Ahmedabad News: છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ (Vishnu Dev Sai, CM Chhattisgarh)ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ (Invester Connect Event) યોજાઈ હતી. છત્તીસગઢ સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ દ્વારા અમદાવાદ (Ahmedabad)માં યોજાયેલી ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’નો મુખ્ય હેતુ ગુજરાતના રોકાણકારો સાથે ઔદ્યોગિક ભાગીદારી મજબૂત કરવાનો અને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી વ્યવસાયિક તકો વિશે ઉદ્યોગો અને રોકાણકારોને માહિતગાર કરવાનો હતો. છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(CSIDC)ના ચેરમેન રાજીવ અગ્રવાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ટેક્સટાઇલ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં રોકાણ માટેનું સ્ટ્રેટેજિક લોકેશન બનવા છત્તીસગઢ તૈયાર
થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવા ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ એનાયત કરાયા
‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ થકી છત્તીસગઢને મળ્યા અંદાજિત ₹ 33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ
– છત્તીસગઢ રાજ્ય ખનીજ સંપદા અને વન સંપદાનો ભંડાર
– મદદરૂપ ઉદ્યોગ નીતિ, સિંગલ વિન્ડો સિસ્ટમ અને માળખાગત સુવિધાઓની સરળ ઉપલબ્ધતાના લીધે રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની સ્થિતિ
– સર્વાંગી ઔદ્યોગિક વિકાસ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં છત્તીસગઢ પ્રતિબદ્ધ
છત્તીસગઢ ભગવાન શ્રી રામનું મોસાળ
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ કાર્યક્રમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, છત્તીસગઢ ભગવાન શ્રી રામ (Shree Ram)નું મોસાળ છે. રાજ્ય પાસે ખનીજ સંપદા અને વન સંપદાનો ભંડાર છે. દેશના હૃદયસ્થળની મધ્યમાં વસેલા છત્તીસગઢ રાજ્યથી દેશના લગભગ દરેક ખૂણે 100 મિનિટ જેટલા જ સમયમાં પહોંચી શકાય છે.

છત્તીસગઢમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે
રોકાણ પ્રસ્તાવ રજૂ કરનાર સૌ ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતા વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું હતું કે, છત્તીસગઢની સુચારું ઉદ્યોગ નીતિ થકી આપ સૌને ઉદ્યોગોના વિકાસ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ. છત્તીસગઢમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ (Gujarati) વસે છે. આથી ગુજરાતીઓ છત્તીસગઢમાં ઉદ્યોગ સંભાવનાઓ વિશે સુપેરે વાકેફ છે. મદદરૂપ ઉદ્યોગ નીતિ, સિંગલ વિન્ડો સિસ્ટમ અને માળખાગત સુવિધાઓની સરળ ઉપલબ્ધતા રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સુનિશ્ચિત કરે છે. અમારી સરળ ઉદ્યોગ નીતિના લીધે દશ મહિનામાં જ 7.5 લાખ કરોડના રોકાણ (Investment) પ્રસ્તાવો રાજ્યને મળ્યા છે. તેમાંથી ઘણા ઉદ્યોગોએ પોતાના નિર્માણ કાર્યો પણ શરૂ કરી દીધા છે એમ તેમણે ઉમેર્યું હતું.
હવે રાજ્યમાં નક્સલવાદ અંત તરફ છે
છત્તીસગઢ વિશે જૂની જે માન્યતાઓ હતી એ હવે રહી નથી એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં હવે રાજ્યમાં નક્સલવાદ (Naxalism) અંત તરફ છે. રાજ્યના ઉદ્યોગો (Industries)ને હવે કોઈ પણ પ્રકારના પડકારો કે ખતરો નથી. સર્વાંગી ઔદ્યોગિક વિકાસ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં છત્તીસગઢ પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ, તેમણે રોકાણકારોને છત્તીસગઢમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આપણા સૌની એકતા પ્રદર્શિત કરે છે
છત્તીસગઢના મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે ભારત પર્વની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે. એકતાનગર ખાતે સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue Of Unity) આપણા સૌની એકતા પ્રદર્શિત કરે છે.
છત્તીસગઢને અંદાજિત ₹ 33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ અંતર્ગત છત્તીસગઢ સરકારે વિવિધ રોકાણકારો અને ઉદ્યોગ સંસ્થાઓને ‘ઇન્વિટેશન ટુ ઇન્વેસ્ટ’ લેટર એનાયત કર્યા હતા, જે રાજ્યની ઝડપી રોકાણ પ્રક્રિયાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઇએ થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવા ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા. આ રોકાણોથી રાજ્યમાં 10,532થી વધુ રોજગાર (Employment) તકો સર્જાશે. ‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’ થકી છત્તીસગઢને અંદાજિત ₹ 33,000 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે.
ગુજરાતના ઉદ્યોગ સમૂહના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સાથે કરી મુલાકાત
ગુજરાતના ઉદ્યોગ સમૂહના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સાથે મુલાકાત કરી હતી. પ્રતિષ્ઠિત વાડીલાલ ગ્રૂપે (Vadilal Group) છત્તીસગઢમાં રોકાણ કરવા માટે ગાઢ રસ વ્યક્ત કર્યો હતો. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર દેવાંશુ ગાંધીએ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે યુનિટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
છત્તીસગઢ સરકારના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી (IAS) સુબોધ સિંધે પણ છત્તીસગઢમાં રોકાણની તકો વિશે ઉદ્યોગકારોને વિગતવાર જાણકારી આપી હતી.
આ તકે શિવાલક ગ્રૂપના જોઇન્ટ એમડી રાઘવેન્દ્ર સિંઘાનિયા અને વેલસ્પન ગ્રૂપના કોર્પોરેટ અફેર્સ હેડ ધ્રુવમ ઠાકુરે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા તેમના ઉદ્યોગોના વિસ્તાર અને વિકાસ માટે ઉપલબ્ધ કરાવેલ સહકાર અને સહાયરૂપ નીતિઓ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

છત્તીસગઢ સરકાર ઉદ્યોગોને આવકારવા તૈયાર છે
CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન પ્રેમરાજ કશ્યપ અને CII, છત્તીસગઢ ચેપ્ટરના ચેરમેન સંજય જૈને પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. તેઓએ છત્તીસગઢના મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, પ્રગતિશીલ નીતિઓ અને ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ ફ્રેમવર્કને પ્રકાશિત કરતી વિગતો પૂરી પાડી હતી. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં ઔદ્યોગિક વિકાસ થકી સક્રિય યોગદાન પૂરૂં પાડવા માટે છત્તીસગઢની પ્રતિબદ્ધતા રજૂ કરી કરી હતી.
છત્તીસગઢ સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સચિવ (IAS) રજત કુમારે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે છત્તીસગઢમાં ઉપલબ્ધ તકો વિશે વિગતો રજૂ કરી હતી. છત્તીસગઢ સરકાર ઉદ્યોગોને આવકારવા તૈયાર છે એમ જણાવીને તેમણે સરકારની તૈયારીઓ સહિત રાજ્યમાં ઉપલબ્ધ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રોથ રિફોર્મ્સ અને માળખાગત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમના અંતે, છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CSIDC) ના મેનેજિંગ ડિરેક્ટર (IRS) વિશ્વેશ કુમારે આભારવિધી કરતા સૌ ઉપસ્થિત રોકાણકારોનો અને કાર્યક્રમના આયોજન સહિતના તમામ સહકાર બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના લીધે રાજ્યના સુઆયોજિત ઔદ્યોગિક વિકાસને પગલે હવે અન્ય રાજ્યો પણ આ પ્રકારે ઇન્વેસ્ટર ઇવેન્ટ્સ દ્વારા રોકાણકારોને આકર્ષવાના કાર્યક્રમો યોજી રહ્યા છે.
‘ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ’માં છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ રાહુલ ભગત સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારો, રોકાણકારો, ઉદ્યોગસાહસિકો સહિત છત્તીસગઢ સરકારના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું શાનદાર સમાપન, 212 MOUથી અંદાજે 3.24 લાખ કરોડના રોકાણો…
આ પણ વાંચો: મોદીની આઠમી જાપાન મુલાકાત, ગાયત્રી મંત્રથી સ્વાગત, બુલેટ ટ્રેન અને $68 બિલિયન રોકાણની ચર્ચા!
