સરકારી તંત્રની તુમારશાહી એટલી બધી વધી ગઈ છે કે અમલદારશાહી ફક્ત કોર્પોરેટરો જ નહીં ધારાસભ્યોને અને સાંસદોને પણ ગાંઠતી નથી. સરકારી અધિકારીઓ જાણે તંત્રના બાપ થઈને બેઠા હોય તે રીતે વર્તે છે અને તેમા પ્રજાકીય કાર્યો થતાં ન હોવાથી કોર્પોરેટરો અને ધારાસભ્યો તથા સાંસદોનો ખો નીકલી રહ્યો છે.
પ્રજા બૂમરાણ પાડી રહી છે અને તંત્રની નિષ્ફળતાના કારણે રીતસર કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના દરવાજા ખટખટાવી રહી છે ત્યારે તેઓએ પણ પ્રજાનો અવાજ બનવાની ફરજ પડી છે. હવે મને કહો કે કમને તેમણે પણ તેમની જ સરકાર હોવા છતાં પણ પ્રજાલક્ષી કામો થતાં નથી તેમ ખોંખારીને કહેવું પડ્યું છે. શિસ્તભંગના ઓઠા હેઠળ હવે આ બધાને ચુપ રાખી શકાશે નહીં તે સ્પષ્ટ થઈ ગયું છે.
આજે વહીવટીતંત્રથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે, તૂટેલા રોડ જાણે તંત્રના તૂટેલા ઇરાદા બતાવે છે. હવે કોઈપણ સમજી શકે છે કે વર્ષમાં તો રોડ કઈ રીતે તૂટી જાય. આજે તૂટેલો રોડનો પ્રશ્ન એટલો ગંભીર બન્યો છે કે સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવવું પડ્યું છે કે ભાઈ કોન્ટ્રાક્ટર પાસેથી જવાબ માંગો કે એક જ વર્ષમાં રોડ કેવી રીતે તૂટી ગયો. કોઈપણ રોડ બનાવવાની ગેરંટી હોય છે. આ રસ્તા તેના ગેરંટી પીરિયડ પહેલાં કેવી રીતે તૂટી ગયા તેનો જવાબ માંગવામાં આવે તેમ સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
એક પછી એક ધારાસભ્યો પક્ષના નિયમો અને શિસ્તને બાજુએ મૂકીને સરકારને સવાલ પછી રહ્યા છે કે અમારા વિસ્તારની તકલીફોનો અંત લાવો. દરેક ધારાસભ્ય તેના વિસ્તારના પ્રશ્નોની આક્રમક રીતે રજૂઆત કરી રહ્યો છે. તેના લીધે એવું લાગે કે આ ધારાસભ્ય શાસક પક્ષનો ધારાસભ્ય છે કે વિપક્ષનો ધારાસભ્ય છે. પક્ષના જ ધારાસભ્યો સરકાર પોતે નિષ્ક્રીય છે તે દર્શાવતા પત્રો પણ લખી ચૂક્યા છે અને હવે તો આ વાત છડેચોક ચર્ચાવવા લાગી છે.
પક્ષના જ ધારાસભ્ય યોગેશ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા કલેક્ટરની ઓફિસો ભ્રષ્ટાચારનો ગઢ બની ગઈ છે. રૂપિયા વગર કામ થતું નથી. સરકારનો તો જાણે તેના પર કોઈ અંકુશ જ નથી તેમ આ કચેરીઓ વર્તી રહી છે. જ્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી રજૂઆત કરીકરીને થાકી જવા છતાં પણ સુરતના ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. હવે જો તંત્ર તેના પર કાર્યવાહી નહીં કરે તો મારે પોતે જ મારી સરકાર સામે આંદોલન કરવું પડશે. આ ઉપરાંત કુમાર કાનાણી વારંવાર લેટર બોમ્બ ફોડતા રહ્યા છે.
અન્ય ધારાસભ્ય અમુલ ભટ્ટે દાવો કર્યો છે કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે. તેઓ આના પુરાવા આપવા પણ તૈયાર છે. જ્યારે હાર્દિક પટેલે તો જણાવી જ દીધું છે કે ગટરની સમસ્યાનો અંત નહીં આવ્યો તો મારે પોતે ફરી પાછું આંદોલન કરવું પડશે. જનક તળાવિયાનું કહેવું છે કે દામનગરમાં જુગારધામ પોલીસ સ્ટેશનથી માંડ 200 મીટર દૂર છે, પરંતુ જુગારી અને પોલીસ બંને મસ્ત છે જ્યારે પ્રજા ત્રસ્ત છે.
