Gujarat News: ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ APMC અને સહકારી સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય ચર્ચાને ગરમાવી છે. મોરબીમાં કોંગ્રેસપ્રેરિત ખેડૂત પરિવર્તન પૅનલની જીત અને લોધિકામાં ભાજપ સમર્થિત ઉમેદવારોની હાર બાદ ગ્રામ્ય ગુજરાતના રાજકીય માહોલને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
મોરબીથી લોધિકા સુધી ચૂંટણી પરિણામોની ચર્ચા
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMCની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે. મોરબી(morbi) અને ધોળકા સહિત કેટલીક મહત્વની APMCમાં ભાજપપ્રેરિત પૅનલને ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરીને મોરબીની ચૂંટણીનું પરિણામ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં વીજ થાંભલા અને ખેતીની જમીનના વળતર સહિતના મુદ્દે ખેડૂતોના વિરોધ જોવા મળ્યા હતા. ત્યારે હવે APMC ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પૅનલનો દબદબો
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસપ્રેરિત ખેડૂત પરિવર્તન પૅનલના 7 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ ઉપરાંત વેપારી વિભાગની 4 બેઠકોમાંથી પણ 2 બેઠકો પર ખેડૂત પરિવર્તન પૅનલના સભ્યોનો વિજય થયો હતો.
મોરબીમાં આવેલા આ પરિણામને સ્થાનિક રાજકારણમાં ભાજપ માટે ફટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, આ પરિણામ સીધું ભાજપ વિરુદ્ધનું મતદાન છે કે સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારોની અસરનું પરિણામ છે, તે અંગે ચર્ચા ચાલી રહી છે.
લોધિકા સહકારી સંઘમાં શું થયું?
બીજી તરફ લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ(BJP) સમર્થિત 15 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો. મળતી વિગતો પ્રમાણે, આ બંને ઉમેદવારોને હરાવનારા ઉમેદવારો જયેશ રાદડિયા જૂથ સાથે જોડાયેલા હોવાનું અને સ્થાનિક સ્તરે ભાજપથી નારાજ નેતાઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
આથી લોધિકાના પરિણામને માત્ર ભાજપ વિરુદ્ધના મત તરીકે જોવું યોગ્ય છે કે તેની પાછળ સ્થાનિક જૂથબંધી અને સહકારી રાજકારણની ભૂમિકા છે, તે પણ મહત્વનો સવાલ છે.
શું ખેડૂત આંદોલનની અસર ચૂંટણીમાં જોવા મળી?
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વીજ થાંભલા, ખેતીની જમીન અને વળતર સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના વિરોધ બાદ સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા અને ઉકેલ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
હવે APMC અને સહકારી ચૂંટણીઓમાં સામે આવેલા પરિણામોને કેટલાક લોકો આ સ્થાનિક અસંતોષ સાથે પણ જોડી રહ્યા છે. જોકે, ચૂંટણી પરિણામો પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ એક તારણ પર પહોંચવું હાલ વહેલું ગણાય.
બારડોલીથી ઈડર સુધી સહકારી ચૂંટણીની ચર્ચા
માત્ર મોરબી અને લોધિકા જ નહીં, ઑગસ્ટ મહિનામાં બારડોલીની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં પણ ભાજપ સમર્થિત પૅનલને હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ સ્થાનિક સહકારી સંસ્થાઓ અને APMCની ચૂંટણીઓના પરિણામોએ ભાજપના સંગઠન અને ગ્રામ્ય રાજકારણને લઈને ચર્ચા ઊભી કરી છે.
શું 2027ની વિધાનસભા ચૂંટણી માટે આ સંકેત છે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું APMC અને સહકારી ચૂંટણીઓના પરિણામોને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંના રાજકીય સંકેત તરીકે જોવામાં આવે?
રાજકીય વિશ્લેષકોના મતે, APMC અને સહકારી સંસ્થાઓની ચૂંટણીનું ગણિત વિધાનસભાની ચૂંટણી (Legislative Assembly Election)
કરતાં અલગ હોય છે. આ ચૂંટણીઓમાં સ્થાનિક સંબંધો, વ્યક્તિગત પ્રભાવ, જૂથબંધી અને સહકારી રાજકારણની મોટી ભૂમિકા હોય છે.
પરંતુ બીજી તરફ, આવી ચૂંટણીઓ દ્વારા ગ્રામ્ય મતદારોનો મૂડ અને સ્થાનિક અસંતોષનો અંદાજ ચોક્કસપણે મેળવી શકાય છે.
ગ્રામ્ય ગુજરાતમાં બદલાઈ રહ્યાં છે રાજકીય સમીકરણો?
મોરબીથી ધોળકા અને લોધિકા સુધીના ચૂંટણી પરિણામોએ એક સવાલ જરૂર ઊભો કર્યો છે—શું ગ્રામ્ય ગુજરાતમાં ભાજપ સામે સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે? કે પછી આ પરિણામો માત્ર સ્થાનિક જૂથબંધી, વ્યક્તિગત પ્રભાવ અને સહકારી રાજકારણનું પરિણામ છે?
હાલ આ અંગે ચોક્કસ તારણ કાઢવું મુશ્કેલ છે. આગામી સ્થાનિક ચૂંટણીઓ અને અંતે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોનો નિર્ણય જ આ ચર્ચાનો સાચો જવાબ આપશે.
આ પણ વાંચો: નસવાડી APMC ચૂંટણી પરિણામ: ભાજપ પ્રેરિત સહકાર પેનલનો વિજય, ખેડૂત વિભાગની 10 બેઠકો કબજે
આ પણ વાંચો: બહુચરાજી APMC ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત, 9 સપ્ટેમ્બરે મતદાન
આ પણ વાંચો: APMC કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ
