Diyodar news/ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત

Deodar Taluka Panchayat Election: બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતમાં ભારે રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસે 12 સભ્યોની બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. પ્રભાતભાઈ વાઘેલા પ્રમુખ તરીકે ચૂંટાયા.

Gujarat Top Stories Others
Deodar Taluka Panchayat Election

Deodar Taluka Panchayat Election: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે ઘમાસાણ અને હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં તમામ રાજકીય કાવાદાવાઓને માત આપીને કોંગ્રેસે સત્તા પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. અગાઉ અલગ-અલગ કારણોસર બે વખત ચૂંટણી રદ થયા બાદ, આજે ભારે સુરક્ષા વચ્ચે યોજાયેલી પ્રક્રિયામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે.

Deodar : બે વાર ચૂંટણી રદ થયા બાદ આખરે જંગ જીત્યું કોંગ્રેસ

મળતી વિગતો અનુસાર, દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા હસ્તગત કરવા માટે પડદા પાછળ મોટો રાજકીય ખેલ ખેલાયો હતો, જેને કારણે અગાઉ 25 અને 27 તારીખે નિર્ધારિત કરાયેલી ચૂંટણીઓ મોકૂફ રાખવી પડી હતી. આખરે આજે એસડીએમ (SDM) અને ચૂંટણી અધિકારી ડી.એન. કાછડની હાજરીમાં પ્રથમ સાધારણ સભા મળી હતી અને ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Deodar : કોંગ્રેસના 12 સભ્યોએ બહુમતીથી બનાવી બોડી

દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે ભાજપના 10 અને કોંગ્રેસના 12 સભ્યો કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ કોંગ્રેસના ફાળે ગયા છે, જેમાં પ્રમુખ પદ પર પાલડી બેઠકના કોંગ્રેસના સભ્ય પ્રભાતભાઈ વાઘેલા બહુમતીથી ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદ પર ચીભડા બેઠકના કોંગ્રેસના સભ્ય પાનાબેન ચાવડા વિજેતા બન્યા છે. આમ, કોંગ્રેસના 12 સભ્યોએ એકજૂથ રહીને પોતાની મજબૂત બોડી બનાવી છે અને વિપક્ષના તમામ ગણિતોને ઊંધા પાડી દીધા છે.

Deodar : પોલીસ છાવણી વચ્ચે મીડિયાને રખાયું દૂર

આ હાઈપ્રોફાઈલ ચૂંટણીને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આખી તાલુકા પંચાયત કચેરી જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જોકે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને ચૂંટણી હોલ અને પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આ જીત સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : દિયોદર :ચૂંટણી અધિકારીનું BP હાઈ થતાં ચૂંટણી મુલતવી

આ પણ વાંચો : વાવ-થરાદના દિયોદરના સોની ગામે યુવક-યુવતીના આપઘાતનો બનાવ

આ પણ વાંચો : દિયોદરમાં વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વીડિયો વાયરલ થતા ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