Kutch News/ કોંગોમાં ફસાયેલા ગુજરાતી પ્રોફેસરની સુરક્ષિત વાપસી, ગુજરાત સરકારનો સફળ પ્રયાસ

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Congo)ના ગોમા શહેરમાં લગભગ એક મહિના સુધી ફસાયેલા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર (Bhuj Professor) ડો. અમીન સમા (Dr Amin Sama)ની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ આખરે મોકળો બન્યો છે

Top Stories Gujarat Others
ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. અમીન સમા (Dr Amin Sama) 15 મે, 2026ના રોજ રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના મિત્રને મળવા કાયદેસર રીતે કોંગો (congo)ના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા

Kutch News : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Congo)ના ગોમા શહેરમાં લગભગ એક મહિના સુધી ફસાયેલા ભુજના આસિસ્ટન્ટ પ્રોફેસર (Bhuj Professor) ડો. અમીન સમા (Dr Amin Sama)ની સુરક્ષિત વતન વાપસીનો માર્ગ આખરે મોકળો બન્યો છે. ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF), ભારતના વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના સંકલિત પ્રયાસોના પરિણામે તેમને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ મંજૂરીઓ મળી ગઈ છે.

પોતાના મિત્રને મળવા કાયદેસર રીતે કોંગો (congo)ના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા

મળતી માહિતી અનુસાર, ભુજની શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. અમીન સમા (Dr Amin Sama) 15 મે, 2026ના રોજ રવાંડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના મિત્રને મળવા કાયદેસર રીતે કોંગો (congo)ના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા. જોકે, ઇબોલા ફાટી નીકળવાની આશંકાને કારણે રવાંડાએ ડીઆરસી સાથેની સરહદ અચાનક બંધ કરી દેતાં તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા.

સરહદ બંધ થતાં તેમની 31 મેની ભારત પરત આવવાની ફ્લાઇટ પણ ચૂકી ગઈ હતી. મુશ્કેલીમાં મુકાયેલા ડો. સમાએ મદદ માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. મામલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરી સુધી પહોંચતાં જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF)એ વિદેશ મંત્રાલય અને સંબંધિત ભારતીય દૂતાવાસો સાથે સતત સંકલન સાધ્યું હતું. 10 જૂનથી શરૂ થયેલા પ્રયાસો દરમિયાન નવી દિલ્હી, રવાંડા અને ડીઆરસી સંબંધિત ભારતીય મિશનો સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો હતો.

અધિકારીઓએ ડો. સમાની સ્થિતિ પર સતત નજર રાખી હતી અને જરૂરી મંજૂરીઓ મેળવવા માટે દિવસ-રાત પ્રયાસો કર્યા હતા. ડો. સમાએ પણ સત્તાધિકારીઓને ખાતરી આપી હતી કે તેઓ કોઈ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાં ગયા નહોતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા.

સતત અનુસરણ અને રાજદ્વારી પ્રયાસોના પરિણામે 17 જૂનના રોજ ડો. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ મળી ગઈ હતી. હવે તેઓ 18 જૂને સુરક્ષિત રીતે ભારત પરત ફરશે.

મંજૂરી મળ્યા બાદ ડો. અમીન સમાએ ગુજરાત સરકાર (Gujarat Government), NSGF, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મુશ્કેલ સમય દરમિયાન મળેલી મદદ તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ રહી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતા અડગ છે. આ સફળ કામગીરી એ દર્શાવે છે કે વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકાર સતત સજ્જ અને સંવેદનશીલ છે.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત સરકાર, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનો વચ્ચેના અસરકારક સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.


આ પણ વાંચો : 20 ગુજરાતીઓ રશિયામાં ફસાયા, લાખોના પગારની લાલચ આપી મોકલ્યાનો આક્ષેપ

આ પણ વાંચો : નોકરીની લાલચમાં વિદેશમાં ફસાઈ બે ગુજરાતી બહેનો, સાંસદ મિતેશ પટેલે કરાવ્યો સુરક્ષિત બચાવ

આ પણ વાંચો : યુદ્ધની આગમાં ગુજરાતીઓ ફસાયા! દુબઈ અને ઈઝરાયલમાં અટવાયેલા સ્વજનો માટે પરિવારોની સરકારને પોકાર