Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોની સેવામાં નવીન 201 એસ.ટી. બસો (ST Buses)ને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.

નવી બસોમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ, ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમ (ST Corporation) ની નવી 201 બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું.

દિવાળીના તહેવારમાં સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવા 4,200 એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ
આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા (Ambaji Mela) માટે 28,000થી વધુ, પાવાગઢ (Pavagadh) આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.

એસ.ટી.નિગમ પ્રતિદિન 8,000 થી વધુ બસોના સંચાલન થકી 27 લાખથી વધુ મુસાફરોને યાતાયાત સેવાઓ પૂરી પાડે છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8,000થી વધુ બસો દ્વારા પ્રતિદિન 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગર (Gandhinagar)ના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
