Junagadh News : જૂનાગઢ(Junagadh) શહેરમાં લાંબા સમય બાદ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા સોના-ચાંદીના વેપારીઓમાં ચકચાર મચી છે. શહેરના જાણીતા જેડી જ્વેલર્સ ખાતે GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે છેલ્લા બે દિવસથી સતત ચાલી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ(Junagadh)માં ટેક્સ ચોરીની શંકાના આધારે GST વિભાગની અલગ-અલગ ટીમો જેડી જ્વેલર્સના વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. અધિકારીઓએ દુકાનના હિસાબ-કિતાબ, ખરીદી-વેચાણના રેકોર્ડ, બિલિંગ અને અન્ય નાણાકીય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી હાથ ધરી છે.
જૂનાગઢ(Junagadh)માં સચ્ર દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત
ગત રોજ મોડી રાત્રે પણ GST અધિકારીઓએ ત્રણ કલાકથી વધુ સમય સુધી સર્ચ કામગીરી ચાલુ રાખી હતી. આ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો અને ટેક્સ સંબંધિત વિસંગતતાઓ સામે આવી હોવાનું વિભાગીય સૂત્રો જણાવી રહ્યા છે.

આ કાર્યવાહી બાદ જૂનાગઢ(Junagadh)શહેરના અન્ય સોના-ચાંદીના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કારણ કે GST વિભાગે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં અન્ય પેઢીઓ પર પણ તપાસનો દોર હાથ ધરાઈ શકે છે. ખાસ કરીને જે વેપારીઓના રેકોર્ડમાં ગડબડ કે શંકાસ્પદ લેવડદેવડ જોવા મળશે, તેમની સામે પણ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
હાલ જીએસટી વિભાગની તપાસ ચાલુ હોવાથી અંતિમ તારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, આ સર્ચ ઓપરેશનને લઈને જૂનાગઢ(Junagadh)નાં વેપારી વર્ગ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
