Punjab News : પંજાબમાં આમ આદમી પાર્ટી(AAP Punjab)ની મુશ્કેલીઓ વધી રહી છે. પાર્ટીને વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. અમૃતસર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને ભૂતપૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું (Punjab MLA Resignation)આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાનને મોકલી આપ્યું છે. આ ઘટનાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
કુંવર વિજય પ્રતાપ સિંહે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાજીનામા પત્રની નકલ શેર કરીને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની જાણકારી આપી હતી. પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનું રાજીનામું 1 નવેમ્બર, 2026થી અમલમાં આવશે.

આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે AAP માટે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે દિવસમાં ત્રણ ધારાસભ્યો સાથે જોડાયેલા રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ ચેતન સિંહ જોડમજરા અને હરમીત સિંહ પઠાણમજરાએ પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
AAPમાં રાજીનામાનો સિલસિલો, ત્રણ ધારાસભ્યોના નિર્ણયથી ખળભળાટ
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP Punjab)માટે એક પછી એક રાજકીય પડકારો ઊભા થઈ રહ્યા છે. ચેતન સિંહ જોડમજરા (સામના) અને હરમીત સિંહ પઠાણમજરા (સનૌર)એ રવિવારે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કુંવર વિજય પ્રતાપ સિંહના વિધાનસભા સભ્યપદેથી રાજીનામાની (Punjab MLA Resignation)જાહેરાતે રાજકીય ગરમાવો વધાર્યો છે.
કુંવર વિજય પ્રતાપ સિંહ અગાઉથી જ પાર્ટી અને સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા રહ્યા હતા. તેમને ગયા વર્ષે જૂનમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બિક્રમ મજીઠિયાની ધરપકડ સામે ઉઠાવ્યા હતા સવાલ
કુંવર વિજય પ્રતાપ સિંહે (Kunwar Vijay Pratap)શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામે પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. અપ્રમાણસર સંપત્તિના કેસમાં મજીઠિયાની ધરપકડ થયા બાદ પણ તેમણે આ કાર્યવાહી અંગે પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી.
આ મુદ્દે તેમના નિવેદનોને પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓ તરીકે જોવામાં આવ્યા હતા. પરિણામે જૂન 2025માં તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ અનેક મુદ્દાઓ પર ભગવંત માન સરકારની નીતિઓ અને કામગીરીની ટીકા કરતા રહ્યા હતા.
2015ના ગોળીબાર કેસમાં ન્યાયના વિલંબથી હતા નારાજ
કુંવર વિજય પ્રતાપ સિંહે (Kunwar Vijay Pratap)2015માં પંજાબમાં બનેલી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન અને ત્યારબાદ થયેલા પોલીસ ગોળીબારના કેસોમાં ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ અંગે વારંવાર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ કોટકપુરા અને બહેબલ કલાન પોલીસ ગોળીબારની ઘટનાઓની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
તેમણે વિધાનસભામાં પણ આ મુદ્દાને અનેક વખત ઉઠાવ્યો હતો. આ ઉપરાંત અમૃતસરમાં નકલી દારૂ પીવાથી 20થી વધુ લોકોનાં મોત થયા બાદ રાજ્ય સરકારની કામગીરી સામે પણ સવાલો કર્યા હતા.
IPS અધિકારીમાંથી રાજકારણમાં આવ્યા હતા કુંવર વિજય પ્રતાપ
કુંવર વિજય પ્રતાપ સિંહે વર્ષ 2021માં પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ અમૃતસર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
હવે તેમના રાજીનામાથી પંજાબના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. સતત ત્રણ ધારાસભ્યો સાથે જોડાયેલા રાજીનામાના ઘટનાક્રમ બાદ ભગવંત માન સરકાર અને AAPના સંગઠન સામે નવા રાજકીય પડકારો (Bhagwant Mann Government)ઊભા થયા છે.
