે, જેથી દર્દીને પ્રાથમિક સારવાર સ્થળ પર જ આપી શકાય છે. ઘણા કિસ્સામાં તો દર્દીને હોસ્પિટલ લઈ જવાની પણ જરૂર પડતી નથી અને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી દઈને સાજો કરી દેવાય છે.

108ની સેવાએ કેટલાય લોકોને નવજીવન બક્ષ્યું છે. છતાં આ તત્વોને ખબર જ નથી કે 108 કેટલી મૂલ્યવાન છે. આટલું ઓછું હોય તેમ શહેરોના દરેક ચાર રસ્તા પર વાહનોનો ઝમેલો જામેલો હોય છે.

હવે આ ઝમેલો દૂર કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે. જો ટ્રાફિક પોલીસ ચાર રસ્તાને પણ ક્લિયર રાખે તો તે 108 પર મોટી કૃપા થઈ કહેવાશે. આ બાબત અમદાવાદના જ કોઈપણ ચાર રસ્તા નહીં રાજ્યના દરેક ચાર રસ્તાને લાગુ પડે છે. ટ્રાફિક પોલીસ બીજા માટે નહીં, પણ 108 માટે કમસેકમ આટલી તો વ્યવસ્થા કરી શકે.

આ ઉપરાંત અમદાવાદીઓની ટ્રાફિકની ગેરશિસ્તે પણ 108ના રિસ્પોન્સ ટાઇમમાં વધારો કરતાં તેમા લઈ જવાના દર્દીના જીવનને બચવાની સંભાવના ઘટી છે. ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય તો પણ તેને વટાવી જવાની અમદાવાદીઓની દોટનો ભોગ પણ 108 બની છે, તેના કારણે છેલ્લા બે વર્ષમાં તેનો રિસ્પોન્સ ટાઇમ ઘટવા લાગ્યો છે. હવે જો સ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં 108ના રિસ્પોન્સ ટાઇમમાં હજી પણ ઘટાડો નોંધાઈ શકે છે.

તેની સાથે અમદાવાદ સહિતના રસ્તાઓ પર પણ ઘણું અતિક્રમણ થયેલું છે. આ અતિક્રમણ હટાવવું જરૂરી છે. આ અતિક્રમણ હટે તો રસ્તા ખુલ્લા થાય અને 108 જેવી સર્વિસ વધુ ઝડપી બને અને લોકોનો જીવ બચે. બીજો સૌથી મોટો ત્રાસ હોય તો રોંગસાઇડથી આવતા વાહનોનો હોય છે. છેલ્લા કેટલાક સમયથી રોંગસાઇડથી આવતા વાહનોનું પ્રમાણ ખાસ્સુ વધી ગયું છે. તેના લીધે પણ એમ્યુલન્સ સર્વિસને તકલીફ પડી રહી છે.

ઘણી વખત તો 108 ચલાવનારે ચિંતા કરવી પડે છે કે આ રોગંસાઇડથી આવતા વાહનને ક્યાંક ટક્કર વાગી ન જાય, નહીં તો તેને પણ 108માં જોડે જ લઈ જવો પડશે. આ બધી તકલીફોએ 108ના રિસ્પોન્સ ટાઇમમાં વધારો કરવા માંડતા દર્દીના જીવ બચાવવા માટે એક-એક કિંમતી ક્ષણ ભયમાં મૂકાઈ રહી છે. આગામી દિવસોમાં કદાચ 108 અમુક મિનિટ માટે મોંડી પડી તો દર્દીનું મૃત્યુ થાય તો તેના માટે 108ને દોષિત ન ઠેરવતા, તેની જવાબદારી આ ટ્રાફિકના શિરે હશે અને અમદાવાદની ટ્રાફિકની શિસ્તવિહીન પ્રજાના શિરે હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત