Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના કર્મચારીઓના વ્યાપક હિતમાં કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે. જેની જાહેરાત કરતાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવેથી એપીએમસીના કર્મચારીઓને નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થાં ચૂકવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીએ આ અંગે વિસ્તૃત વિગતો આપતા ઉમેર્યું હતું કે, જે એપીએમસીનો કુલ મહેકમ ખર્ચ ‘બજારના નિયમો’ મુજબ 40 ટકાની મર્યાદામાં રહેતો હશે, તેવી તમામ એપીએમસી નાણાકીય શિસ્તને ધ્યાને રાખીને પોતાના કર્મચારીઓને મહત્તમ બે પગાર સુધીનું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે. આ નિર્ણયથી રાજ્યની 224 એપીએમસીના આશરે 3,000થી વધુ કર્મચારીઓને સીધો લાભ મળશે.

સહકાર મંત્રીએ જણાવ્યું કે, એપીએમસીના સુદ્રઢ વહીવટી અને નાણાકીય હિતોની રક્ષા સાથે તેના કર્મયોગીઓનું કલ્યાણ કરવું એ પણ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ-ગાંધીનગર દ્વારા કરાયેલી રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી સાથે કરેલી ઉચ્ચ સ્તરીય વિચારણા બાદ આ મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બજાર ફંડના સદુપયોગ અને ભથ્થાંની ચૂકવણી અંગે રાજ્ય સરકારે કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરી છે. પરંતુ, કર્મચારીઓના હિતોને ધ્યાને રાખીને, વચગાળાનો સકારાત્મક મધ્યમ માર્ગ અપનાવીને બોનસ ચૂકવવાની કાયદેસરની છૂટછાટ આપી છે; જ્યારે બોનસ સિવાયની અન્ય વહીવટી શરતો અગાઉ મુજબ યથાવત રાખવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે APMCના કર્મચારીઓમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહની હેલી વ્યાપી ગઈ છે. આ કલ્યાણકારી નિર્ણયને સહર્ષ આવકારતાં કર્મચારી સંઘના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
