જૂનાગઢમાં (Junagadh) અત્યારે સૌથી મોટો વિવાદ ચાલતો હોય તો મગફળીના કૌભાંડનો ચાલે છે. તેમા માળીયાહાટીના ખાતે મગફળી કૌભાંડ રીતસરનું ખુલ્લેઆમ આચરવામાં આવી રહ્યુ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. કેટલાક જાગૃત નાગરિકો સ્પષ્ટપણે જણાવે છે કે જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ માળિયા હાટીના જાણે ખેડૂતોની વેપારની જણસો ખરીદતું યાર્ડ નહીં પણ કૌભાંડ કરીને ખેડૂતોને ગરીબીમાં ધકેલી દેતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. તેના પગલાં એ રીતના હોય છે કે ખેડૂત પાસેથી કરવામાં વનારી દરેક ખરીદીમાં તેને ફટકો કઈ રીતે પડે અને વેપારીઓને નફો કઈ રીતના થાય. આ માટે તે નીતનવા પગલાંનો આશરો લેતું રહે છે. જો કે કૌભાંડો આચરવાની માર્કેટિંગ યાર્ડની જે કલ્પનાશીલતા છે તેને દાદ દેવી પડે.
માળિયાહાટીના તાલુકામાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા જ નહીં પણ આપના સ્થાનિક રાજકારણી દ્વારા પણ કરવામાં આવ્યા છે. આ કૌભાંડના પરિપાકરૂપે ખેડૂત પાસેથી અંદાજે ત્રણ કિલો વધુ મગફળી રીતસરની પડાવવામાં આવી રહી છે. અહીં સ્પષ્ટપણે દેખાય છે કે બારદાનનું વજન 700 ગ્રામ છે, સામાન્ય રીતે બારદાનના વજન જેટલી જ મગફળી ખરીદવાનો શિરસ્તો છે. પણ કૌભાંડીઓ વળી કોઈ શિરસ્તાને માને ખરા. તેઓ 700 ગ્રામના બારદાનના વજન સામે એક કિલો ખરીદી ખેડૂત પાસેથી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આમ ખેડૂતને કિલોએ રીતસરનો 300 ગ્રામનો ફટકો પડી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કૌભાંડ કંઈ છાનેછપને આચરવામાં આવી રહ્યું નથી, ખુલ્લેઆમ આચરવામાં આવી રહ્યું છે.
આ આખા કૌભાંડના સંદર્ભમાં આમ આદમીના પાર્ટીના નેતા પિયુષ સિંધવે જણાવ્યું હતું કે પહેલાં તો માળિયાહાટિના માર્કેટિંગ યાર્ડે બારદાન ન હોવાનું બહાનું કાઢીને ખરીદીની સીઝનમાં રીતસરની ખેડૂતો પાસેથી ખરીદી બંધ રાખીને તેમને ટટળાવ્યા હતા. તેઓએ રીતસર એક પખવાડિયા સુધી ખરીદી બંધ રાખી હતી. આના પગલે યાર્ડ સામે સતત ઉગ્ર રજૂઆત કરવામાં આવતા યાર્ડે પછી બારદાન મંગાવ્યા હતા. હવે યાર્ડે મંગાવેલા બારદાનનું વજન 700 ગ્રામ જ છે, આમ છતાં યાર્ડ આ બારદાનનું વજન એક કિલો ગણીને તેની સામે એક કિલો મગફળી લે છે. આમ ખેડૂતને કિલોએ 300 ગ્રામનો ફટકો પડી રહ્યુ છે. જ્યારે આ યાર્ડમાં છ હજારથી પણ વધુ ખેડૂતો નોંધાયેલા છે ત્યારે જોઈએ તો દરેક ખેડૂતને 30થી 32 કિલોનો ફટકો પડી રહ્યો છે.
હવે માળીયાહાટીનામાં લગભગ 6,000 ખેડૂતો નોંધાયેલા છે તે જોતાં યાર્ડવાળાઓએ રીતસરનું 20 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે તેમ જ કહી શકાય, આ કૌભાંડનો જો ભોગ બનતાં હોય તો તે ખેડૂતો છે. આમ માળિયાહાટીના યાર્ડના સંચાલકો રીતસરના ખેડૂતોના પેટ પર લાત મારી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે યાર્ડવાળા બારદાન પણ લાવતા ન હતા, તે પણ અમે કેટલીય વખત ઉગ્ર રજૂઆત કરી ત્યાર પછી તેઓ બારદાનની ખરીદી કરી હતી.
