MANTAVYA Vishesh/ ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ !

ગુજરાતનો પ્રદેશ ભૌગોલિક રીતે એમ કહેવાય છે કે જ્વાળામુખીના લાવામાંથી બન્યો છે. આખા ગુજરાતની ભૂમિ રચના પર્વતોમાંથી નીકળેલા જ્વાળામુખીના લાવાથી થઈ હોવાનું ખગોળ નિષ્ણાતો માને છે. આના કારણે ગુજરાતનું રાજકારણ પણ હંમેશા આ લાવાની જેમ ગરમાગરમ રહેતું લાગે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની તાજેતરમાં જ યોજાયેલી નિયમિત મુલાકાતોએ રાજ્યના રાજકારણમાં નવાજૂનીના એંધાણ આપ્યા છે.

Mantavya Vishesh

ગુજરાતનો પ્રદેશ ભૌગોલિક રીતે એમ કહેવાય છે કે જ્વાળામુખીના લાવામાંથી બન્યો છે. આખા ગુજરાતની ભૂમિ રચના પર્વતોમાંથી નીકળેલા જ્વાળામુખીના લાવાથી થઈ હોવાનું ખગોળ નિષ્ણાતો માને છે. આના કારણે ગુજરાતનું રાજકારણ પણ હંમેશા આ લાવાની જેમ ગરમાગરમ રહેતું લાગે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની તાજેતરમાં જ યોજાયેલી નિયમિત મુલાકાતોએ રાજ્યના રાજકારણમાં નવાજૂનીના એંધાણ આપ્યા છે.

ગુજરાતના રાજકારણમાં આ વાત નવી નથી જ્યારે પણ કેન્દ્રીય પ્રધાનોની મુલાકાત નિયમિત રીતે થવા લાગી છે ત્યારે સ્થાનિક આગેવાનોમાં ઉત્સાહ જોવા મળે, પરંતુ હોદ્દા પર બેઠેલાઓ ચિંતામાં પડી જાય તે સ્વાભાવિક છે. તેમા પણ અમિત શાહ તો આ વખતે ગુજરાતના રીતસરના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. એક પછી એક બેઠકો કરી રહ્યા છે. તેમણે સુરતમાં પક્ષપ્રમુખ સી આર પાટિલને ત્યાં ભોજન લીધુ હતુ. આ દરમિયાન તે સાંસદોને મળ્યા હતા અને ધારાસભ્યોને મળ્યા હતા. તેની સાથે સ્થાનિક આગેવાનોને પણ મળ્યાં હતા.

આશ્ચર્યની વાત તો એ હતી કે બનાસ ડેરીની ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે પણ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત ગયા હતા. આ સિવાય સરકિટ હાઉસમાં પણ મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ નીમવાની વાત સતત ચાલી રહી છે, તેની સાથે પક્ષમાં આંતરિક અસંતોષનું વાતાવરણ છે જે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ઉડીને આંખે વળગ્યું હતું. આ બધાના પગલે અમિત શાહના આગમને અટકળોનું બજાર ગરમાવી દીધું છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પક્ષના આંતરિક અસંતોષનું રાજકારણ આ ચૂંટણીમાં ન નડે તે જોવા અમિત શાહ પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત ગુજરાતના પક્ષપ્રમુખ તરીકે નવા પ્રમુખ કોને નીમવા તેને લઈને પણ અટકળોનું બજાર ગરમ છે. તેથી અમિત શાહની મુલાકાત આંતરિક અસંતોષ ખાળવા ઉપરાંત નવા પક્ષપ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા પણ હોઈ શકે છે.

પક્ષમાં હાલમાં પ્રવર્તતા જૂથવાદ અને આંતરિક અસંતોષને ખાળવા માટે અમિત શાહ સાંસદો અને ધારાસભ્યો સાથે વન-ટુ-વન મુલાકાતો કરી રહ્યા છે. આમ પણ અસંતોષને ડામવાની મહારથ અમિત શાહને હાંસલ છે. અગાઉ તે ગુજરાતમાં હતા તે સમયે પણ પક્ષના આંતરિક અસંતોષને ઠારવાનું કામ સારી રીતે કરી ચૂક્યા છે. તેમા પણ પક્ષના મેન્ડેટનું પાલન ન થયા પછી સ્વાભાવિક રીતે તેની છેક કેન્દ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. તેથી આગામી ચૂંટણીઓમાં બળવાખોરો વધુ સક્રિય થાય તે પહેલાં જ અમિત શાહ સક્રિય થઈ ગયા છે.

પક્ષના મેન્ડેટના અનાદર પરથી જ તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાંની પક્ષની સેન્સ લઈ લીધી છે. પક્ષમાં જૂથવાદ માઝા મૂકી રહ્યો છે ત્યારે અમિત શાહ આખા પક્ષને એક જ લાઇનદોરી પર લાવવાની જવાબદારી ઉપાડવી પડી છે. પક્ષની શિસ્તના લીરેલીરા ઉડવા લાગ્યા છે ત્યારે અમિત શાહના આગમનને પક્ષને શિસ્તમાં લાવવાની એક પ્રક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ધારાસભ્યો અને સાંસદો તેમના કામ થતાં નથી તેવો બળાપો કાઢી રહ્યા છે અને આ માટે સરકાર સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે એક પછી એક લેટરકાંડ પક્ષમાં થઈ રહ્યા છે તે બધું કંઇ અમિત શાહથી અજાણ્યું તો ન જ હોય. આના પગલે જ તેમણે રાજ્યમાં ત્રણ દિવસના ધામા નાખવા જરૂરી સમજ્યા છે. તે જાણે છે કે ઘણી વખત વાત સાંભળવાથી અને સમજવાથી પણ ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જતી હોય છે. ગેરસમજો દૂર થઈ જતી હોય છે. ક્યાંક સમજાવટથી, ક્યાંક ભારપૂર્વક વાત કહીને તથા સામ-દામ, દંડ,ભેદની નીતિને અનુસરીને પક્ષને એક લાઇનદોરી પર લઈ આવવા તે પ્રતિબદ્ધ છે.

આના પગલે તે ફક્ત સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોને જ મળવાના છે તેવું નથી. તે દરેક જિલ્લાના સ્થાનિક આગેવાનો અને પક્ષના આગેવાનોને પણ મળવાના છે. આ રીતે દરેકને મળીને દરેક વિસ્તારમાં પક્ષની સ્થિતિનો તે ક્યાસ કાઢવાના છે. તેના પછી ક્યાં વધારે અસંતોષ છે, ક્યાં શું પ્રશ્નો છે, ધારાસભ્યો અને સાંસદોને શું-શું તકલીફો છે તે બધાની વાત તે સાંભળવાના છે. આ ઉપરાંત વહીવટીતંત્રની શિથિલતાઓ પર પણ તે ધ્યાન આપવાના છે. સરકાર અને તંત્ર ક્યાં-ક્યાં નબળા પડી રહ્યા છે તેની તે તળિયાથી ટોચ સુધી ચકાસણી કરવાના છે.

આટલું મોટું સંગઠન હોય એટલે તડાં અને જૂથવાદ રહેવાના જ. બીજા પક્ષમાંથી ભાજપમાં આવેલા અને ભાજપમાં લાંબા સમયથી રહેનારાઓ વચ્ચે સંઘર્ષ રહેવાનો જ. ટોચની નેતાગીરી આ બધા વચ્ચે સેતુ બનવાનું કામ કરે છે. અસંતોષ સંપૂર્ણપણે દૂર કરવો અશક્ય છે, પરંતુ તેના પર પક્ષને નુકસાન ન થાય તેટલી હદ સુધી અંકુશમાં તો રાખી શકાય છે. આમ શાસક પક્ષમાં પ્રવર્તતા અસંતોષ પર અમિત શાહના સ્વરૂપમાં લગામ લગાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પક્ષને નવા પ્રમુખ મળે અને આંતરિક અસંતોષ તથા જૂથવાદ ખતમ તો ન થાય પરંતુ અંકુશમાં આવે તો સમજવાનું કે આ લગામ બરોબર કામ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર