મોસમી વરસાદને લઈને ખેડૂતોની સ્થિતિ વણસી છે અને તેના કારણે ખેડૂતોમાં જબરદસ્ત હતાશા અને આક્રોશનું વાતાવરણ છે. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્થિતિ વધારે ખરાબ છે. આ સમયે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની ઓફિસ બંધ થઈ ગઈ હોવાનો વિડીયો વાઇરલ થયો હતો અને તેઓ ખેડૂતોના હવે ફોન પણ ઉપાડી રહ્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ વિડીયો વાઇરલ થવાની સાથે તે ખેડૂતોને સમસ્યાથી મોં સંતાડતા હોવાના આક્ષેપો પણ તેમના પર થવા લાગ્યા હતા. ખેડૂતોમાં તેવી લાગણી પ્રસરવા લાગી હતી કે તેઓ હવે ખેડૂતોની તકલીફોમાં જોડે રહેવાના બદલે મોંઢું સંતાડી રહ્યા છે, આ પ્રકારની લાગણી ફક્ત ખેડૂતોમાં જ નહીં સામાન્ય લોકોમાં પણ બળવત્તર થવા લાગી હતી. હવે આ બધી જ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જ તેનો જવાબ આપ્યો છે.
અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે આ બધુ મારા વિરોધીઓની ચાલ છે. રાજકારણમાં પડેલાના વિરોધીઓ બધે જ હોય છે. તેઓ ફક્ત ઘા કરવા માટે નબળી સ્થિતિ જોતાં હોય છે. હવે મારી ઓફિસ બંધ હોય તેના ફોટા વાઇરલ કરવાનો મતલબ શું છે તે હું પણ સમજું છું. મારી ઓફિસ ચાલું હોય ત્યારે જ કામ થતાં હોય તેવું નથી. હું આવી સ્થિતિનો સામનો કરવા ટેવાયેલો છું. હું લોકોની વચ્ચે અને ખેડૂતોની વચ્ચે રહેનારો માણસ છું. બધાએ કંઈ મારી ઓફિસે જ જવું પડે તેમ નથી. ખેડૂતોની સ્થિતિ વણસી હોય અને હું ભાગી જઉં કે મોં સંતાતો ફરું તેવો નેતા નથી.
ખેડૂતોને પડતી તકલીફોની મને જાણ છે અને તેની મેં પોતે જાત સમીક્ષા કરી પણ છે. હું આ બધા કામોમાં વ્યસ્ત હોવાના કારણે ઘણાના ફોનનો જવાબ આપી શક્યો નથી તે હકીકત છે. ચાર કે પાંચ ફોન ન ઉપડે એટલે કંઈ સ્થિતિ બદલાઈ ન જાય. આવું તો કોઈને પણ થઈ શકે છે. અત્યારે ખેડૂતોની પીડા અસહ્ય છે એટલે તેમને આ પ્રકારની લાગણી થાય તે સમજી શકાય છે, પરંતુ હું પણ જાણું છું કે અમુક સમયે મને ફોન કરનારા કોણ હોય છે. તેઓનો આની પાછળ કોઈ હેતું જ હોતો નથી. આવા તત્વોના ફોન હું ઉપાડવાના જરૂરી સમજતો નથી.
ખેડૂતની વાતોનો જવાબ આપી રહ્યા નથી તે અંગે તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યુ છે. વાત ત્યાં પૂરી થઈ જતી નથી, વાત ત્યાંથી શરૂ થાય છે. એક ધારાસભ્ય તરીકે હું મારા મતવિસ્તારના ખેડૂતો માટે ખડેપગે છું. સરકારે ટેકાના ભાવથી પણ ખરીદી શરૂ કરાવી દીધી છે અને તે જ ભાવે ખરીદી થાય અને તેમને યોગ્ય ભાવ મળે તે માટે હું પોતે પણ ધ્યાન રાખી રહ્યો છું. આ સિવાય તેમને જોઈતી બધા પ્રકારની મદદ કરવાની પણ અમારી તૈયારી છે. સરકારની સાથે-સાથે અમે દરેક રીતે ખેડૂતની મુશ્કેલી દૂર કરવા પ્રયત્નશીલ છે. આ માટે સ્થાનિક આગેવાનો, સમાજ, વિવિધ એનજીઓથી લઈને બધાની મદદ લઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
આ પણ વાંચો: મંત્રીમંડળ વિસ્તરણમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ નહીઃ ગેનીબેન ઠાકોર

