અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ ફ્લાઇટ બની રહી હતી. જીવનમાં હંમેશા સમયસર ટેક ઓફ કરનારા વિજય રૂપાણીના જીવનની આ ફ્લાઇટ ખરા સમયે જ ટેક-ઓફ ન થતાં આજે તેમની વસમી વિદાયના આપણે સૌ સાક્ષી છીએ.
તેમની વિદાયે ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણમાં અને શાસક પક્ષની હરોળમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જયો છે. હંમેશા પક્ષ માટે તે કાર્યકર તરીકે જ રહ્યા. આનંદીબેન પટેલની સીએમ પદેથી વિદાયના પદે પક્ષે તેમને અચાનક જ સીએમ પદની જવાબદારી સોંપી તો તેમણે તે પણ હસતા મુખેથી નીભાવી અને પક્ષે જ્યારે સીએમ પદેથી રાજીનામુ આપવાનું કહ્યું તો તેમણે કોઈપણ પ્રકારની હોહા કર્યા વગર રાજીનામુ આપી દીધુ અને ફરી પાછા પક્ષના કાર્યકર તરીકે જનસેવામાં જોતરાઈ ગયા. આવા હતા આપણા ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ રાજ્યનો સીએમ હોય તો કેવો દોરદમામ હોય, કેવો જબરદસ્ત વટ હોય, ભલભલા તેનાથી કાંપતા હોય, લોકો તો શું પક્ષના લોકો પણ તેની પાસે જતાં ડરતાં હોય. પણ વિજય રૂપાણી સીએમ હતા ત્યારે તે ખરેખર સીએમ એટલે કે કોમનમેન જ રહ્યા હતા. સામાન્ય માનવી સાથે તેમનો નાતો તેટલી જ સાલસતાથી જોડાયેલો રહ્યો હતો. કોઈ કહી ન શકે કે સીએમ થયા પછી વિજય રૂપાણીનો રથ જમીનથી ચાર વેંત અદ્ધર ચાલતો હતો. સત્તાધીશ હોવા છતાં સત્તા તેમને સ્પર્શી ન હતી. તેમનામાં ક્યારેય સત્તાનો દોરદમામ આવ્યા ન હતા.
રાજકોટ જ નહીં ગુજરાતના લોકો પણ સાક્ષી છે કે સીએમ હોવા છતાં પણ તે લોકોને કેટલી સાલસતાથી મળતા હતા. તેમને મળવા આવેલો રોતો-રોતો વ્યક્તિ હસીને અને ગુસ્સે થયેલો વ્યક્તિ શાંત થઈને જતો હતો તેટલા તેઓ નિરાભિમાની હતા. આજે સૌરાષ્ટ્રમાં ગામડે-ગામડે જેવા શાસક પક્ષના ઝંડા લહેરાય છે તેના માટે વિજય રૂપાણીએ પાયાના પથ્થર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. આરએસએસના કાર્યકર તરીકે સેવાની તેમનામાં સીંચાયેલી ભાવના આજીવન રહી. આરએસએસમાં કામ કરવા દરમિયાન કેળવાયેલી સંગઠનાત્મક કુનેહનો ઉપયોગ તેમણે રાજકારણમાં પણ તેટલી જ કુનેહપૂર્વક પક્ષને દિશા આપવા કર્યો. તે હંમેશા પક્ષના ટોચના આગેવાનોની સાથે પક્ષના પાયાના કાર્યકરોની વાત સાંભળતા. તેમની આ કુનેહે સૌરાષ્ટ્રના હિંસક રાજકારણમાં પક્ષની કેટલીય આંટીઘૂંટીઓ ઉકેલવામાં મદદ કરી હતી. સૌરાષ્ટ્રના રાજકારણમાં કેશુબાપા પછી કોણ સૌરાષ્ટ્રનો અવાજ બનશે તેનો જવાબ વિજય રૂપાણીએ તેમના પોતાના કાર્યોથી આપ્યો હતો.
તેમણે તેમના સીએમ પદનો ઉપયોગ વધુને વધુ લોકોની સેવા કરી શકાય તે માટે કર્યો. તેમણે તેમના શાસન દરમિયાન શાસનની જન સામાન્ય સુધીની પહોંચનો વ્યાપ વિસ્તાર્યો. તેમનો શાસનકાળ કોઈપણ પ્રકારના વિવાદ વગરનો રહ્યો. તેમણે દરેક આંદોલનોને તેમની કુનેહથી અને શાંત ચિત્તે સમાવી દીધા. દરેક વિવાદને શાંતિથી અને સ્વસ્થતાથી ઉકેલવાની તેમની કુનેહની નોંધ પક્ષના હાઈકમાન્ડે પણ લીધી હતી.
