પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા ફરીથી ચર્ચામાં છે. તેમણે જણાવ્યું હતું કે આપણે લગભગ દાયકા પહેલાં આંદોલન કરીને શિક્ષણમાં અનામત મેળવ્યું હતું, હવે સમય આવી ગયો છે કે આપણે ચૂંટણીમાં પણ અનામત મેળવીએ. જો કે આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ થવાનો છે ત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ આ પ્રકારના નિવેદનથી ફક્ત સામાજિક ક્ષેત્રમાં જ નહીં રાજકીય ક્ષેત્રમાં રીતસરની હલચલ મચાવી દીધી છે.
તેમણે આ અંગે ફોડ પાડીને જણાવ્યું હતું કે 27 ટકા અનામત ભલે જાહેર થઈ ગઈ હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેના માટેની અનામત બેઠકો પણ જાહેર થઈ ગઈ, પણ તે કંઈ આપણને એમને એમ મળવાની નથી. આના માટે ગામેગામથી લઈને દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા સુધી આપણે સંઘર્ષ કરવો પડશે ત્યારે આપણને આ અનામત મળશે.
અલ્પેશ કથીરિયાના નિવેદને વિવાદના વમળો પેદા કર્યા છે. તેનું સ્પષ્ટ કહેવું છે કે જાહેરાત થઈ એટલે કંઈ મળી જશે તેમ માની લેવાની જરૂર નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા અનામતનો નિયમ અમલમાં આવવાનો છે, તેથી ગામેગામ સ્થિતિ ખરાબ થશે. તેના કારણે જેના હિતોને અસર પડી છે તે લોકો બીજાને તો કશું નહીં કરી શકે, પરંતુ આપણા પર ચોક્કસ ગુસ્સો કાઢશે. આ માટે પાટીદાર સમાજે છેક ગ્રામીણ સ્તરે એકતા બતાવવાની જરૂર છે. નાની-નાની વાતમાં બીજા સમાજના લોકોના આપણી સાથેના વાદવિવાદ વધશે. આપણે વાદવિવાદનો વાદવિવાદના સ્તરે ઉત્તર પણ આપવો પડશે.
અહીં યાદ રહે કે 27 ટકા ઓબીસીનો લાભ બધા જ ઓબીસીને મળશે, પરંતુ તેની સામેનો જે પણ આક્રોશ હશે તે બધો પાટીદાર સમાજ પર ઠલવાવવાનો છે તેવી ગર્ભિત ચેતવણી અલ્પેશ કથીરિયાએ આપી હતી. પાટીદાર સમાજે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસીનો અમલ થાય તે પણ સુનિશ્ચિત કરવું પડશે, જો આ સ્તરે 27 ટકા ઓબીસી અનામતના અમલમાં જરા પણ પાછીપાની થઈ તો પછી દર વખતે પાછું જ ઠેલાતું જશે.
અલ્પેશ કથીરિયાએ પટેલ સમાજના ગ્રાસરૂટ લેવલના એટલે કે ગ્રામીણ સ્તરના સંગઠનોની રચના કરવા અને રચના થઈ હોય તો તેને મજબૂત કરવા હાકલ કરી હતી. આ 27 ટકા ઓબીસી અનામતના અમલ માટે જરૂરી હોય તો આંદોલન કરવું પડે તો તેના માટે પણ તૈયાર રહેવા હાકલ કરી હતી. તેમનો સ્પષ્ટ કહેવું હતું કે અભી નહીં તો કભી નહીં.
તેમણે જણાવ્યું હતું કે ઓબીસી અનામતનો અનામતનો અમલ થવાના કારણે ઘણાના હિતો જોખમાવવાના છે. કેટલીય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં કેટલાય મોટા રાજકીય માથાઓ કપાવવાના છે. આ બધાનો આક્રોશ આપણા પર જ ઉતરશે. આ સંજોગોમાં આપણે આપણા બચાવ માટે આપણા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, પોલીસ કે કોર્ટ પર આધારિત રહેવાના બદલે સ્વબચાવ માટેનું સંગઠન રચવું પડશે. આ સંગઠન કોઈપણ પ્રકારનું રાજકીય સંગઠન નહીં હોય. આ સગઠન સાવ તળિયાના સ્તરે એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં હશે. તેનું કામ પટેલ સમાજના લોકોની એક્તા મજબૂત રાખવાનું અને કોઈપણ પાટીદાર પર હુમલો થાય તો તેની મદદે જવાનું રહેશે.
આપણે યાદ રાખવાનું છે કે આપણે ક્યારેય કોઈના પર પહેલો હુમલો કરવાનો નથી, પણ જો આપણા પર હુમલો થાય તો સામેવાળાને જવાબ પણ એવો મળવો જોઈએ કે તેને તે યાદ રહી જાય. આપણે કાયદાના પાલનમાં માનીએ છીએ અને કાયદાનું પાલન કરીને કાયદાકીય મર્યાદામાં જ આગળ વધવાનું છે. કોઈએ કાયદાનો ભંગ કરવાનો નથી, પરંતુ સ્વબચાવ કરવો દરેકની ફરજ છે તેમાથી પણ આપણે પાછા પડીએ તેવું તો ન જ થવું જોઈએ.
આપણે દરેક સ્થિતિને પહોંચી વળવા માટે માનસિક અને શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ અને આપણો આદર્શ સરદાર પટેલ છે. તેમણે જ આપણને મુશ્કેલીઓના સામનો કેવી રીતે મક્કમતાથી કરવો જોઈએ તે શીખવાડ્યું છે. સરદાર પટેલે દરેક સ્થિતિનો સામનો કરીને આપણને ફક્ત ખેતમજૂરમાંથી એક લડાયક કોમમાં પરિવર્તીત કર્યા છે, આપણું ખમીર જગાવ્યું છે. તેમણે આપણામાં જગાવેલું આ ખમીર એળે ન જવું જોઈએ. આપણે આપણી પ્રતિષ્ઠાને ઉની આંચ આવે તેવું એકપણ કામ કરવાનું નથી, તેની સામે કોઈ આપણી પ્રતિષ્ઠા પર ઘા કરી ન જાય તે પણ જોવાનું છે.
સરદાર પટેલે સંગઠન રચવાના અને સંગઠનને મજબૂત બનાવીને સમાજને આગળ વધવાના જે સિદ્ધાંતો આપણને આપ્યા છે બસ તેના પર જ આપણે આગળ વધવાનું છે. જો આપણે આ માર્ગ પકડીશું તો આપણા વિરોધીઓ પણ આપણને સન્માન આપશે, પણ જો આ માર્ગ ચૂક્યા તો આપણા સહયોગીઓ પણ આપણાં નહી હોય. સંગઠનની શક્તિ અને સમાજ માટે કરી છૂટવાની ભાવના જ આપણને આગળ લઈ જશે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
