ભાજપના વિધાનસભ્ય અને જાણીતા સામાજિક આગેવાન અલ્પેશ ઠાકોરે ફરીથી ચીપિયો પછાડ્યો છે અને છાતી ઠોકીને જણાવ્યું છે કે સરકારી તંત્રમાં ઠાકોર યુવાનો કેમ નથી. પોલીસથી લઈને વહીવટી કચેરી, કલેક્ટર સુદ્ધામાં ક્યાંય કેમ ઠાકોર જોવા મળતા નથી. આવું કેમ થાય છે. ઠાકોર સમાજના યુવાનો જાહેર સેવા આયોગની પરીક્ષા કેમ આપતા નથી, આપે તો ક્યાં પાછળ પડે છે. આ બહુ મોટો સવાલ છે. રાજ્યની વસ્તીનો નોંધપાત્ર હિસ્સો હોવા છતાં પણ ઠાકોર સમાજની રાજ્યમાં નોકરીથી લઈને ધંધા સુધીના દરેક ક્ષેત્રમાં કેમ પાછળ છે.
ભાજપના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર
સરકારી નોકરીઓઓમાં તો ઠાકોર યુવાનો નથી જ, આશ્ચર્ય અને ખેદની વાત એ છે કે સરકારી નોકરીમાં ક્લાર્ક જેવા ક્લાર્કની પોસ્ટ પણ ઠાકોર સમાજના યુવાનોને મળતી નથી, તેની પાછળનું કારણ શું છે. આ માટે કયા પરિબળો જવાબદાર છે. ફક્ત રાજકીય આગેવાન જ નહી પણ સમાજના એક આગેવાન તરીકે હું બહારની દુનિયા અને બીજા સમાજની તુલનાએ ઠાકોર સમાજની સ્થિતિ જોઉં છું તો મારું હૃદય કંપકપી ઉઠે છે. આટલા આધુનિક સમયગાળામાં ઠાકોર સમાજ જાણે હજી કઈ સદીમાં જીવી રહ્યો છે. કયા સદીઓ જૂના રિવાજો અને કેટલાય કુરિવાજો તથા બલિપ્રથાને અનુસરી રહ્યો છે. ઠાકોર સમાજની આ પછાત સ્થિતિ મને અકળાવી રહી છે. આજે હું બહુ-બહું તો ક્યાંક ઠાકોર યુવાનો અંગે ભલામણ કરી શકું, પરંતુ તેના માટે ઠાકોર યુવાને કે ઠાકોર બહેને તે સ્થિતિ સુધી તો પહોંચવું જ પડશે.
બહુચરાજી તાલુકાના 42 ઠાકોર સમાજના સ્નેહ સંમેલનમાં ઠાકોર અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે રાજ્યના દરેક જિલ્લામાં ઠાકોર સમાજનો યુવાન સરકારી નોકરોમાં ટોચના હોદ્દા પર હોવો જોઈએ, પછી તે હોદ્દો પોલીસ અધિકારીનો હોય કે વહીવટી અધિકારીનો હોય. આ માટે જે યુવાનોને ભણવુ હોય, સાધન સંપન્નતાનો અભાવ હોય તેને હું પોતે મદદ કરવા તૈયાર છું પણ સમાજના યુવાનો આગળ આવે અને સમાજનું નામ રોશન કરે તેવી મારી નેમ છે.આજે ટોચના હોદ્દા પર જ્યારે હું આપણા યુવાનોને ક્યાંય જોતો નથી ત્યાં મારું હૈયુ કકળી ઉઠે છે.
મેં ઠાકોર સેના ઊભી કરી છે તે કંઈ ફક્ત બીજા બધા સામે લડવા કરી નથી. ઠાકોર સમાજના કુરિવાજો સામે લડત આપવા માટે પણ ઊભી કરી છે. પહેલી લડત હંમેશા પોતાની સાથે હોય છે, બીજા તો પછી આવે છે.