આ સિવાય માણાવદરના અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે અહીં તો હરતીફરતી જુગારની ક્લબો ધમધમે છે. પોલીસને મહિને હપ્તા પેટે હજારો રૂપિયા મળી જાય છે. જ્યારે મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કારીગરો પાસેથી લૂંટારાઓ તેમની આકરી મહેનતના રૂપિયા લૂંટી જાય છે. આ સિવાય જે.વી. કાકડિયા અને હીરા સોલંકીએ સિંહો અને બાળસિંહોના મૃત્યુ માટે વનવિભાગના અધિકારીઓને દોષિત ઠેરવ્યા હતા.
આ બતાવે છે કે તંત્રની તુમારશાહી અને અમલદારશાહીથી પ્રજા તો ઠીક પણ ધારાસભ્યો અને સાંસદો પણ તોબા-તોબા પોકારી ઉઠ્યા છે. મનુભાઈ પટેલ જેવા ધારાસભ્યએ જણાવ્યું છે કે ગરીબો પાસેથી લૂંટારાઓ રૂપિયા છીનવી જાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ધારાસભ્યોના આ પ્રકારના આકરા વેણ અને બળાપા સામે સરકાર પણ કશું કરી શકે તેમ નથી, કારણ કે તે જાણે છે કે તેમની વાત સાચી છે.
તંત્રની બેપરવાહી અને નિષ્કાળજીના કારણે ધારાસભ્યો બેલગામ થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં પાંચેય ઝોનમાં થયેલી લેટરવોર ધારાસભ્યોની આ પ્રકારની બેબાકીનું જ પરિણામ છે. હજી પણ લેટરવોર અટકી ગઈ છે તેમ માની ન શકાય. પક્ષને ચિંતા છે કે આ જ રીતે ચાલતું જ રહ્યું તો પક્ષના ધારાસભ્યો કોઈપણ પ્રકારની ધારામાં જ નહીં રહે.
તાજેતરમાં જ સસ્પેન્ડ કરવામાં આવેલા અરૂણસિંહ રાણાએ તેમને સસ્પેન્શનની કોઈ ચિંતા નથી. તે દૂધધારા ડેરીની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને ઘોળીને પી ગયા હતા અને વિકાસ પેનલ ઊભી રાખી હતી. જ્યારે જવાહર ચાવડાએ તો કમળનું સ્ટીકર ફાડીને જણાવ્યું હતું કે પક્ષનો જિલ્લા પ્રમુખ હપ્તાખોર છે. જ્યારે કનુ ડાભીએ તો પક્ષ પર જ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અહીં તો પક્ષપલ્ટુઓનું જ માન છે, વફાદાર કાર્યકરો હાંસિયે ધકેલાઈ ગયા છે. આ ઉપરાંત કૌશિક વેકરિયાને લગતી લેટરવોર જાણીતી છે.
ફક્ત ધારાસભ્યો જ નહીં પક્ષના સાંસદો પણ આ પ્રકારનો બળાપો જાહેરમાં કાઢવા માંડ્યા છે. રાજકોટના સાંસદ રામ મોકરિયાનું જ જુઓ. તેમનું આમંત્રણ પત્રિકામાંથી જ નામ કાઢી નાખવામાં આવ્યું હતું. તેના પર તેમણે કટાક્ષ પણ કર્યો હતો. જ્યારે ભરૂચ જિલ્લાન સાંસદ મનસુખ વસાવા તો રીતસર પત્રો લખતા રહ્યા છે અને પક્ષનુ આ પગલું ખોટું હોવાનું જાહેરમાં જણાવતા રહ્યા છે. આ સિવાય તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી કોણ હપ્તા લેતું નથી તે મોટો સવાલ છે. તેની સાથે નીચલા સ્તરના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર મેન્ડેટ આપવાની પક્ષની ટોચની નેતાગીરીને તે સવાલ કરતાં રહ્યા છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના
આ પણ વાંચો: MANTAVYA Vishesh/11 લાખ રૂપિયાનું દૂધ પંખા ફરવાના લીધે ઉડી ગયું !
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ હાથવેંતમાં !
