MANTAVYA Vishesh/ 11 લાખ રૂપિયાનું દૂધ પંખા ફરવાના લીધે ઉડી ગયું !

ગુજરાતની ભૂમિ સંતોની અને શૂરાઓની ભૂમિ છે અને ચમત્કારોની પણ ભૂમિ છે. આવો જ એક ચમત્કાર વડગામમાં પણ થયો છે. આ ચમત્કાર કોઈને કલ્પનામાં પણ ન આવે તેવો છે. વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં આ ચમત્કાર બન્યો છે.

Mantavya Vishesh

ગુજરાતની ભૂમિ સંતોની અને શૂરાઓની ભૂમિ છે અને ચમત્કારોની પણ ભૂમિ છે. આવો જ એક ચમત્કાર વડગામમાં પણ થયો છે. આ ચમત્કાર કોઈને કલ્પનામાં પણ ન આવે તેવો છે. વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં આ ચમત્કાર બન્યો છે. કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું છે. આવો ચમત્કાર ગુજરાતમાં જ જોવા મળી શકે, બોલો બીજે ક્યાંય જોવા મળે આવો ચમત્કાર.

હવે પાણીના બાષ્પીભવનનો નિયમ લાગુ પડે છે તે સમજી શકાય છે, પણ કોદરામ ગામની દૂધમંડળીએ નવા જ નિયમની શોધ કરી છે અને આ નિયમ છે દૂધના બાષ્પીભવનનો નિયમ. આ બાષ્પીભવન પણ પાછું કુદરતી રીતે થતું નથી પણ પંખા ફરવાના કારણે થાય છે. હવે આ કોદરામ ગામની દૂધમંડળી પાસે એવી તે કઈ ટેકનોલોજીવાળા પંખા હશે જે ફરવાના લીધે ગામની બહેનો, માતાઓ અને પશુપાલકોની આકરી મહેનતનું 11 લાખ રૂપિયાનું દૂધ ઉડી ગયું. એટલે કે તેનું બાષ્પીભવન થઈ ગયું. આશ્ચર્યની વાત એ છે કે કોદરામ ગામની દૂધમંડળીએ હજી સુધી તેમના આ પ્રકારના પંખાની ટેકનોલોજીની પેટન્ટ પણ કઢાવી નથી. ખરેખર તો તેમણે આની પેટન્ટ કઢાવી જ લેવી જોઈએ, જેથી બીજો કોઈ ઉપયોગ કરે તો તેની તેમને રોયલ્ટી મળે.

આ બનાવના પગલે લાગે છે કે હવે આપણે બાષ્પીભવનના પણ નવા નિયમ ભણવા પડશે. પાણીના બાષ્પીભવનનો નિયમ તો ભણ્યા હતા, પણ દૂધના બાષ્પીભવનનો નિયમ પણ ભણવાનો આવી શકે છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે કોદરામ ગામ પાસે આ પ્રકારના પંખાની ટેકનોલોજી છે તે જાણીને જર્મની સહિત યુરોપના ટેકનોક્રેટ્સ પણ ચોંકી ગયા છે. તેઓને પણ આ નવી ટેકનોલોજી અંગે જાણવાની ઇચ્છા થઈ છે. તેઓ આ માટે કોદરામ ગામની મુલાકાત પણ લેવાના છે તેવા વ્યંગાત્મક પ્રહારો પણ તેમણે કર્યા હતા.

વડગામ દૂધ ઉત્પાદક મંડળીનો નફો 12થી 13 ટકાની વચ્ચે છે. જ્યારે મુમનવાસમાં આવેલી ડેરીનો નફો પણ લગભગ તેટલો જ છે. તેની સામે કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો માંડ 6.5 ટકા જ છે. હવે એકાદ બે ટકાનો ફેરફાર હોય તો સમજી શકાય પણ ઉપરોક્ત બંને દૂધ મંડળીઓ કરતાં અડધો નફો હોવાના કારણની ચકાસણી કરી તો જાણવા મળ્યું કે ‘પંખા ફરવાના કારણે 11 લાખ રૂપિયાનું દૂધ ઉડી ગયું.’