ભાતીગળ અને તળિયાના રાજકારણની આગવી સમજની સાથે રાજકારણના ટોચના સ્તરે કામ પાર પાડવાની સૂઝના કારણે તેમણે શાસન સામેના વિરોધને ઠંડો પાડી દીધો હતો. તેથી જ તો પક્ષને પછીની ચૂંટણીમાં જબરદસ્ત દેખાવ કરવામાં સફળતા મળી હતી, તેનું કારણ વિજય રૂપાણીએ નાખેલો પાયો હતો. તેમની આ સંગઠનાત્મક કુનેહના પગલે જ પક્ષે તેમની ક્ષમતાની નોંધ લઈને તેમને પંજાબ જેવા રાજ્યમાં પ્રભારી બનાવ્યા હતા, જ્યાં ભાજપે પાયાના સ્તરથી કામ શરૂ કરવાનું છે. આ બતાવે છે કે વિજય રૂપાણીની ક્ષમતામાં પક્ષને કેટલો વિશ્વાસ હતો.
તેમણે ભૂતપૂર્વ સીએમ અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીના પ્રજાભિમુખ શાસનના મુદ્રાલેખને આગળ વધાર્યો હતો. તેમના શાસનકાળ દરમિયાન જ ગુજરાતની 50 ટકા વસ્તી શહેરોમાં વસ્તી થઈ. તે સાથે ગુજરાત દેશમાં 50 ટકાથી વધુ વસ્તી શહેરોમાં ધરાવતું હોય તેવું દેશનું પ્રથમ રાજ્ય પણ બન્યું હતું. તેમણે શહેરી સુવિધાઓના માળખાકીય વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ, જેને વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે.
આજે રાજકોટને ફક્ત ગુજરાત જ નહીં પણ દેશના મહત્વના શહેરોમાં સ્થાન તેમના કારણે મળ્યું છે. રાજકોટને હાલમાં સૌરાષ્ટ્રની સત્તાનું કેન્દ્ર બનાવવાનું શ્રેય તેમના શિરે જાય છે. રાજકોટ સૌરાષ્ટ્ર માટે ફક્ત સત્તાનું જ નહીં પણ સૌરાષ્ટ્રના વિકાસની કડીઓને જોડતું કેન્દ્ર પણ બન્યું છે. અમદાવાદથી રાજકોટનો છ લેનનો હાઈવે તેમની પરિકલ્પના હતી, જે આ વર્ષના અંતમાં પૂરી થશે. આ હાઇવે ચોક્કસપણે ફક્ત રાજકોટનાં જ નહીં સૌરાષ્ટ્રની પ્રગતિના દ્વાર ખોલશે.
તેની સાથે તેમણે અમદાવાદ-રાજકોટને સેમી હાઇસ્પીડ ટ્રેન વડે જોડવાની દરખાસ્ત પણ કેન્દ્રને તેમના કાર્યકાળમાં મોકલી આપી હતી. આજે વંદે ભારત રાજકોટથી અમદાવાદ બેથી ત્રણ કલાકમાં પહોંચાડી દે છે. તેઓએ તેમની આ જ આગવી સૂઝ તથા તંત્ર પાસેથી કામ લેવાની સંગઠનાત્મક કુનેહના કારણે રાજકોટમાં સૌથી નાની વયના મેયર બનવાની સિદ્ધિ મેળવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજકોટને વિકાસની નવી ક્ષિતિજ પર મૂકવાનું કામ તેમણે કર્યુ હતુ.
વિદ્યાર્થી રાજકારણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)થી શરૂ થયેલી તેમની રાજકીય કારકિર્દી સીએમ બનવા સુધી લઈ ગઈ હતી. કોઈપણ બાબતને કે વિવાદને સમજવામાં અને તેની સાથે કામ પાર પાડવામાં તેમની ક્ષમતા જબરદસ્ત હતી. આનો પુરાવો ગુજરાતમાં હાર્દિક પટેલનું અનામતનું આંદોલન હતુ, જેને તેમણે તેમની ઠંડી તાકાતથી ઠંડુ પાડી દીધું હતું.
રાજકોટને નર્મદાનું પાણી મળતું થાય તે માટે તેમણે ભગીરથ પ્રયત્નો આદર્યા હતા. તેમના સમયગાળામાં નર્મદાના પાણી રાજકોટમાં પહોંચાડવાનું મોટાભાગનું કામ થયું હતું. રૂપાણી ગુજરાતને કેશુભાઈ પટેલ પછી મળેલા સૌરાષ્ટ્રના બીજા પાણીદાર નેતા હતા.
આ પણ વાંચો:પૂર્વ CM વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ કરેલી બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી!
આ પણ વાંચો: વિજય રૂપાણીનો મૃતદેહને લઈ પરિવાર રાજકોટ એરપોર્ટ પહોંચ્યો
