
ગુજરાતમાં ભાજપ(BJP)ના ત્રણ-ત્રણ દાયકાથી ચાલતા શાસન સામે વિપક્ષી રાજકારણની મોટી ધુરી તરીકે ઉભરી આવેલા ત્રણ ચહેરા હોય તો તે છે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આ જ પક્ષના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. આ ત્રિપુટીના ત્રણેયનું રાજકારણનું ગોત્ર જુદું છે, તેમની રાજકારણની શૈલી જુદી છે, તેમનો ટાર્ગેટ વર્ગ પણ જુદો છે. છતાં પણ તેમનું નિશાન એક જ છે અને તે છે શાસક પક્ષ.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી
ગુજરાતમાં એકબાજુએ ભાજપ (BJP) તેમના સંગઠનમાં જિલ્લાવાર ધરમૂળથી ફેરફાર કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ આદરી દીધી છે તો જિજ્ઞેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ પણ શાસક પક્ષ સામે બરોબરની કમર કસી લીધી છે. મુદ્દાઓને તળિયેથી ઉઠાવવા અને લોકોના ગળે ઉતરાવવા તે આ ત્રણેયની ખાસિયત છે. જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર તરીકેની આવડત અહીં સારી રીતે કામે લગાડી છે. તેના કારણે હવે તે વિપક્ષની જ નહી પણ જાણે પક્ષની અંદર પણ પોતાની આગવી ધુરી ઊભી કરી રહ્યા હોય તેવી છાપ ઊભી થઈ રહી છે. તેના કારણે તેમણે પક્ષની અંદર પણ મોટાપાયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
જનસામાન્યને સ્પર્શતા મુદ્દા ઉપાડવા મેવાણીની ખાસિયત
આમ છતાં પણ જનસામાન્યને સ્પર્શતા મુદ્દા ઉપાડવા અને ભાજપ (BJP)બરોબરના ચચરે તેવા પ્રહારો કરવા તે તેમની ખાસિયત બની ચૂકી છે. બાકી કોંગ્રેસ (Congress) તો અત્યાર સુધી શાસક પક્ષનો વિરોધ તો ઠીક પણ તેને ચચરે તેવા પ્રહારો પણ કરી શકતી ન હતી. હાર્દિક પટેલે ઊભા કરેલા અનામતના આંદોલન પછી જિજ્ઞેશ મેવાણી પણ તેમની સાથે રાજકારણના મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. 2017ની ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટીએ શાસક પક્ષને જીતતા-જીતતા પરસેવો છોડાવી દીધો હતો. શાસક પક્ષે પહેલી વખત વિધાનસભા ચૂંટણીમાં 100ની નીચેનો આંકડો નોંધાવ્યો હતો.
મેવાણી, હાર્દિક, અલ્પેશ પછી બની નવી ત્રિપુટી
હવે દાયકા પછી નવી જ ત્રિપુટી ભાજપ (BJP) સામે ઊભી થઈ છે. તેમા જૂની ત્રિપુટીમાંથી જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) જ છે, જ્યારે નવામાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ઉમેરાયા છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં શાસન વિરોધી લહેરને તેના આગવા અભિગમથી મતોમાં પરિવર્તીત કરી વિજય મેળવ્યો અને ધારાસભ્ય બન્યા છે. જો કે સામાન્ય રીતે ધારાસભ્ય કોઈ બની જાય એટલે જાણે તેનું લક્ષ્યાંક પૂરુ થઈ ગયું હોય તેમ શાંત થઈ જાય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી પણ અટક્યા નથી. તે ખેડૂતોથી લઈને સામાન્ય જનનો સતત અવાજ બનતાં રહ્યા છે. ખેડૂતોને ખાતર ન મળવાથી લઈને જમીનોના મોરચે પડતી તકલીફ, પાક વીમાના ન મળતા નાણા, યુરીયાનું ખાતર ન મળવું તે અંગે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમનો અવાજ બનતા રહ્યા છે. તેમણે લગભગ વિસાવદર પંથકના બધા ગામ ખૂંદી નાખ્યા છે. લોકોની સમસ્યાઓને જાણી છે. તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો છે. ફક્ત શાસક પક્ષનો વિરોધ જ નહી, સમસ્યાનું નિવારણ થતું હોય ત્યાં શાસક પક્ષ સાથે મળીને પણ કામ કરવાની તૈયારી બતાવી છે.
