ગુજરાત વિધાનસભામાં મંત્રીમંડળના વિસ્તરણનો મમરો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે એવો તરતો મૂક્યો છે કે પક્ષના રીતસરના સૂઈ ગયેલા વિધાનસભ્યોમાં જાણે ચેતનાની ધાર આવી ગઈ છે. દરેક વિધાનસભ્ય અને તેમના સમર્થકોનું જૂથ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા ઘોડાની જેમ હણહણાટ કરવા માંડ્યું છે. તેઓ જાણે સંકેત આપી રહ્યા છે કે તેઓ તો દોડવા તૈયાર જ છે, બસ તેમને રેસમાં ઉતારો. પછી તેઓ તેમનું કૌવત બતાવશે.
આવું જ હોય તો પછી અલ્પેશ ઠાકોર પણ કેમ બાકી રહે, તેમણે પણ તેમની ઠાકોર સેનાને સાબદી કરી દીધી છે. તેથી આગામી દિવસોમાં તે પણ સરકાર સામે કોઈ વાતને લઈને ધોકો પછાડતા જોવા મળે કે મોટો રાજકીય કાર્યક્રમ કરતાં જોવા મળે તો આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આમ પણ ઘણા સમયથી તેમણે કોઈ રાજકીય કાર્યક્રમ હાથ ધર્યો નથી.
અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના ખાસ કરીને પરપ્રાંતીયોસ મેના આંદોલનના કારણે ગુજરાતમાં વધારે જાણીતી થઈ ગઈ હતી. તેના લીધે તેમને ગુજરાતીઓ તરફથી ખાસ્સું સમર્થન પણ મળ્યું હતું. આના કારણે ઠાકોર સેનાની જાણે ગુજરાતીઓના અવાજ તરીકેની એક ઓળખ પણ ઊભી થઈ હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો ગુજરાતીઓએ ઠાકોર સેનાના કાર્યને બિરદાવ્યુ હતુ. આ આંદોલનના કારણે ગુજરાતમાં સ્થપાતા ઉદ્યોગમાં 85 ટકા ગુજરાતીઓને જ નોકરી પર રાખવામાં આવે તેવો નિયમ પણ સરકારે લાવો પડ્યો હતો, જો કે તેનું હવે કેટલું પાલન થાય છે તે જુદી વાત છે. આમ છતાં ગુજરાતમાં ગુજરાતીઓને જ નોકરી મળતી નથી તે વાત ઉઠાવવામાં ઠાકોર સેનાને સફળતા મળી હતી.
આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ અનામત આંદોલન, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો. તેના કારણે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું નામ બોલાતુ હતુ અને તેની પ્રતિષ્ઠા પણ ઊંચે ગઈ હતી. સરકાર પણ ઠાકોર સેનાનો અવાજ સાંભળતી હતી, પરંતુ આ બધાના કારણે અલ્પેશ ઠાકોરને પણ પ્રતિષ્ઠા મળી અને તેને ભાજપમાં જોડાવવાની તક મળી. પણ ભાજપમાં જોડાયા પછી અલ્પેશ ઠાકોરે આંદોલન કરવું જેવું કશું રહ્યું જ નહીં.
જો કે લઠ્ઠાકાંડ થયો ત્યારે ઠાકોર સેના સક્રિય બની હતી, પરંતુ તે સિવાય હાલમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના નિષ્ક્રીય બની ગયા હોવાનું લાગણી પ્રવર્તી રહી છે. હવે અલ્પેશ ઠાકોર આ નિષ્ક્રીયતાની ધૂળ ઉડાડવા માંગે છે. અલ્પેશ ઠાકોરને પણ લાગ્યું છે કે આ નિષ્ક્રિયતા ક્યાંક આગામી સમયમાં તેમને સાવ કોરાણે ન મૂકી દે.
