Limbdi News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયત (Limbdi Taluka Panchayat) વિસ્તારમાં વિકાસના કામોને લઈને સરપંચો વચ્ચે મતભેદનો મુદ્દો સામે આવ્યો છે. વિકાસ કાર્યોમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાના કેટલાક આક્ષેપો સામે હવે 10થી વધુ ગામોના સરપંચોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો છે.
Limbdi Taluka Panchayat: 10થી વધુ ગામોના સરપંચો એકજૂટ
શિયાણી ગામના સરપંચની આગેવાની હેઠળ ધલવાણા, મુળબાવળા, રોજાસર સહિતના અનેક ગામોના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) હરદેવસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો નિયમ મુજબ અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કરવામાં આવી રહ્યા છે.
સરપંચોએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો દ્વારા વિકાસ કાર્યો અને બિલોની ચૂકવણી અંગે કરવામાં આવેલા આક્ષેપો તથ્યવિહોણા છે. ગ્રામ પંચાયતોમાં મંજૂર થયેલા વિકાસ કાર્યો નિયમિત રીતે આગળ વધી રહ્યા છે અને સરકારી પ્રક્રિયા મુજબ કામગીરી થઈ રહી છે.
આવેદનપત્રમાં એ પણ જણાવાયું હતું કે વિકાસના કામોને રાજકીય રંગ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી ગ્રામ્ય વિકાસની પ્રક્રિયા પર અસર થઈ શકે છે. સરપંચોએ તંત્રને રજૂઆત કરીને ખોટા આક્ષેપોને ધ્યાનમાં ન લેવા અને વિકાસની ગતિ જાળવી રાખવા અપીલ કરી હતી.
તાલુકા પંચાયત (Limbdi Taluka Panchayat) કચેરીએ સરપંચોની રજૂઆત સ્વીકારી હતી. હાલ સમગ્ર મામલો સ્થાનિક રાજકીય અને ગ્રામ્ય વિકાસ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં તંત્ર તરફથી આ મુદ્દે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત
આ પણ વાંચો:પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયતના ભાજપના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