જિજ્ઞેશ મેવાણીએ ત્યાં સુધી જણાવ્યું હતું કે વાસ્તવમાં તો આ પ્રકારની શોધ કરનારાઓનું સન્માન કરવું જોઈએ. તેમની શોધનો ઉપયોગ હાલમાં સુઈગામ, વાવ-થરાદ વગેરે સ્થળોએ હજી પણ પૂરના પાણી ભરાયા છે તેને ઉડાડવા માટે કરવો જોઈએ જેથી લોકોની તકલીફ દૂર થાય. ગુજરાતનું જ સંશોધન ગુજરાતની જ પ્રજાને કામ નહીં આવે તો કોને કામ આવશે. તેની સાથે તેમણે પીએમ મોદીને વિનંતી કરી હતી કે હાલના સમયમાં ટેકનોલોજીની ચોરીઓ બહુ થાય છે તેથી દેશની આ અનોખી ટેકનોલોજી પણ દેશની બહાર પગ ન કરી જાય અને વિદેશી ચોરી ન જાય તે ખાસ જોવામાં આવે.

વાસ્તવમાં રાજ્યમાં જ્યાં પણ પાણી ભરાવવાની સમસ્યા હોય ત્યાં દૂધ ઉડાડી દેતા આ નવી જ ટેકનોલોજીવાળા પંખાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી લોકોને પાણી ભરાવવાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળે. આપણી જ આ નવી શોધ છે તો પછી તેનો ઉપયોગ કરવામાં શરમ શેની આવવી જોઈએ. તેની સાથે-સાથે દેશના બીજા રાજ્યોને પણ આ ટેકનોલોજી પૂરી પાડવી જોઈએ, જેથી તેમને પણ પાણી ભરાવવાની સમસ્યામાંથી રાહત મળે. પૂરની સમસ્યાનું પણ મહદઅંશે નિવારણ કરી શકાય. ટેકનોલોજીનો યુગ છે તો પછી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો જોઈએ.

કોદરામ ગામની દૂધમંડળીની રવિવારે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ગામની ડેરીએ 6.25 ટકાનો સામાન્ય ભાવવધારો જાહેર કર્યો હતો. ભાવવધારો ઓછો આવતા પશુપાલકો ગુસ્સે ભરાયા હતા અને પશુપાલકોએ તેને મંજૂરી આપી ન હતી. પશુપાલકોનો એક જ સવાલ હતો કે આટલો ઓછો ભાવવધારો કેમ. દૂધમંડળીના ચેરમેને રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવી છે.

પશુપાલકોનો આક્ષેપ છે કે વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી છે. પશુપાલકોનું કહેવું છે કે તેમને દૂધડેરીના ચેરમેને એવો જવાબ આપ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ના રહેતા આ વધઘટ થઈ. આમ પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની ઘટથી પશુપાલકો સહિત લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. લોકોને પૂરેપૂરી શંકા છે કે અહીં ગેરરીતિ થઈ છે. જ્યારે ચેરમેનનો દાવો છે કે 11 લાખ રૂપિયાની ઘટ ફક્ત દૂધની પણ નથી. ડેરીને સફાઈના મુદ્દે પણ દંડ ફટકારાયો હતો અને ડેરીમાં સગવડોના અભાવના કારણે પણ તેને દંડ ફટકારાયો હતો. આ બધુ પણ તેમાં આવે છે.

આ તો થઈ એક જ કોદરામ ગામની દૂધમંડળીની વાત આવી કેટલીય ગ્રામીણ દૂધમંડળીઓમાં શું દૂધ આ રીતે જ ઉડી જતું હશે. પશુપાલકોએ તાજેતરમાં સાબર ડેરી અને દૂધસાગર ડેરી વગેરે સ્થળોએ સારા ભાવ માટે રસ્તા પર ઉતરવું પડ્યું તે શું આ રીતે દૂધ ઉડી જવાના કારણે ઉતરવું પડ્યું હશે. રાજકારણ બાજુએ રહ્યું પરંતુ પશુપાલકોનું હિત શું આ ડેરીઓના હૈયે વસતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ હાથવેંતમાં !

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ !

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સહકારી ક્ષેત્રની ચૂંટણીઃ ભાજપના અસંતુષ્ટોનો નવો મુકામ