ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કેબિનેટ વિસ્તરણ હવે હાથવેંતમાં હોવાનું મનાય છે. આ માટે સંભવિત પ્રધાનોની યાદી પર અંતિમ મંજૂરી મેળવવા સીએમ ભુપેન્દ્ર પટેલ ગમે ત્યારે દિલ્હી જવા રવાના થઈ શકે છે. આમ નવરાત્રિમાં માતાજીના પૂજા કોને ફળશે અને કોની દિવાળી બગડશે તેના પર આખા ભાજપની નહીં ગુજરાતની નજર મંડાઈ છે.
આમ કયા પ્રધાનો ઉમેરાતા તેમને ત્યાં દિવાળીના ફટાકડા ફૂટશે અને બાદબાકી થતાં કોને ત્યાં અમાસ આવશે તેની ટૂંક સમયમાં ખબર પડી જશે તેમ માનવામાં આવે છે. ઘણા રાજકીય સમીક્ષકો માની રહ્યા છે કે ગુજરાતની સરકારમાં નવરાત્રિ દરમિયાન જ નવા મંત્રીઓની નિમણૂક થઈ શકે છે, એટલે કે તેમના પર મા દુર્ગાની કૃપા થઈ શકે તેમ છે.
આ રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને પક્ષમાંથી ચાલતા આંતરિક વિખવાદને હળવો કરવાનું પગલું લેવામાં આવી શકે છે. આ મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેમ માનવામાં આવે છે. પક્ષનું સૂત્ર યુવા હોઈ શકે છે. તેની સાથે ખરાબ તબિયત ધરાવતા, મંત્રાલયના સંચાલનમાં નિષ્ફળ ગયેલા વિવિધ મંત્રીઓનો વિદાય સમારંભ ગોઠવાઈ શકે છે.
જો કે કોરોના પછી રૂપાણી કેબિનેટનું રાજીનામું લઈ લેવાયું હતું તેવી તો કોઈ સ્થિતિ થાય તેમ લાગતુ નથી. આમ છતાં મંત્રીમંડળમાં ફેરફારનો મોટો ગંજીફો ચીપાઈ શકે છે. આ ઉપરાંત વિધાનસભ્યોની સંખ્યા જોતાં મંત્રીમંડળના કદમાં વધારો થઈ શકે છે. લગભગ 12થી 15 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળી શકે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત કેબિનેટ કક્ષાના ત્રણ અને રાજ્યકક્ષાના છ મંત્રીઓની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે.
વર્તમાન મંત્રીમંડળમાં જોઈએ તો ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, કનુભાઈ દેસાઈ, મૂળુ બેરા, બળવંતસિંહ રાજપૂત, તથા કુબેર ડિંડોરની ખુરશી ખતરામાં હોવાનું મનાય છે. હવે આમાં કયા-કયાના પત્તા કપાય છે તેના પર બધાની નજર છે. આમાના ઘણા મંત્રીઓ હાઈકમાન્ડની ગુડ બૂકમાં હોવા છતાં પણ તેમના પર્ફોર્મન્સના કારણે હાઈકમાન્ડ તેમનાથી નારાજ હોવાનું મનાય છે. તેઓ તેમની ભૂમિકાને ન્યાય આપી શક્યા નથી તેમ પક્ષનું માનવું છે. તેથી તેમના પર બરતરફીની તલવાર તોળાઈ રહી છે. જો કે હવે જે મંત્રીની વિદાય નિશ્ચિત છે તે બચુ ખાબડ મનાય છે. હાલમાં તો તેઓ કેબિનેટ બેઠકમાં પણ હાજર રહેતાં નથી. તે મનરેગા કૌભાંડ પછી હાઈ કમાન્ડની ગુડ બૂકમાં પણ નથી. તેથી તેમની વિદાયથી કોઈને આશ્ચર્ય પણ નહીં થાય.
લગભગ એક ડઝન જેટલા પ્રધાનોની કામગીરી હાઈ કમાન્ડને સંતોષજનક લાગી નથી. હવે તેમા કદાચ ડઝન તો નહીં પણ દસેક પ્રધાનને હટાવાય તો આશ્ચર્ય નહીં થાય. પ્રજાનો આક્રોશ અને ધારાસભ્યોનો અસંતોષ બંનેને ઠંડો પાડવા માટે આ મંત્રીમંડળનું વિસ્તરણ હાઈકમાન્ડને જરૂરી લાગી રહ્યુ છે. આ માટે સીએમ ભુપેન્દ્ર પટેલને પણ દિલ્હીથી તેડું આવ્યું છે અને તેમણે રાતોરાત દિલ્હી તેડાવાયા હતા. કદાચ નામો પર અંતિમ મંજૂરી માટે તેમને બોલાવાયા હોય તેવો ગણગણાટ પણ હતો.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આંટાફારે ગુજરાતમાં વધી ગયા છે તેના પરથી પણ આ વાતનો પુરાવો મળ્યો હતો કે મંત્રીમંડળના વિસ્તરણની દિશામાં કોઈ હિલચાલ થઈ રહી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષ તેમજ સંગઠનને મજબૂત કરવા તથા તેના પહેલા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ જરા પણ નબળી ન પડે તે જોવા માટે હાઈ કમાન્ડ આતુર છે. મંત્રીમંડળનું વિસ્તરણ તેનો જ એક હિસ્સો છે.
જયેશ રાદડિયા, ગણપત વસાવા, શંકર ચૌધરી, નરેશ પટેલ, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ડો. સી.જે. ચાવડા જેવા નામોનો સમાવેશ થાય છે. વિજય રૂપાણીની વિદાય પછી સૌરાષ્ટ્રમાં ભાજપને એક મજબૂત ચહેરાની જરૂર છે, જે જયેશ રાદડિયા હોઈ શકે છે. કેબિનેટમાં જો તેમને સ્થાન અપાય તો સૌરાષ્ટ્રમાં તેનું કદ વધતા ભાજપને ફાયદો રહી શકે છે.
આ ઉપરાંત ગણપત વસાવા જાણીતું નામ છે અને આદિવાસી વિસ્તારમાં તેમની જબરદસ્ત પક્કડ છે. આદિવાસી પટ્ટામાં ભાજપ માટે સર્જાયેલો ખાલીપો ભરી શકે હોય તેવા નેતા ગણપત વસાવા છે. મનસુખ વસાવા પછી ગણપત વસાવા જ છે જે આદિવાસી પટ્ટામાં ભાજપ માટે તારણહાર બની શકે છે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ સ્થાને હતા ત્યારે તેમણે સરકારને અનેક વખત બચાવી હતી.
ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ પછી ભાજપ માટે જો કોઈ પ્રભાવશાળી ચહેરો હોય તો તે શંકર ચૌધરી છે. આખા ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રની નાડ તેમના હાથમાં છે. હાલમાં તો તેમને વિધાનસભા સ્પીકર બનાવી બેસાડી દેવાયા છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ગેનીબેનના નેજા હેઠળ કોંગ્રેસના વધતા પ્રભાવને ખાળવા ભાજપને શંકર ચૌધરીની જરૂર છે. તેથી તેમને કેબિનેટમાં સમાવીને મોટી જવાબદારી સોંપી શકાય છે.
આમ કેબિનેટમાં થનારા ફેરફારો ગુજરાતના પાંચેય ઝોન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના આગામી ચૂંટણીલક્ષી સમીકરણો અને રાજકીય પ્રભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે તેમ મનાય છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
