અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નો સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ‘વ્હાઇટ એલિફન્ટ’ સાબિત થઈ રહ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે એકબાજુએ અમદાવાદને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો હોવાનો ઢંઢેરો તંત્ર પીટી રહ્યું છે તો બીજી બાજુએ રિવરફ્રન્ટ પરના શૌચાલયો ગંદકીથી ભરેલા છે, આ સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાનો એવોર્ડ કઈ રીતે લઈ આવ્યું તે મોટો સવાલ છે.
જો કે વાત ફક્ત રિવરફ્રન્ટના શૌચાલયોએ જ પૂરી થઈ જતી નથી, હજી પણ ઘણુ બધુ છે. રિવરફ્રન્ટને લગતા દરેક પ્રોજેક્ટનું બાળમરણ થયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. પછી આ પ્રોજેક્ટ ઝીપ લાઇનનો હોય, સી-પ્લેનનો હોય, હેલિકોપ્ટર રાઇડ, કાયાકિંગ, રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આમાંથી કોઈને પણ સફળતા મળી નથી. કોઈપણ પ્રોજેક્ટ શરૂ થાય તો તેનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં આવે છે, તે ટકાઉ છે કે નહીં તે ચકાસવામાં આવે છે. સાબરમતી રિવરફન્ટ કંપનીએ આટલા બધા પ્રોજેક્ટ શરૂ કર્યા તેમાથી કોઈપણ સફળ જ ન થયો, શું તેઓ કોઈપણ પ્રકારનો અભ્યાસ જ કરતાં નથી. કોઈ એકાદી યોજના નિષ્ફળ થાય તો સમજી શકાય, પરંતુ આટલા બધા પ્રોજેક્ટમાંથી એકપણ ચાલ્યો નહીં. શું આ બધા પ્રોજેક્ટ એવા તે કયા મૂહુર્તમાં કર્યા હતા કે એકપણ ચાલ્યા જ નહીં. આ બધા પ્રોજેક્ટ નિષ્ફળ ગયા એટલે એમ જ કહી શકાય કે પ્રજાના રૂપિયાનું AMCએ પાણી જ કર્યુને.
AMC પાસે આવા નિષ્ફળ ગયેલા પ્રોજેક્ટો પાછળ ઉડાડવાના રૂપિયા છે, પરંતુ પ્રજાને ગટર, પાણી, સારા રસ્તા જેવી સગવડો પૂરી પાડવાની કે રસ્તા પરના ખાડા ભરવાના રૂપિયા નથી. ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવો નથી, પણ આ પ્રકારના પ્રોજેક્ટોના તાયફા કરવા છે. આ જોતાં તો એવું જ લાગે છે કે AMCનું મુખ્ય કામ જાણે પ્રજાકીય કાર્યો કરવાનું નહીં, પરંતુ તાયફાનું છે. તાયફામાંથી નવરાશ મળે ત્યારે AMC પ્રજાકીય કાર્યો કરવાનું વિચારેને !
આ ઉપરાંત રિવરફ્રન્ટ બનાવાયો ત્યારે તે સમયે શાસકોએ દાવા કર્યા હતા કે અહીં આકાશને આંબતી ઇમારતો બનશે, ન્યૂયોર્કની જેમ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બનાવીશું. રિવરફ્રન્ટ તો બિઝનેસ અને એન્ટરટેઇનમેન્ટનું હબ બની જશે, આજે રિવરફ્રન્ટનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો અને બીજો તબક્કો અડધો થયો, આ દાવામાંથી એકેય દાવા મૂર્તિમંત થાય તેવા લક્ષણ દેખાતા નથી. આવી કોઈ સમખાવા પૂરતી એક ઇમારત પણ હજી સુધી તંત્ર બનાવી શક્યું નથી. પાછું તે રિવરફ્રન્ટના વિકાસના દાવા કરે છે. આમ સત્તાધીશો તાયફા અને વાયદા બજાર જ ચલાવી રહ્યા છે.