તેમણે દાવો કર્યો હતો કે ઠાકોર સમાજ શિક્ષિત બંને અને સંપન્ન બને, પછી તે પોતે જ જોશે કે તેને આગળ વધતા કોણ રોકી શકે છે. તેના પછી તેમની રાજકીય અને આર્થિક તાકાત બંને વધશે. પણ આપણે ત્યાં તો કોઈ આગળ જરા પણ વધે ત્યાં ટાંટિયાખેંચ શરૂ થઈ જાય છે. આ વાત ઠાકોર સમાજને મોટાપાયા પર નડી છે. તેણે તેના સામાજિક આગેવાનોને સમર્થન આપવાની જરૂર છે, આમ થશે તો જ સમાજમાં પરિવર્તન આવશે.
અલ્પેશ ઠાકોરે તો સમાજના લોકોને ત્યાં સુધી જણાવ્યું હતું કે ચૂંટણીમાં એક-બે ધારાસભ્ય આડાઅવળા થઈ જાય તો આશ્ચર્ય નથી, પરંતુ સરકારી અધિકારી તરીકે જો ઠાકોર સમાજનો વ્યક્તિ હોવો જોઈએ. સરકારી નોકરીમાં જો કોઈ સમાજનો વ્યક્તિ આવશે તો સમાજને પણ ઘણી મદદ મળશે. આ વ્યક્તિ સમાજ માટે આદર્શ બનશે. ભારતીય ક્રિકેટ ટીમ 1983માં પહેલી જ વખત વર્લ્ડ કપ જીતી હતી અને તેના પછી જુઓ આજે ભારતમાં ક્રિકેટ કેવો ધર્મ બની ગયો છે. તેથી જ હું કહું છું કે આપણે ત્યાંથી સરકારી અધિકારી તરીકે એક કે બે વ્યક્તિ જ સફળ થયા તો બીજા લોકો માટે તે પ્રેરણારૂપ બનશે, તેમની સફળતાની આ ગાથા આખા સમાજ માટે પ્રેરણાનો નવો પથ બની શકે છે. ફક્ત ધારાસભ્ય જ સમાજનો વિકાસ કરી શકે તેવી માન્યતા પર કોઈએ બેસી રહેવું નહી.
સમાજનો વિકાસ સમાજના દરેક અંગના વિકાસને લઈને થાય છે. વિકાસ હંમેશા બહુઆયામી હોય છે. આપણને કોઈ ઠોકરો મારીને જગાડે અને આપણે દોડવાની ફરજ પડે તે પહેલા આપણે જાગી જવાની જરૂર છે. એકવીસમી સદી જ્ઞાનની સદી છે અને જે પણ તેનાથી વંચિત રહી જશે તે વ્યક્તિ અને સમાજ બંને આ દેશના જ નહીં વિશ્વનો નવો પછાત વર્ગ હશે. આ જ નવા પછાત વર્ગની વ્યાખ્યા છે. પછાત એટલે કંઈ સામાજિક રીતે કચડાયેલો અને પછાત રહી ગયેલો વર્ગ નહી, પણ બદલાતા સમયની સાથે તાલ ન મિલાવી શકીને વિકાસથી પાછળ રહી ગયેલો વર્ગ એટલે જ પછાત.
આપણે હવે જો પોતાને આ નવા દલિતની કેટેગરીમાં મૂકાવવા ન દેવા હોય તો વિકાસની ધૂણી જગાવવી પડશે. આપણે જ્ઞાનના આ નવા યુગમાં આપણા કપાળ પર લાગેલી પછાતની ટીલીને જ્ઞાન વડે ભૂંસવી પડશે. નહીં તો બીજી ટીલીઓ લાગી જતાં વાર નહીં લાગે. હવે ઠાકોર સમાજે નક્કી કરવાનું છે કે બીજાની ઠોકરો ખાઈને જાગવાનું છે, સમયની ઠોકર ખાઈને જાગવાનું છે કે સમયસર જાગવાનું છે. વિકાસની ક્ષિતિજને આંબતા કોઈ સમાજને કોઈ રોકી શકે તેમ નથી, બસ ફક્ત પાંખો પ્રસરાવવાની જરૂર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

