Gandhinagar News/ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું શાનદાર સમાપન, 212 MOUથી અંદાજે 3.24 લાખ કરોડના રોકાણો…

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે…

Gujarat Gandhinagar

Gandhinagar News: પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું શાનદાર સમાપન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે,, દ્વિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેક્ટર્સમાં રોકાણો માટેના 1212 MOUથી અંદાજે 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાત (North Gujarat)માં ભવિષ્યમાં આવવાથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે.

મુખ્યમંત્રીએ જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ

* લોકોને સરકાર સાથે જોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છતાથી સેમીકંન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઉંચાઈઓ સર કરી છે.

*લોકોની સહભાગીતાથી દરેક ગામ – દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનું વડાપ્રધાનનું વિઝન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)થી પાર પડશે

*પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતાનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનના સતત માર્ગદર્શન – પાર્ટનર કંટ્રીઝ્ના સહયોગ અને દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા ટિમ ગુજરાતના કર્મયોગીઓને ફાળે જાય છે.

* પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા “વોકલ ફોર લોકલ” અને “ગામથી ગ્લોબલ”ની દિશામાં અવિરત આગળ વધવાનો વિશ્વાસ દ્રઢ બનાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે.

મુખ્યમંત્રી મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી (Ganpat University)પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો

તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, વડાપ્રધાને ગ્લોબલ વિલેજ અને વોકલ ફોર લોકલનો જે વિચાર આપ્યો તેને પ્રથમ રિજનલ કોન્ફરન્સની આ સફળતાએ બળ આપ્યું છે.

મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની આ રિજનલ કોન્ફરન્સની ફલશ્રુતિ આપતા જણાવ્યું કે, બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.

તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આવી અપ્રતિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના સતત માર્ગદર્શનને આપ્યો હતો. એટલું જ નહીં પાર્ટનર કન્ટ્રીઝ, કોન્ફરન્સમાં જોડાયેલા દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ટીમ ગુજરાતના કર્મયોગીઓને પણ તેમણે આ સફળતાના હક્કદાર ગણાવ્યા હતા.

‘ચાર્ટિંગ અ પાથ ટુવર્ડઝ વિકસિત ગુજરાત @2047’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડીને દરેક સમિટ નવી ઉર્જા, નવા રોજગાર અવસર અને નવા રોકાણો આપણને મળ્યા છે. હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રયોગ વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બન્યો છે. ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે.

પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા એવોર્ડ તેમજ MSME વુમન એવોર્ડ એનાયત કરાયા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ સમિટના વિચારને તત્કાલીન સમયે પડકારો વચ્ચે સાકાર કરીને વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર સિદ્ધિઓ અપાવી તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.

તેમણે આ દ્વિ દિવસિય કોન્ફરન્સમાં યોજાયેલા ચર્ચા સત્રો, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમ.ઓ.યુ. રિજનલ ડેવલપમેન્ટનો નવો અધ્યાય રચાશે તેવો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં યોજાનારી અન્ય પ્રદેશોની રિજનલ કોન્ફરન્સમાં પણ લોકોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

નાણામંત્રી કનુ દેસાઈ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટ યોજીને જે દૂરંદેશી દાખવી હતી, તે ફળીભૂત થઈ છે. તેમના આ મોડેલથી પ્રેરાઈને આજે અન્ય રાજ્યો પણ આવી ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે. કોરોનાકાળના પડકારો છતાં વાઇબ્રન્ટની યાત્રા અવિરત રહી છે. હવે ગુજરાતના ચાર રિજિયન પૈકી નોર્થ ગુજરાતથી રિજનલ વાઇબ્રન્ટનો પ્રારંભ થયો છે. મને ખાતરી છે કે નોર્થ ગુજરાત સમગ્ર રાજ્યનું શ્રેષ્ઠ રિજિયન બની રહેશે.”

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, “રાજ્યના દરેક ક્ષેત્રને વિકાસમાં સહભાગી બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રથમ કડીમાં બે દિવસ સુધી લઘુ, મધ્યમ અને મેગા ઉદ્યોગગૃહો તેમજ સ્ટેકહોલ્ડર્સ સાથે ગુણવત્તા, સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ અને MOU થયા છે.”

485G9502

‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’નું શ્રેષ્ઠ વાતાવરણ

મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. યુદ્ધ, ટેરિફ અને ઔદ્યોગિક સ્પર્ધાના સમયમાં પણ GST રિફોર્મ અને ₹ 12 લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સમાં છૂટ જેવા નિર્ણયો દ્વારા તેઓ ‘વિકસિત ભારત @2047’ના નિર્માણ માટે દેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’નું શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ થયું છે.

[fvplayer id=”190″]

ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું કે, “રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સમાન અને સંતુલિત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કોન્ફરન્સથી પ્રાદેશિક સ્તરે ઉદ્યોગો વચ્ચે પરસ્પર ભાગીદારી, નેટવર્કિંગ અને વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે, જેનાથી ઉદ્યોગ અને રોજગારના નવા ક્ષેત્રોને ઉભરવાની તક મળશે.”

ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે બે દિવસીય કોન્ફરન્સની સફળતાનો ચિતાર આપતાં જણાવ્યું કે, “આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો છે. 170 થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે. નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. ૮૦થી વધુ દેશોની ભાગીદારી સાથે આ સમિટ વૈશ્વિક બની છે. કૃષિ સેમિનારમાં જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ જેવા દેશોએ ભાગીદારી નોંધાવી છે. દેશ-વિદેશના મળીને કુલ 29,000 જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં 440 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.”

[fvplayer id=”192″]

મહેન્દ્રા એગ્રીના CEO અશોક શર્મા તથા વેલસ્પન ગ્રુપના CEO કપિલ મહેશ્વરીએ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનને બિરદાવતા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટેની ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને પોટેટો ફૂડ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાત (Gujarat)ની પ્રગતિ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ગણપત યુનિવર્સીટીના પ્રમુખ ગણપતભાઇ પટેલ, મહિન્દ્રાના સીઇઓ દેવીન્દર સિંઘ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…