શહજાદખાનનો આરોપ છે કે સાબરમતી રિવરફ્રન્ટની આ હાલત માટે AMCનો અણઘડ વહીવટ જવાબદાર છે. આના કારણે સાબરમતી રિવરફ્રન્ટનો બિઝનેસ હબ તરીકે વિકાસ થઈ શક્યો નથી. તંત્ર સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે યોગ્ય નીતિઓ અપનાવવામાં નિષ્ફળ ગયું છે, અવિચારી નીતિઓના કારણે રિવરફ્રન્ટ બિઝનેસ હબ તો બનવાની વાત દૂર રહી, પરંતુ કોઈ જ વસ્તુનું હબ બની શક્યું નથી. કશું ન કરે તો કમસેકમ ખાણીપીણીના સ્ટોલ માટે પણ અમુક વિસ્તારો ભાડે આપીને કોર્પોરેશન કમાણી કરી શક્યું હોત, પણ અહીં તો જાણે તંત્ર એકદમ લાપરવાહ અને બેદરકાર થઈ ગયું છે. તેને જાણે કશાની પડી જ નથી. સત્તાધીશો જેને એક સમયે ડ્રીમ પ્રોજેક્ટ કહેતા હતા, તે ડ્રીમમાંથી ક્રીમ મળવાનું તો બાજુએ રહ્યું, પરંતુ જાણે બધુ ‘ટ્રિમ’ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે.
સત્તાધીશોની અણઆવડત અને બૌદ્ધિક નાદારીનો નમૂનો હોય તો તે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે આટલા સમયમાં કોઈ નાનો રિયલ્ટી બિઝનેસમેન લાખો કરોડો રૂપિયા રળી લેતો હોય છે, ત્યારે શાસક પક્ષ આટલા સમયમાં હજી સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને નફાકારક તો જવા દો, પરંતુ ખર્ચ કાઢી શકાય તેટલો પણ બનાવી શક્યું નથી. ખરેખર તો બંને બાજુએ પાંચ-પાંચ કિ.મી. રિવરફ્રન્ટ બન્યો તેનો એટલો વિકાસ થવો જોઈએ કે તેના બીજા તબક્કાનો ખર્ચો તેમાથી નીકળી જાય, પરંતુ અહીં તો બીજા તબક્કાના ખર્ચાને કાઢવાની વાત તો બાજુએ રહી, હાલમાં આ રિવરફ્ર્ન્ટ જેટલો છે તેની જાળવણી કરવાના પણ તંત્રને ફાંફા છે.
રિવરફ્રન્ટ પર ગંદકી, શૌચાલયો પણ ગંદા તે બાબત શાસકોની દાનત પુરવાર કરે છે. તંત્રના જેવા ઇરાદા છે તેવી જ રિવરફ્રન્ટની સ્થિતિ હોવાનો આક્ષેપ શહેઝાદ પઠાણે કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો આટલી જગ્યા કોઈ ખાનગી કંપનીને આપી દીધી હોત તો તેણે આમાથી કરોડો રૂપિયાની કમાણી કરી હોત અને તે સ્થળનો વિકાસ પણ કર્યો હોત, પણ સરકાર કે તંત્ર જેમા પડે તેમા વિકાસ તો માંડ-માંડ થાય, પણ પ્રજાના રૂપિયાનું પાણી વધારે થાય. સાબરમતી રિવરફ્રન્ટ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વિપક્ષના આરોપોની સનસનાટીનો જવાબ આપવા AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષનો મુખ્ય આરોપ રિવરફ્રન્ટ પર શૌચાલયોની સફાઈનો હતો તો તેના માટે તંત્રએ આદેશો જારી કરી દીધા છે. ટોઈલેટમાં જે બધું તૂટીફૂટી ગયું છે તે ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઝિપલાઇન તથા હેલિકોપ્ટર સર્વિસનું બાળમરણ થયું છે તેવું નથી, પણ તેને ટેકનિકલ કારણસર બંધ કરવામાં આવી છે. જ્યારે સાબરમતી ક્રુઝ સર્વિસ હાલમાં ચાલું છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
