Rajkot News/ સ્વામીનારાયણના હરિભક્તના નિવેદનને લઈ સગર સમાજમાં રોષ, કલેકટરને આપ્યું આવેદન, ‘પ્રબોધ સ્વામીએ મહાકુંભમાં ગંગાના પ્રવાહને પવિત્રતા આપી’ તેમ કહ્યું હતું

સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા એક નિવેદનથી સગર સમાજની લાગણી દુભાઈ છે અને તેને કારણે આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું.

Gujarat Rajkot

Rajkot News : સ્વામિનારાયણ સંપ્રદાયના મુંબઈના ઘાટકોપરમાં એક કાર્યક્રમમાં એક હરિભક્ત દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે સગર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરિભક્તે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે’. આ નિવેદનથી સગર સમાજની લાગણી દુભાઈ છે અને તેને કારણે આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલેક્ટર પ્રભવ જોશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર એ.કે. ગૌતમને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સગર સમાજે જણાવ્યું હતું કે, પવિત્ર ગંગામૈયાને ધરતી પર લાવવાનું શ્રેય સગર સમાજના પૂર્વજ અને મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાને જાય છે. તેમની હજારો વર્ષની તપસ્યાના પરિણામે ગંગા નદી પૃથ્વી પર આવી અને લોકોનું કલ્યાણ થયું. સમગ્ર લોકકલ્યાણ માટે ગંગા મૈયાનું મહત્વ અને પવિત્રતા અવિચળ છે.

સગર સમાજે હરિભક્તના નિવેદનને તદ્દન ખોટું અને બફાટ ગણાવ્યું છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, વાયરલ થયેલા વીડિયોમાં હરિભક્ત જે કહી રહ્યા છે તે સમજવું મુશ્કેલ છે, પરંતુ તેમના નિવેદનથી સગર સમાજને ખૂબ જ દુઃખ થયું છે. સગર સમાજને કોઈ પણ સંપ્રદાય સાથે વાંધો નથી, પરંતુ આ નિવેદન કરનાર પ્રબોધ ગ્રુપના હરિભક્ત સામે સખત વાંધો છે. સમાજે માંગણી કરી છે કે આ પ્રકારનું નિવેદન કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.

આવેદનપત્રમાં રામાયણ, મહાભારત અને રામચરિત માનસ જેવા પવિત્ર ગ્રંથોમાં ગંગાજીને પૃથ્વી પર લાવનાર રાજા ભગીરથનો ઉલ્લેખ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સગર સમાજે ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ આ બાબતે માફી ચલાવી લેશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ ગંગામૈયાના શરણે જવાથી પવિત્ર બને છે, તે જ વ્યક્તિ ગંગામૈયા વિશે આવું નિવેદન કેવી રીતે કરી શકે? સગર સમાજે ચેતવણી આપી છે કે જો ગંગામૈયા વિશે કોઈ પણ વ્યક્તિ બફાટ કરશે તો સમાજ તેને ક્યારેય સાંખી લેશે નહીં.

સમાજે માંગણી કરી છે કે આ પ્રકારનું નિવેદન કરનાર હરિભક્તને કડકમાં કડક સજા થવી જોઈએ. આવેદનપત્રના અંતમાં સગર સમાજે ચીમકી આપી છે કે જો વહેલી તકે આ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન પર ઉતરશે.

આ ઘટનાને કારણે સગર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાના પૂર્વજોનું અપમાન સહન કરવાના મૂડમાં નથી. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર આ મામલે શું કાર્યવાહી કરે છે અને સગર સમાજની માંગણીને કેટલી ગંભીરતાથી લે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા અને કહ્યું…

આ પણ વાંચો: રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં, દ્વારિકાધીશ વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં રોષ

આ પણ વાંચો: હળવદમાં ચારણબાઈ પર સ્વામીનો બફાટ, ચારણ સમાજમાં રોષ