ગુજરાત સરકાર ઘણા બધા ગુનાઓને હવે ફોજદારી ગુનાની શ્રેણીમાંથી બહાર મૂકવાની છે અને તેમા સજા કરવામાં નહીં આવે, પરંતુ ફક્ત દંડ જ ફટકારવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગુનામાં સરકારી જમીન પર કબ્જા જેવા ગુનાનો પણ સમાવેશ થાય છે. હા, જો તમે સરકારી જમીન પર કબ્જો કર્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમને તેના કારણે જેલની સજા નહીં થાય. સરકાર ફક્ત દંડ કરીને જ તમને છોડી દેશે.
આ અંગે ઘણા લોકો કહે છે કે ગુજરાત સરકાર આ પ્રકારનો કાયદો ભલે કોર્ટ પર ભારણ ઓછું કરવા લાગતી હોય, પરંતુ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરનારની સામે કાયદાકીય કાર્યવાહી જ ન થવી અને ફક્ત દંડ થવો તે તો રીતસર બિલ્ડરોને લાભાર્થે લવાયેલો કાયદો છે. ગુજરાતમાં હવે રાજકારણીઓ ક્યાંય લાંચ લેતા નથી, લેવાની જરૂર પણ નથી. તેઓ સીધી પ્રોજેક્ટમાં ભાગીદારી જ લઈ લે છે. ટૂંકમાં મારવો તો મીર, આમ પણ રાજકારણીઓને હવે નાની વસ્તુમાં હાથ નાખવામાં રસ જ નથી.
બિલ્ડર લોબીની સક્રિયતાના કારણે રાજકારણીઓ આ કાયદો પસાર કરી દેશે અને આગામી દિવસોમાં દરેક પ્રકારના પ્રોજેક્ટમાં તેઓની સ્લીપિંગ પાર્ટનરશિપ જોવા મળે તો ચોંકવાની જરૂર નથી. આમ પણ કેટલાય સ્થળોએ તે જોવા મળે જ છે. એક રીતે આ પ્રકારનો કાયદો બિલ્ડરો અને રાજકારણીઓને જુગલબંધીને બખ્ખેબખ્ખાં કરાવી દેશે. તેમાં સફળતા મળે તો પછી આગામી દિવસોમાં તેનો અમલ ભાજપ શાસિત બીજા રાજ્યોમાં પણ કોઈને કોઈ સ્વરૂપમાં થાય તો આશ્ચર્ય નહીં થાય.
આમ એક સમયે જે ગુનાઓ બિનજામીનપાત્ર હતા તે પ્રકારના ગુનાઓમાં હવે સજા જ નહીં થાય. ફક્ત દંડ ભરશો અને છૂટી જશો. ગુજરાત સરકાર ફક્ત આ સરકારી જમીન જ નહીં આવા બીજા કેટલાય ગુનાઓને ગુનાઓની શ્રેણીમાંથી જ દૂર કરી નાખવાની છે. સરકારનો દાવો છે કે તે આ પ્રકારના કાયદાઓ એટલા માટે લાવા માંગે છે જેથી વિશ્વાસ આધારિત શાસનને સમર્થન મળે અને કારોબાર કરવાની સરળતાને પણ પ્રોત્સાહન મળે. તેની સાથે કોર્ટો પરથી પણ કેસોનું ભારણ ઘટે તેના માટે આ પગલું લેવામાં આવનાર છે. રાજ્યની કોર્ટો આમ પણ કેસોના બોજાથી લદાયેલી છે. તેથી સરકારના મોરચે પણ ફક્ત તેના કાયદાઓના કારણે કોર્ટો પર કેસોનો ગંજ ન ખડકાય તે માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
સરકારે તાજેતરમાં જંત્રીમાં વધારો કર્યા પછી સરકાર પર દબાણ હતું કે તે કંઈક એવું પગલું ભરે જેથી બિલ્ડરોને જંત્રીના કારણે નફામાં પડતી ઘટને પૂરી કરી શકાય. તેથી સરકારે હવે આ નવો ઉપાય અજમાવ્યો છે. આ ઉપરાંત અહીં તે યાદ રાખવું જરૂરી છે કે સરકાર નવી-નવી નગરપાલિકા બનાવી રહી છે તો તે આ નગરપાલિકાઓ બનાવતી વખતે તેઓ નવો નિયમ લાવ્યા છે. તેમા સરકાર 40 ટકા જમીન પોતે જ કપાતમાં લઈ લે છે. તેથી જો તમારી પાસે ગ્રામ પંચાયતમાં જમીન હોય તો નગરપાલિકા બને તો પછી તેમાથી 40 ટકા જમીન સરકાર કપાત પેટે લઈ લે છે. સ્વાભાવિક રીતે આ જમીન સરકાર પાસે જ જાય છે.
તેના પછી જ સરકારના જ આગેવાનો હવે તેમની પાસેની આ જમીન પર કોઈને કોઈ નામ રાખી ગેરકાયદે કબ્જો જમાવી દે છે. હવે સરકારી જમીન પર કબ્જો કરનારને જેલની સજા ન કરીને ફક્ત દંડ જ ફટકારવાનો નિયમ લાવીને સીધી આ પ્રકારના ગેરકાયદે કબ્જો કરનારને દંડ ભરીને તેના માલિક થઈ જવાની છૂટ મળી ગઈ છે. આમ સરકાર પહેલા ગેરકાયદે રીતે બની ગયેલી સોસાયટીઓ પાસેથી ઇમ્પેક્ટ ફી લેતી હતી, તે જ રીતે આ પ્રકારનો દંડ એક રીતે ઇમ્પેક્ટ ફી જેવો જ છે.
આની ફોર્મ્યુલા મુજબ નવી નગરપાલિકાઓ બનાવો, લોકોની 40 ટકા જમીન કપાતમાં લો. આ જમીન શ્રીસરકાર થઈ જાય. તેના પછી આ સરકારી જમીન પર બિલ્ડર કે ભૂમાફિયા રાજકારણીની મીઠી નજર હેઠળ ગેરકાયદે કબ્જો કરે, દંડ ભરીને છૂટી જાય, તેને કોઈ સજા ન થાય અને તે આ જમીનનો માલિક થઈ જાય તથા પાછલા બારણેથી સ્લીપિંગ પાર્ટનર તરીકે રાજકારણી કે રાજકીય આગેવાન બધી સગવડ કરી આપે. આમ બિલ્ડર અને રાજકારણીની અનોખી જુગલબંધી તૈયાર થઈ ગઈ. તેમા પણ સજામાંથી માફી મળવાના કારણે બિલ્ડરોએ હવે જેલમાં જવું પડતુ હતું ત્યારે પોલીસોને પણ જે રૂપિયા આપવા પડતા હતા તે પણ નહીં આપવા પડે, પોલીસ વડાઓની કદમબોસી પણ નહીં કરવી પડે. કાયદાકીય કાર્યવાહી જ નહીં થાય, એટલે વકીલોની ઓફિસોના તથા કોર્ટોના ફેરા પણ નહીં ખાવા પડે તથા જેલની સજા પણ નહીં થાય. ફક્ત દંડ ભરો અને છૂટી જાવ.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
