MANTAVYA Vishesh/ લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના

દેવાયત ખવડ ગુજરાતમાં લોકસાહિત્યકાર અને ગુજરાતી ગીતોના સિંગર તરીકે જાણીતું નામ છે. તેની સાથે તે સતત વિવાદોમાં રહેવા માટે પણ જાણીતા છે. કોઈપણ વ્યક્તિ હસ્તી બને એટલે તેની કોઈપણ વાત અને તેનો કોઈની સાથે પણ વિખવાદ હોય તે બાબત રીતસર વિવાદાસ્પદ બની જાય છે.

Mantavya Vishesh

દેવાયત ખવડ ગુજરાતમાં લોકસાહિત્યકાર અને ગુજરાતી ગીતોના સિંગર તરીકે જાણીતું નામ છે. તેની સાથે તે સતત વિવાદોમાં રહેવા માટે પણ જાણીતા છે. કોઈપણ વ્યક્તિ હસ્તી બને એટલે તેની કોઈપણ વાત અને તેનો કોઈની સાથે પણ વિખવાદ હોય તે બાબત રીતસર વિવાદાસ્પદ બની જાય છે. આવું જ દેવાયત ખવડ સાથે થયું છે. તે કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવા માટે જાણીતા છે.

તેમના માટે પોલીસ સ્ટેશનની મુલાકાત જાણે હવે રુટિન બની ગઈ છે. હા, વળી પાછા પોલીસ બેડામાં પણ તેમના ચાહકો છે. તેથી જ તાજેતરમાં તેમણે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડી ત્યારે પણ એક પોલીસ અધિકારી તેમને ભેટી પડ્યો હતો. આ બતાવે છે લોકગાયક તરીકે દેવાયત ખવડની લોકપ્રિયતા કેટલી જબરદસ્ત છે. તેની સાથેના તેટલા વિવાદો પણ જબરદસ્ત છે.

હવે દેવાયત ખવડ આગામી દિવસોમાં રાજકારણમાં એન્ટ્રી મારે તેવી સંભાવના છે. આવો દાવો બીજા કોઈ નહીં પણ તેમના મામાએ જ કર્યો છે. તેમના મામા રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ લોકસાહિત્યકાર તરીકે શાસક પક્ષના રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે અને તેમની સાથે ગાઢ સંબંધો છે અને તેને પોતાને પણ રાજકારણમાં આગળ વધીને સમાજનું અને રાજ્યનું ભલું કરવાની ઇચ્છા પણ છે. તેથી આગામી દિવસોમાં સંયોગો અનુકૂળ હશે તો તે રાજકારણમાં ઝંપલાવી શકે છે.

તેની સાથે તેમણે તે પણ જણાવ્યું હતું કે દેવાયત ખવડ તો રાજકારણમાં ઝંપલાવવા આતુર છે, પરંતુ હજી સુધી તેને ભાજપ તરફથી લીલી ઝંડી મળી નથી. હવે તે ફક્ત આ લીલી ઝંડી મળે તેની રાહ જોઈ રહ્યો છે. જો કે ખવડ જેવા મોટામાથાને લઈને પક્ષમાં કેવું સ્થાન આપવું તે પણ ભાજપે વિચારવું પડે. મોટા માથાને લો એટલે તેને તે પ્રકારે હોદ્દો કે જવાબદારી પણ આપવી પડે. તેને પક્ષના પ્રચારની જવાબદારી સોંપાય તો પણ આશ્ચર્ય ન થાય. તેમા પણ દેવાયત ખવડ યુવાનોમાં લોકપ્રિય છે, તેથી યુવા વર્ગને આકર્ષવા આગામી દિવસોમાં શાસક પક્ષ તેને મેદાનમાં ઉતારે તો પણ આશ્ચર્ય ન થાય.

ખવડ જેવા ગાયકની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવાની કયા પક્ષને ઇચ્છા ન હોય, પરંતુ ચૂંટણીલક્ષી રાજકારણમાં તેને કઈ ભૂમિકામાં ફીટ કરવો તે પણ વિચાર માંગી લેતો સવાલ છે. ભાજપમાં તો આમ પણ બોલિવૂડ અને ઢોલીવૂડના ઘણા મહારાથી છે. નરેશ કનોડિયા અને હિતેશ કનોડિયા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હવે તેમા દેવાયત ખવડ જેવું નામ ઉમેરાય તો આશ્ચર્ય પામવા જેવું કશું નથી.

આ સિવાય દેવાયત ખવડના મિત્રો, સગાસંબંધીઓ અને તેના લાખો ફોલોઅર્સનું પણ દબાણ છે કે તેણે ચૂંટણી લડવી જોઈએ. તે રાજકારણમાં આવશે તો કમસેકમ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને ઢોલીવૂડ ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું પગલું ભરવામાં મદદ કરી શકે છે. સરકારને તે સારી રીતે આ ઉદ્યોગ અંગેની સમજ પૂરી પાડી શકે છે તેવું લોકો માને છે. તેના કારણે સંગીત કલાકારોથી લઈને ગીતકારો વગેરે માટે તે નવા પ્લેટફોર્મ સર્જી શકવામાં મદદ કરી શકે છે.

દેવાયત ખવડ પાછળના વિવાદોને લઈને તેના મામાએ સ્પષ્ટતા કરી હતી કે રાજકોટવાળી ઘટનામાં બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેના વિડીયો વારંવાર વાઇરલ પણ થયા હતા. દેવાયત ખવડે આ મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહી ન થતાં છેવટે ખવડે કાયદો હાથમાં લેવો પડ્યો હતો.  આ બતાવે છે કે દેવાયત ખવડ મા-બહેનોને લઈને થતી ટિપ્પણીને લઈને કેટલો સંવેદનશીલ છે. દેવાયતનો સ્વભાવ ગુસ્સાવાળો નથી, પણ સતત ઉશ્કેરણી થાય તો તે પણ માણસ છે અને યુવાન છે ઉશ્કેરાઈ જાય છે.

સનાથનવાળી ઘટનામાં તો દેવાયતના મામાએ પણ કબૂલ્યું હતું કે તેમા ભૂલ દેવાયતની હતી. તેણે ડાયરો બૂક કરાવ્યા પછી બીજી ડાયરામાં જવાની જરૂર જ ન હતી. સનાથનલના ભગવતસિંહ અને રામભાઈ સજ્જન છે, પરંતુ આખો બનાવ તેમના દીકરાઓ અને તેમની ખરાબ સંગતના કારણે બન્યો. તેઓએ સતત વિડીયો અપલોડ કરતાં અને ઉશ્કેરણીવાળી ભાષાનો ઉપયોગ કરતાં વાત બગડી હતી. કાઠી હોવાના કારણે દેવાયતથી કોઈપણ સ્ટેજ પર મા-બહેનનું અપમાન સહન થતું નથી. આ ઉપરાંત તેમણે વિવાદ માટે સોશિયલ મીડિયા પર વારંવાર થતી પોસ્ટને પણ જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ પ્રકારની પોસ્ટની સામે પોલીસ કાર્યવાહી કરવા માંડે તો પછી દેવાયત ખવડ જેવાને કાયદો હાથમાં લેવાની જરૂર જ નથી. પોલીસ આવા ઘણા કેસમાં સક્રિયતા દાખવે તો દેવાયત તો શું બીજા કોઈએ પણ કાયદો હાથમાં લેવાની જરૂર જ ન પડે.

આમ હવે દેવાયત ખવડ રાજકારણમાં પ્રવેશવા થનગની રહ્યા છે ત્યારે ભાજપના મોવડીમંડળની સોગઠાબાજીમાં તે ક્યાં ફિટ બેસે છે તે જોવાનું પણ મહત્વનું રહેશે. કદાચ ખવડને ટિકિટ આપતાં પહેલા પ્રચારક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય પક્ષના પ્રવક્તા તરીકેની કામગીરી પણ સોંપાય. આગામી દિવસોમાં ભાજપ તેમના પક્ષમાંથી વધુને વધુ યુવાનોને ટિકિટ આપવાનું છે તેમા દેવાયત ખવડનો નંબર લાગે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/સહકારી ક્ષેત્રની ચૂંટણીઃ ભાજપના અસંતુષ્ટોનો નવો મુકામ

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ હાથવેંતમાં !

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ !