Gujarat News : 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જનાર અને તેની સાથે વારંવાર દુષ્કર્મ (Rape)આચરનાર આરોપીને કલોલ (Kalol)ની પોક્સો કોર્ટે (POCSO Court) કડક સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, એક લાખ રૂપિયાનો દંડ તેમજ પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહેશ રાવળે ઓક્ટોબર 2025 દરમિયાન 17 વર્ષીય સગીરા (Minor Girl)ને લગ્ન કરવાની લાલચ આપી પોતાના સાથે લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી સગીરાને ચોટીલા નજીક આવેલા વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
આ બનાવ અંગે કલોલ (Kalol)શહેર પોલીસ સ્ટેશનમાં પોક્સો અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો.
સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા. દલીલ દરમિયાન એ પણ જણાવાયું હતું કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ પોક્સો હેઠળ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો, જેના કારણે આરોપી સગીરાઓને નિશાન બનાવવાની વૃત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું.
ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદામાં જણાવ્યું હતું કે બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણમાં વિકાસ કરવાનો મૂળભૂત અધિકાર છે. સગીર વયની બાળકી પર થયેલું યૌન શોષણ તેના માનસિક અને સામાજિક જીવન પર ગંભીર અસર કરે છે.
કોર્ટે નોંધ્યું હતું કે આરોપીના કૃત્યના કારણે એક નિર્દોષ સગીરાના જીવન પર લાંબા ગાળાની અસર પડી છે. તેથી આરોપી પ્રત્યે કોઈ દયા દાખવવા યોગ્ય નથી. આ આધારે કોર્ટે 20 વર્ષની સખત કેદ, એક લાખ રૂપિયાનો દંડ અને પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