ગોપાલ ઇટાલિયા નવા ચહેરો
ગોપાલ ઇટાલિયા(Gopal Italiya) એ તાજેતરમાં જ ગુજરાતમાં આપવામાં આવતા દૂધમાં મોટાપાયા પર ભેળસેળ થાય છે અને કેમિકલ ભેળવવામાં આવે છે તેવા આક્ષેપ કરીને સનસનાટી મચાવી દીધી હતી. ગોપાલ ઇટાલિયાએ પુરાવા સાથે કરેલા આ આક્ષેપે ડેરી સેક્ટરને પણ હચમચાવી નાખ્યુ હતુ. આ ઉપરાંત મોરબીના વિધાનસભ્ય કાંતિ અમૃતિયાને તેમણે પડકાર ફેંક્યો હતો અને બંને સામસામા આવી જતાં એક સમયે જાણે વિધાનસભા સંકુલમાં જ મોટો રાજકીય ભૂકંપ સર્જાશે તેવું વાતાવરણ સર્જી દીધુ હતુ. આમ શાસન વિરોધી લહેરને મતોમાં રૂપાંતરિત કરવાની તેમની આવડત છે. ગોપાલ ઇટાલિયા ખાસ કરીને તેમના મતવિસ્તારમાં તો સરકાર વિરોધી વાતાવરણનું નિર્માણ કરવામાં સફળ રહ્યા છે. તેના કારણે આજે આખા ગુજરાતના રાજકારણમાં વિસાવદરવાળી શબ્દ જાણે એક નેરેટિવ થઈ ગયો છે.
આદિવાસીઓ પર ચૈતર વસાવાની વધતી પક્કડ
આવા જ બીજા એક નૈતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) છે. શાસન તેમને જેલમાં મોકલી ચૂક્યું છે, પરંતુ તેઓ હંમેશા પોતાના વલણ પર અડગ રહ્યા છે અને પક્ષપલ્ટુ થયા નથી. વિપરીત વાતાવરણ વચ્ચે પણ પક્ષને અને તેના મૂલ્યોને કઈ રીતે વફાદાર રહી શકાય તેનું ઉદાહરણ તેમણે પૂરુ પાડ્યું છે. સતત પ્રલોભનો અને ધમકીઓ વચ્ચે પણ ચૈતર વસાવા અડગ રહ્યા છે. આદિવાસીઓનું કલ્યાણ તેમની નેમ છે. આજે તે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના આદિવાસી પટ્ટામાં એક જાણીતા નેતા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસીઓ તેમને આજે પોતાના નેતા તરીકે ઓળખે છે. હવે તે આદિવાસી મતોના જોરે વર્તમાન શાસનને હંફાવવા આતુર છે.
ભાજપ (BJP) માટે 2017ની ચૂંટણી મોટો પદાર્થપાઠ
આ ત્રિપુટીની સામે ગુજરાત ભાજપ પણ કંઈ શાંત બેસીને રહ્યુ નથી તે પણ હકીકત છે. 2017ની ચૂંટણીમાં મળેલો બોધપાઠ તે તેમને આ વખતે કામ આવી શકે છે. તેથી પ્રારંભિક પગલાંના સ્વરૂપમાં જ ભાજપે લગભગ દરેક જિલ્લામાં તેમના સંગઠનને નવો ઓપ આપ્યો છે. આમ યુવા લોહીને ઉમેરીને સંગઠન સતત ગતિશીલ રાખ્યું છે. આગામી દિવસોમાં આ સંગઠનને કઈ દિશામાં કામ કરવું તેની સૂચના પણ આપી દેવામાં આવશે. ભાજપની તાકાત હોય તો તે સંગઠન છે અને તે માને છે કે સંગઠન હંમેશા ચેતનવંતુ રાખવું જોઈએ અને પરિવર્તનશીલ રાખવુ જોઈએ. તેના જ ભાગરૂપે નવા પ્રમુખ તરીકે વિશ્વકર્મા નીમાઈ ચૂક્યા છે. તેમણે પણ જિલ્લા અને તાલુકાવાઇઝ સંગઠનના પ્રમુખો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓ નીમવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
શાસન વિરોધી લહેર ખાળે છે મજબૂત સંગઠન
શાસક પક્ષ જાણે જ છે કે 30-30 વર્ષનું શાસન હોય તો શાસન વિરોધી લહેર તો હોય જ. પણ શાસક પક્ષની સંગઠનની તાકાત આ શાસન વિરોધી લહેરને કિનારા સુધી પહોંચવા જ દેતી નથી અને કિનારે પહોંચે તે પૂર્વે શમાવી દે છે. આથી જેમ આ ત્રિપુટી પાસે શાસક પક્ષ સામે જુદાં-જુદાં શસ્ત્રો છે તેમ શાસક પાસે પણ આ ત્રિપુટીનો સામનો કરવો તેના અંગેની વ્યૂહરચના છે. વિરોધને ખાળવાની આવડત શાસક પક્ષે કેળવી લીધી છે. તેથી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી આ ત્રિપુટી અને શાસક પક્ષના બળાબળના પારખા કરશે.
આ પણ વાંચો: ગુજરાતનું રાજકારણ અને ગુજરાતી કલાકારો, ‘ડુંગરા દૂરથી રળિયામણા’
આ પણ વાંચો: કોંગ્રેસમાં સાફસૂફીઃ ભરતસિંહ જૂથના આગેવાનોને સ્થાનિક પ્રદેશ માળખામાં ક્યાંય સ્થાન નહીં
આ પણ વાંચો: અલ્પેશ ઠાકોર પર ગદ્દારીના આક્ષેપથી ઠાકોર સમાજમાં ખળભળાટ