તેથી તે સક્રિય થઈ ગયા છે. ગુજરાતમાં કહેવાય છે કે સૌથી વધુ વસ્તી હોય તો તે ઠાકોર સમાજની છે. ગુજરાતની કુલ વસ્તીનો 35થી 40 ટકા હિસ્સો ઠાકોરોનો હોવાનું કહેવાય છે. આમ છતાં પણ હજી સુધી ઠાકોર સમાજને જોઈએ તેવું જનપ્રતિનિધિત્વ મળતું નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોઈ ઠાકોર મુખ્યપ્રધાન તો ઠીક મંત્રી પણ માંડ-માંડ બની શકે છે. આ જોતાં આગામી દિવસોમાં ઠાકોર સમાજને અન્યાયના નેજા હેઠળ આદોલનની કવાયત શરૂ થાય તો આશ્ચર્ય નહીં થાય.
હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યુ તે સમયે તેમને સમાંતર ઉભરી આવેલા નામમાં અલ્પેશ ઠાકોર પણ હતા. ઠાકોર સમાજે પણ તેમને આગેવાન તરીકે સ્વીકાર્યા છે. તેમણે ઠાકોર સેના ઊભી કરી છે, જેનો સારો એવો દબદબો પણ છે. હાર્દિક પટેલના સમયે અલ્પેશ ઠાકોર જેટલા સક્રિય હતા તેટલા સક્રિય આજે નથી, પરંતુ આજે પણ ઠાકોર સમાજના સર્વેસર્વા માનવામાં આવે છે.
જો કે અલ્પેશ ઠાકોર અંગે એક વાત એવી છે કે તે કોઈપણ આંદોલન તો ઝડપથી શરૂ કરી દે છે અને સારી રીતે ચલાવે પણ છે, સંગઠન ચલાવવાની પણ તેમનામાં સૂઝ છે. પણ તે માની બહુ જલ્દી જાય છે. તેમના દરેક આંદોલનોમાં સરકાર તેમને મનાવવામાં સફળ રહી છે તે સરકારના પક્ષે જમા પાસુ છે. અહીં જ વાત અટકે છે. તે સરકાર સાથે જોઈએ તેવી વાટાઘાટ કરી શકતા નથી. તેના કારણે હજી પણ ઠાકોરોને જેટલું પ્રતિનિધિત્વ જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળ્યું નથી.
બસ હવે અલ્પેશ ઠાકોરે અહીં જ થોડું મજબૂત વલણ અપનાવવાની જરૂર છે. જો તેઓ તેમ કરી શકશે તો તેનો ફાયદો તો ઠાકોર સમાજને જ થશે. અલ્પેશ ઠાકોર અલ્પમાં માની જાય છે તેવી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે. અલ્પેશ ઠાકોરે અહીં જ તેમનો અભિગમ બદલવાની જરૂર છે. આ મોરચે જો તેઓ તેમનો અભિગમ બદલી શક્યા તો તેમને મંત્રીપદ મેળવતા કોઈ રોકી શકે તેમ નથી. વળી તે 40 ટકા ઠાકોરોનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી તેમને મંત્રીપદ માટે કોઈપણ રીતે ગેરકાયક ઠેરવવાનો સવાલ પણ ઉદભવતો નથી. તેમણે આ એક જ પાસા પર મહેનત કરવાની છે. તેમની મહેનત પર જ ઠાકોર સમાજના ભવિષ્યનો આધાર છે. જો તેમને સફળતા મળી તો ઠાકોર સમાજનું ભવિષ્ય ઉજળું થશે. હવે મંત્રીપદમાં અલ્પેશ ઠાકોરનો નંબર લાગે છે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ કમસેકમ દાવેદારોમાં તો ચોક્કસપણે સ્થાન મળશે તેમ રાજકીય સમીક્ષકો કહે છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ન્યૂડ પાર્ટી : માનવ સંસ્કૃતિના ઉતરતાં ‘કપડા’
આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા
આ પણ વાંચો: MANTAVYA Vishesh/લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના
