Ahmedabad News: અમદાવાદ શહેરના ઇસ્કોન-એસજી હાઈવે પર 20 જુલાઈ 2023ની મધરાતે થયેલા ભયાનક કાર અકસ્માતના કેસમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યંત મહત્વની સુનાવણી યોજાઈ રહી છે. આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે કેસના સૌથી મહત્વના સાક્ષી (મુખ્ય આઈ-વીટનેસ)ની વિગતવાર જુબાની નોંધવામાં આવશે.આ સાક્ષીએ અકસ્માતની રાત્રે જગુઆર કારની ઝડપ, ડ્રાઇવિંગની રીત તેમજ અકસ્માત પહેલાં અને પછીની પરિસ્થિતિ પોતાની આંખે જોઈ હતી. તેમની જુબાની કેસની દિશા અને દશા બંને નક્કી કરી શકે છે, કારણ કે અત્યાર સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થયેલા અન્ય સાક્ષીઓએ પણ તથ્ય પટેલની ઝડપી અને બેદરકાર ડ્રાઇવિંગની વાત સ્પષ્ટપણે કરી છે.
પ્રથમથ ટ્રાયલ દરમિયાન આ મુખ્ય સાક્ષી તબિયત ખરાબ હોવાનું કારણ દર્શાવી કોર્ટમાં હાજર થઈ શક્યા નહોતા. તેમણે કોર્ટમાં અરજી કરી હતી કે તેઓ ગંભીર બીમાર છે અને જુબાની આપવા સક્ષમ નથી. આ અરજી બાદ કોર્ટે પોલીસને આદેશ કર્યો હતો કે સાક્ષીની તબીબી તપાસ પોલીસ હાજરીમાં કરવામાં આવે અને તેમની તબિયત અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીને હાજર રાખવાનો આદેશ
પોલીસે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તેમજ અન્ય તબીબી નિષ્ણાતો દ્વારા સાક્ષીની સંપૂર્ણ તપાસ કરાવી હતી. મેડિકલ રિપોર્ટમાં સાક્ષી હવે જુબાની આપવા સક્ષમ છે તેવું જણાવાયું હતું. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટે આજે તેમને હાજર રાખવાનો આદેશ આપ્યો છે.
અત્યાર સુધીમાં 40થી વધુ સાક્ષીઓની જુબાની નોંધાઈ ચૂકી છે, જેમાંથી મોટા ભાગના સાક્ષીઓએ તથ્ય પટેલની કાર 100 કિ.મી.થી વધુ સ્પીડે હોવાની અને ઝિગઝેગ રીતે ચાલતી હોવાની વાતૅ કરી છે.FSL રિપોર્ટમાં પણ કારની સ્પીડ 130-150 કિ.મી.ની વચ્ચે હોવાનું જણાવાયું છે.આરોપી તથ્ય પટેલ હાલ જામીન પર બહાર છે, પરંતુ કેસમાં IPCની કલમ 304 (બે), 279, 337 સહિતની ગંભીર કલમો લાગુ કરવામાં આવી છે.
આજની સુનાવણીમાં આરોપી તથ્ય પટેલ તરફથી વરિષ્ઠ વકીલોની ટીમ મેદાને છે.આ કેસ શરૂઆતથી જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો છે, કારણ કે અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને આરોપી શરૂઆતમાં પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. આજની જુબાની બાદ કેસમાં ચાર્જ ફ્રેમ થવાના તબક્કે પહોંચવાની શક્યતા છે.

