gujrat news/ યુદ્ધની આગમાં ગુજરાતીઓ ફસાયા! દુબઈ અને ઈઝરાયલમાં અટવાયેલા સ્વજનો માટે પરિવારોની સરકારને પોકાર

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે પાલનપુર, પોરબંદર અને અમદાવાદના અનેક ગુજરાતીઓ (Gujaratis Stuck) દુબઈ, મક્કા અને ઈઝરાયેલમાં ફસાયા છે. પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે.

Top Stories Gujarat Others
Gujaratis Stuck in Israel Iran War

Gujaratis Stuck in Israel Iran War: સાત સમંદર પાર ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધના ધડાકા હવે ગુજરાતના ઘર-ઘર સુધી સંભળાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વણસતા એરસ્પેસ બંધ થવાને કારણે સેંકડો ગુજરાતીઓ વિદેશમાં અટવાઈ ગયા છે. બનાસકાંઠા, અમદાવાદ અને પોરબંદરના અનેક પરિવારો પોતાના સ્વજનોને હેમખેમ પાછા લાવવા માટે ભારત સરકાર સામે મદદની આજીજી કરી રહ્યા છે.

પાલનપુરના યુવાનો દુબઈમાં અટવાયા (Gujaratis Stuck)

બનાસકાંઠાના પાલનપુરથી રોજગારી અર્થે દુબઈ ગયેલા 20 જેટલા યુવાનો ત્યાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાઈ ગયા છે. આ યુવાનોના જણાવ્યા મુજબ, તેઓ હાલ ભલે સુરક્ષિત સ્થળે છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા મિસાઈલ હુમલા અને સતત વાગતી સાયરનોના અવાજોથી તેમનામાં ભારે ફફડાટ ફેલાયો છે. યુદ્ધની ગંભીર સ્થિતિને કારણે ફ્લાઈટ્સ રદ થઈ હોવાથી તેઓ ઈચ્છવા છતાં વતન પરત ફરી શકતા નથી. બીજી તરફ, અહીં તેમના ચિંતિત માતા-પિતા વીડિયો કોલ દ્વારા સતત પોતાના દીકરાઓના ખબર-અંતર પૂછી રહ્યા છે, પરંતુ તેમનો જીવ તાળવે ચોંટ્યો છે.

Gujaratis Stuck in Israel Iran War

મક્કામાં 55 અમદાવાદીઓની હાલત કફોડી

પવિત્ર ઉમરાહની યાત્રાએ ગયેલા અમદાવાદના યાત્રિકો પણ મક્કામાં ગંભીર મુસીબતમાં મુકાયા છે. યુદ્ધના કારણે ફ્લાઈટ્સ રદ થતાં 55 જેટલા અમદાવાદીઓ ત્યાં એક હોટલમાં અટવાયા છે, જ્યાં યુદ્ધની સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને હોટલ સંચાલકોએ ભાડામાં તોતિંગ વધારો કરી દેતા ગુજરાતી પરિવારો આર્થિક સંકટમાં આવી ગયા છે. આ વિકટ સ્થિતિમાં ફસાયેલા યાત્રિકોએ વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને તાત્કાલિક રજૂઆત કરી છે કે તેમને વહેલી તકે એરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે.

લોકોએ વીડિયો બનાવી માંગી મદદ

બીજી તરફ, જે મુખ્ય યુદ્ધ ક્ષેત્ર છે તેવા ઈઝરાયેલમાં પણ પોરબંદરના 10થી વધુ લોકો ફસાયા હોવાના ચિંતાજનક અહેવાલ મળ્યા છે. ત્યાં રહેતા એક ગુજરાતી યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર છે અને તેઓ સતત ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારોની કેન્દ્ર સરકાર પાસે માત્ર એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ‘ઓપરેશન ગંગા’ કે ‘ઓપરેશન અજય’ જેવું વિશેષ રેસ્ક્યુ મિશન હાથ ધરવામાં આવે અને તેમના બાળકોને સહી-સલામત ગુજરાત પરત લાવવામાં આવે.


આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા

આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો

આ પણ વાંચો: ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા