ગોંડલ એટલે જાડેજા અને જાડેજા એટલે ગોંડલ, આ બીજું કશું જ નથી પણ એક ઊભી કરવામાં આવેલી ઇમેજ છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની દાદાગીરી પ્રવર્તે છે તે ચોક્કસ, પરંતુ ગોંડલ કંઈ તેમની જાગીર નથી. ગોંડલ ગોંડલવાસીઓનું છે, જે તેમની મહેનતથી બનેલું છે. આ શબ્દ છે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાના. તેઓની સાથે જિગિશા પટેલ અને ધર્મેશ માલવિયા પણ ગોંડલની મુલાકાતે આવ્યા હતા. તેમનું કહેવું હતું કે અમે કંઈ ચૂંટણી લડવા આવ્યા નથી, પરંતુ અમે અહીં આવ્યા તો ગોંડલની પ્રજાએ અમને ભરપૂર પ્રેમ આપ્યો.
પાટીદાર આગેવાનોએ ગોંડલની આ મુલાકાત સુલતાનપુર જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ પડકાર ફેંક્યો હતો કે કોઈ અહીં પગ તો મૂકી બતાવે તેના પગલે યોજાઈ હતી. ગણેશ જાડેજાના પડકારને પાસના આગેવાનોએ ઝીલી લીધો હતો. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમે આખો દિવસ ગોંડલ રહીશું, પરંતુ તેઓ સવારે 10 વાગ્યે આવ્યા હતા, પણ સાડા અગિયાર વાગે નીકળી ગયા હતા, ગણેશ ગોંડલના સમર્થકોએ પાટીદાર આગેવાનોનો હુરિયો બોલાવ્યો હતો. આના પગલે અલ્પેશ કથીરિયાએ ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી હતી. આ મુલાકાતને લઈને અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર આગેવાનોના સમર્થકો અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા. ગણેશ ગોંડલના સમર્થકોએ પાટીદાર આગેવાનોનું કાળા વાવટા ફટકારીને સ્વાગત કર્યુ હતું.
ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયાના સમર્થકોની ગાડીના કાચ તોડ્યા હતા. આના પગલે અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજા ભાડૂતી ગુંડાઓ વડે હુમલો કરાવતો હોવાના આક્ષેપ કર્યા હતા. ગણેશ જાડેજાના ઘર નજીક મોટી સંખ્યામાં જાડેજા કુટુંબના સમર્થકો એકત્રિત થયા હતા.
ગણેશ જાડેજાના સમર્થકો મોટાપાયા પર હોવાના પગલે પોલીસે મામલો વધી બીચકે નહીં તે માટે અલ્પેશ કથીરિયાને બીજા રસ્તેથી સ્વામિનારાયણ મંદિરે અને મહારાજાની મૂર્તિના દર્શને જવા સમજાવ્યા હતા. તેથી તેમણે પોલીસની વાત માનીને રૂટ બદલ્યો હતો. આમ થયું ન હોત તો કદાચ સ્થિતિ વધારે વણસી પણ હોત.
અલ્પેશ કથીરિયાની સાથે આવેલા તેમને સમર્થકે જણાવ્યું હતું કે અમે અમરેલી જિલ્લામાંથી ગોંડલ આશાપુરા માતાના દર્શને આવ્યા હતા, અમારે ભગવતસિંહ બાપુનું ગોંડલ જોવું હતું, પરંતુ તેના બદલે અમને મિર્ઝાપુર જેવું દ્રશ્ય જોવા મળ્યું. ગોંડલમાં અમારો કાફલો શાંતિપૂર્ણ રીતે આશાપુરા માતાના દર્શને જઈ રહ્યો હતો, તે સમયે ભાડૂતી ગુંડાઓ પાઇપો, ધોકા અને છરા લઈને તૂટી પડ્યા હતા. અમારી બધી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. હવે વિચાર કરો કે અમે તો ફક્ત અહીં દર્શનાર્થે આવ્યા હતા, અમે કંઈ રાજકીય લોકો છે નહીં, અમારે કંઈ ચૂંટણી લડવાની નથી.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે જયરાજસિંહ જાડેજાએ અમારાથી આટલા ડરવાની શી જરૂર હતી. તે અમારાથી એટલો બધો ડરી ગયો કે તેણે આટલું મોટું લાવલશ્કર ઊભું કરીને અમને ડરાવવા મોકલવું પડ્યુ. અમને પણ આ વાતનું આશ્ચર્ય થયું છે. અમને પણ કલ્પના ન હતી કે જાડેજા અમારાથી આટલો ડરશે. અમારે ચૂંટણી લડવાની નથી તો પણ તેને અમારો એટલો બધો ડર છે કે તેના માણસોએ અમને ડરાવવા રીતસરનો હુમલો કર્યો, અમારી ગાડીઓના કાચ તોડી નાખ્યા.
અમે તો સાંભળ્યું હતું કે ગોંડલમાં જયરાજસિંહની હાક વાગે છે, આ તો ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો એટલે આવ્યા. બાકી અમે તો કંઇ અહીં આવવાના ન હતા. હવે તમે વિચારો કે અમે ફક્ત અહીં આવ્યા તેમા જયરાજસિંહ જાડેજા આટલો ડરી ગયો તો જો અમે ચૂંટણી લડવાના હોત તો તેની શું સ્થિતિ થાત, તે કેટલો ડરી ગયો હોત. તેના માણસોએ કેટલો ઉત્પાત મચાવ્યો હોત. તેઓએ ગોંડલની પ્રજાને હેરાન કરવાનું કશું બાકી રાખ્યું ન હોત.
તેની સાથે કથીરિયાએ જણાવ્યું હતું કે ગણેશ ગોંડલ તો શું ગુજરાતનો કોઈ રાજકારણી આ રીતે પ્રજાને પોતાની જાગીર સમજતો હશે તો અમે ત્યાં ચોક્કસ જઇશું. હવે તો ગોંડલની પ્રજાએ આપેલા પ્રેમના કારણે ગોંડલની વારંવાર મુલાકાત લઈશું, જેથી ગોંડલની પ્રજાના હૃદયમાંઘી જયરાજસિંહ જાડેજાનો ડર ઓછો થાય. આજની લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ ડરાવીને પ્રજા પર શાસન ન કરી શકે, તે ફક્ત પ્રજાની અપેક્ષાઓ પર પાર ઉતરીને જ શાસન કરી શકે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે હવે આગામી દિવસોમાં ગોંડલની અમારી મુલાકાતો ચાલતી જ રહેશે. તેમણે જણાવ્યું હતું કે ગોંડલ કોઈની જાગીર નથી. હું પોતે ખેડૂત છું. ગોંડલ માર્કેટ યાર્ડ અમારા ખર્ચે અને પરસેવે બન્યું છે. અમે અવારનવાર ગોંડલ યાર્ડ આવીએ છીએ અને હવે ગોંડલ પણ આવીશું. અમારી પર હુમલો કરનારા ગોંડલવાસી ન હતા, પરંતુ લુખ્ખા તત્વો હતા. જાડેજા અમારાથીડ રી જતા તેણે અમને ડરાવવા માટે ગુંડાતત્વોને મોકલ્યા હતા, પરંતુ તેના આ પગલાંથી અમે તો નથી ડર્યા, પરંતુ જાડેજા પોતે ચોક્કસ ડરી ગયો લાગે છે તે હકીકત છે.
આ સિવાય ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે ગણેશ ગોંડલ ભલે ગોંડલને પોતાની જાગીર સમજતો હોય, પરંતુ તેવું નથી. ગોંડલમાં તેઓની સામે જબરદસ્ત ઉકળાટ લાગે છે. અમને ત્યાંથી જબરદસ્ત સમર્થન મળ્યું છે. ભવિષ્યમાં જો તેમની સામે ચૂંટણીમાં કોઈ મજબૂત ચહેરો ઉતારવામાં આવે તો જયરાજસિંહ જાડેજા પરિવારનું ગોંડલ પરથી રાજકીય વર્ચસ્વ ખતમ થઈ જશે તે હકીકત છે. થોડા ઘણા ભાડૂતી ગુંડાઓના સથવારે જયરાજસિંહ કેટલો સમય શાસન કરી શકશે, ગોંડલને કેટલો સમય હાથમાં રાખી શકશે તે મોટો સવાલ છે. તે પોતે પણ જાણે છે કે ગોંડલ હવે તેના હાથમાં રહ્યું નથી, તેથી જ ત્યાં આવનારા સામાન્ય લોકો પર પણ આ પ્રકારે હુમલા કરાવવા પડે છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