આમ આદમી પાર્ટી યાર્ડવાળાના આ કૌભાંડની બાબતને છેક મામલતદાર સુધી લઈ ગઈ છે. તંત્ર આ અંગે તાત્કાલિક નિર્ણય લે અને બારદાનના વજન જેટલી જ મગફળી લે તેવી અમારી માંગ છે. ખેડૂતોના પેટ પર લાત મારતા માર્કેટિંગ યાર્ડની આ પ્રકારની કામગીરી જો તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂત પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી (આપ) અનેક કાર્યક્રમો આપશે. નવા જ ખેડૂત આંદોલનના મંડાણ થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. ખેડૂતોના કનડનારાઓ સામે આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસી રહે. આમ આદમી પાર્ટી પ્રામાણિકોનો પક્ષ છે અને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હશે તો તેઓ ચોક્કસ ત્યાં જઈને વિરોધ કરશે.
આ અંગે ગુજકોમાસોલને લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ તો મગફળી ખરીદતી મંડળીની ભૂલ છે અને 200થી અઢીસો ગ્રામ મગફળી વધારે ભરાય છે તેનો સ્વીકાર કર્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દરેક જિલ્લા અને તાલુકામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી 90 દિવસની સમયમર્યાદામાં મગફળી ખરીદવાના કેન્દ્રો શરૂ કર્યા છે. હવે આ ખરીદકેન્દ્રો ખેડૂતોને રીતસરના ફોન કરીને બોલાવે છે કે મગફળી વેચવા જાવ અને પછી ખેડૂત અધવચ્ચે હોય છે ત્યારે તેને એમ કહીને પાછો મોકલી દે છે કે હજી બારદાનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવ્યો નથી તેથી પાછા જાવ.
શું જગતના તાતે આ ખરીદકેન્દ્રોમાં બેઠેલા હરામખોરોનો જુલમનો ભોગ બનવાનું, તેઓ કહે તેમ કરવાનું, આ હરામખોરોના લીધે ખેડૂતો મગફળીનો જથ્થો વેચવાથી વંચિત રહેશે તો તેની જવાબદારી કોની, શું આ હરામખોરોને કોઈ પાઠ ભણાવનાર નથી, ખેડૂતોને હેરાન કરવાની આ અંગ્રેજો જેવી માનસિકતા ક્યાંથી આવી ગઈ, કેન્દ્ર અને રાજ્ય તો 90 દિવસ પૂરા થશે એટલા હાથ ખંખેરી લેશે, પણ શું આ પરપીડનવૃત્તિ ધરાવનારાઓના લીધે ખેડૂતે ભૂખે મરવાની કે આત્મહત્યા કરવાની ફરજ પડશે તો તેના માટે જવાબદાર કોણ હશે.
આ હરામખોરો પાછા એમ કહે છે કે કે બારદાન નથી, પણ અક્કલના ઓથમીરો હોય ત્યાં બારદાન ક્યાંથી આવે, ખેડૂતના હૃદયમાંથી ઝાળ નીકળશે તો ખરીદકેન્દ્રોની વાત જવા દો, એકપણ માર્કેટિંગ યાર્ડ શોધ્યા નહીં જડે. આ નવા કૌભાંડીઓને જણાવવું જરૂરી છે કે સમય આવા એક-એક કૌભાંડીઓની છાલ ઉતારી નાખશે અને તે લોકો સમક્ષ જેવો છે તેવો રજૂ કરશે. જો કૌભાંડીઓએ એમ સમજી લીધું હોય કે ખેડૂતોનું કોઈ ધણીધોરી નથી તો તેમની સૌથી મોટી ભૂલ હશે, માળિયાહાટીનાના યાર્ડે હજી પણ ખેડૂતોને કનડવાનું ચાલુ રાખ્યું તો એવો સમય આવશે કે ખેડૂતો તેમને આને આ જ બારદાનથી ફટકારશે.
આ પણ વાંચો: રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડનો મામલો, ખેડૂતો પાસેથી મગફળીની લાંચ લેનાર અધિકારી જેલ હવાલે
આ પણ વાંચો: મગફળી કૌભાંડના મુખ્ય સુત્રધાર મગન ઝાલાવાડિયાના બેંક લોકરમાંથી એક કિલોથી વધુ સોનું મળ્યું
આ પણ વાંચો: મગફળી કૌભાંડ મામલો, કોંગ્રેસ કાર્યકરોના ધરણા/જીતુ વાઘાણીની પ્રતિક્રિયા.
